સર્ગ  બીજો

મૃત્યુની શુભવાર્તા  અને આદર્શની અસારતા

 

વસ્તુનિર્દેશ

 

          પછી પાછો એ પ્રશાંત અને પ્રશામ્ય અવાજ ગાજ્યો,--આશાનો વિનાશ કરતો ને  જીવનનાં  સોનેરી સત્યોને નિરસ્ત કરી નાખતો.

           " પ્રકૃતિના બંદિ જીવ ! તું આ આદર્શના પ્રદેશોમાં અસાર અમૃતમયતાનો આનંદ  લે છે તો ખરો, પણ જાણ કે તારી આસ્પૃહાઓ જ્યાંથી જન્મી છે તે આ જગત છે. જો આ અશરીરી દેવતાઓનાં હવાઈ અંગવસ્ત્રો જેવા ને જ્યોતિની ઝૂલ સમાન નાસભાગ કરતા આકારો. કદીયે નહિ જન્મેલી વસ્તુઓનો વિનોદ, આશા પ્રત્યે આલાપાતું આશાનું ગાન, વાદળાને વિલસાવતું વાદળું, છાયામૂર્ત્તિને મળવા જતી ઝંખના ભરી છાયામૂર્ત્તિ : કેવાં તેઓ પરસ્પર મધુરતાથી મળે છે ને મધુરતાથી એકબીજાનો પીછો લે છે. અહીંનું બધું જ ચકતી છાયાનો સ્વપ્નમાર્ગ છે.

             તારી દૃષ્ટિનો નીલાકાશ રચે છે, મેઘધનુષ્યની કમાન આંકે છે, તારી મર્ત્ય લાલસા તારે માટે ચૈત્યાત્મા બનાવી દે છે. પ્રેમ તારા અભિલષતા દેહાણુઓનો એક આવેશ છે, લોલુપતાના સંતોષ માટે માંસ પાસે માંસને સાદ કરાવે છે, તારું મન પ્રત્યુત્તર આપતા મનને પ્રેરાઈને શોધે છે ને ક્ષણભર માની લે છે કે એને એનો સાથી મળી ગયો છે. જીવન આધાર શોધે છે, અન્યને જીવને પુષ્ટિવંતું બને છે, હૃદયને ને દેહને પોતાનું ભોજન બનાવે છે. પ્રેમના નાશવંત કીચડને સાજ સજાવવા માટે અમૃતાત્માની શાળ પર તેં આદર્શનું અંબર વણ્યું છે; પણ  આદર્શ કદીયે વસ્તુતા પામ્યો નથી. દેહમાં પુરાતાં વાર એની આય ઓસરી જાય છે.

               અશરીરી મનોહર આદર્શ દેખાય છે ભવ્ય પણ હોય છે મૂક. ચાલવા માટે એની પાસે પગ નથી, આપવા માટે હાથ નથી. દેખાવે એ ગમે તેટલો આકર્ષક હોય તો પણ છેવટે તો એ હવાઈ છે. કંઈ સંગીન હોય તો તે માત્ર પૃથ્વી જ છે. સ્વર્ગો હોય તો તે પોતાના પ્રકાશમાં લીન રહેલાં છે, કોઈ સનાતન સત્ય સત્તા ચલાવતું હોય તો તે પ્રભુના કોઈ એક અઘોર શૂન્યમાં. દુઃખની દુનિયામાં આદર્શ શી રીતે

૧૪


પગલાં માંડવાનો હતો ? અહીં તો જડમાંથી બધું જન્મ્યું છે, જડ વડે પોષાય છે; અહીં બધું જ વૈતરું છે, ખાલી આશારૂપ છે, અહીંયાં થતી યાત્રા અમથી ટાંટિયાતોડ છે, ને લક્ષ્યસ્થાને માત્ર મૃત્યું છે.

          અવતારો આવ્યા ને આવ્યા તેવા ગયા. ઋષિમુનિઓનાં ચિંતનોથી કશું વળ્યું નથી, પેગંબરોના  પોકારો પોકળ હતા. પૃથ્વીલોક તો બદલાયા વિનાનો એવો ને એવો જ રહ્યો છે. એને પોતાની પતિતાવસ્થા પ્રિય છે, અને ગમે તેવી સર્વશકિત-મત્તાય એની અપૂર્ણતાનો અંત આણવા અસમર્થ છે. તું આદર્શની ઉપાસિકા બની છે, પ્રેમનો આદર્શ તું આરાધી રહી છે, પણ એ થોડીક ચમત્કારિતા બતાવીને પસાર થઈ જવાનો ને જગત હતું તેવું જ પાછું બની જવાનું. આ મુગ્ધ કરતું માધુર્ય, દિવ્ય લાગતો રોમાંચ, સોનેરી સેતુ, શાશ્વતી સાથે સંયોજક રજ્જુ,-આ બધું કેટલું નાજુક, કેટલું કમજોર, કેટલું તકલાદી છે ! સત્યવાન જો જીવતો હોત તો તારો પ્રેમ મૃત્યુ પામી ગયો હોત. પણ એ હવે મરણશરણ થયો છે ને પ્રેમ જીવશે. સત્યવાનનું તને પરિચિત મુખ ક્યાંયે વિલીન થઈ જશે ને એનું સ્થાન લેવા નવાં મુખો આગળ આવશે.  

         પ્રેમ ઓચિંતો પ્રકટ થાય છે ત્યારે માણસ એક સૂર્યલોકમાં પ્રવેશ કરે છે અને એને માટે બધું અદભુત બની જાય છે. પણ  પ્રેમના ગુલાબમાં એક કીટ રહેલો હોય છે, ને તે એના રળિયામણા હૃદયને રંજાડી મૂકે છે. એકાદ શબ્દ, એકાદ કાર્ય એ દેવતાને દેહાંતદંડની શિક્ષા કરે છે. પ્રેમ દેવલોકના ખાદ્ય પદાર્થથી જ જીવી શકતો નથી. પૃથ્વીનો રસ એને જીવતો રાખે  છે. પ્રેમનો  હ્રાસ  ને નાશ હજારો  પ્રકારે થાય છે. આદર્શની આભાઓ ઓસરી જતાં ક્રૂર વસ્તુસ્થિતિ મનુષ્ય ઉપર મીટ માંડતી બની જાય છે.

          આ વિટંબણામાંથી મૃત્યુએ તને તેમ જ સત્યવાનને બચાવી લીધાં છે. આ દગાખોર દુનિયામાં પશુજીવન જીવવા માટે એને પાછો બોલાવતી નહીં. મારા રાજ્યમાં એને આરામથી સૂવા દે, કેમ કે પ્રેમ સુધ્ધાં ત્યાં શાંતિની સોડમાં સૂતેલો છે.

           તું પૃથ્વીલોક પ્રતિ પાછી વળ. સ્વપ્નમાં ગરક થઈ ગયેલા જીવને કઠોર જરૂરિયાતો કશાઘાત કરીને જગાડે છે. શુદ્ધમાં શુદ્ધ આનંદ જેવો આરંભાય છે તેવો અંત પણ અવશ્ય પામે છે. માટે મારી ગહન નિઃશબ્દ શાંતિમાં સર્વ સમર્પી દે ને સર્વ કાંઈ ભૂલી જા."

            પણ કાળા કાળને સાવિત્રીએ ઉત્તર વાળ્યો :

             " હે યમરાજ ! તેં તો જોખમકારક સંગીત શરૂ કર્યું ! થાકેલી આશાઓને તું તારી બંસરીથી પ્રલોભાવી રહ્યો છે. તારાં જૂઠાણાંમાં તેં સત્યના વિષાદભર્યા સ્વર ભેળવી દીધા છે. મારો પ્રેમ હૃદયની ભૂખ નથી, માંસમાટીની લાલસા નથી. એ આવ્યો છે પ્રભુ પાસેથી ને પ્રભુની પાસે પાછો જાય છે. જિંદગી ને મનુષ્ય ઘણું બધું વિકૃત બનાવી દે છે, છતાંય તે સર્વની મધ્યે દિવ્યતાનો મર્મરધ્વનિ સુણાય છે,

૧૫


સનાતન ધામોનો ઉચ્છવાસ અનુભવાય છે. એક દિવસ આ મારું મહાન ને મીઠડું જગત દેવોના ઘોર કપટવેશો વેગળા કરશે, પાપ-પીડામાંથી બહાર નીકળશે, ને સાન્ત્વના પામેલાં આપણે જગદંબાનું મુખદર્શન કરીશું ને આપણા સરળ આત્માઓને એના ખોળામાં ઢાળી દઈશું. ત્યાર બાદ સ્વર્ગના રઢિયાળા રાગ સંભળાશે, ને એકલા દેવાત્માઓ જ નહીં પણ દાનવી જીવોય ઉદ્ધારાશે. મા એ પોતાના બળવાખોર બાળકોને માટેય પોતાના બાહુ પ્રસારશે.

             છદ્મવેશધારી પ્રેમી આપણા આત્માઓને ગૂઢ બંસરી બજાવી આકર્ષશે. એ પ્રેમી મારે માટે સત્યવાન બનેલો છે. સૃષ્ટિના આરંભથી અમે નર-નારીનો પાઠ ભજવતાં આવ્યાં છીએ. અનેક જગતોમાં ને અનેક જન્મોમાં એ શિકારીની માફક મારી શોધમાં નીકળ્યો હતો ને હુંય એની દિશામાં અધીર વેગથી ધાતી હતી. માટે જો કોઈ વધારે આનંદમય દેવતા હોય તો પ્રથમ તે સત્યવાનનું સ્વરૂપ ધારે ને સત્યવાનના આત્મા સાથે એના આત્માને એકાકાર બનાવી દે. કેમ કે મારે માટે સત્યવાન જ મારું સર્વસ્વ છે, મારા હૃદયમાં એ એક દેવતા જ પ્રેમના સિંહાસને સમારૂઢ છે. યમરાજ ! આગળ ચાલ. આ ભૂતછાયાના બનેલા સુંદર દેખાતા જગતને વટાવી આગળ ચાલ. હું અહીંની નિવાસિની નથી."

              પણ મૃત્યુદેવે પોતાનો પ્રશાંત ને પીડક પ્રભાવ શબ્દોમાં ભરી સાવિત્રીના હૃદય ઉપર પ્રહાર કર્યો :

               " તું તારા વિલસંતા વિચારોના ભ્રમમાં રહે છે, અધાત્મદોરે બંધાયેલી બંદી બનીને ઘસડાય છે. તું તારી ઇન્દ્રિયોના સંકલ્પની દાસી છે, હૃદયના ગાઢાનુરાગે ભર્યા તારા શબ્દોને ગરુડની જેમ સૂર્યના સમાગમ માટે ઊંચે ઉડાડે છે, પગ રાગાવેગી હૃદયમાં જ્ઞાન વસતું નથી. પૃથ્વી ઉપર સ્વર્ગની રચના કરવાની તારી આકાંક્ષા અર્થરહિત છે. આદેશ ને ભાવનાની રચના કરનારું મન જિંદગીના ગર્ભમાંથી જન્મેલું અન્નમયનું બાળક છે. આકાશમાં એની ગતિ ભવ્ય પ્રકારની હોવા છતાં પૃથ્વી ઉપર એ પંગુ બની જાય છે. બંડખોર પ્રાણને એ ભાગ્યે જ ઘડી શકે છે, ઇન્દ્રિયોના ઘોડાઓને એ જવલ્લે કાબૂમાં રાખી શકે છે. સ્વર્ગ સામે  એ મીટ તો માંડે છે, પણ એનાં કર્મ કાચી ધાતુના જેવાં જ હોય છે. જડદ્રવ્ય જ સર્વ કાંઈ છે. મન ને પ્રાણના પરવારી ગયા પછી એ એકલું જ બાકી રહે છે ને જો એનો અંત આવે તો બધું જ અંત પામી જાય છે.

                તારો આત્મા મન-માળીના બાગનું એક ફૂલ છે--જડપદાર્થની ક્યારીમાં ઉત્પન્ન થયેલું. તારા વિચાર એ જડદ્રવ્યની કિનાર આગળથી પસાર થતાં રશ્મિઓ છે, તારો પ્રાણ એ દ્રવ્યના દરિયામાં ઊછળીને શમી જતો તરંગ છે. જડદ્રવ્ય મનને ઈન્દ્રિયોને ખીલે બાંધી રાખે છે, પ્રાણની તરંગ ધૂનોને ભારેખમ નિત્યક્રમ સાથે ચપસી રાખે છે, પ્રાણીઓને નિયમને દોરે બાંધી રાખે છે. જડદ્રવ્યના ખડકમય પાયા ઉપર બધું ઊભું છે, ને એ પડી ભાગે તો બધુંય પડી ભાગે છે. તેમ છતાં જડ-

૧૬


દ્રવ્યેય  એક આભાસ છે, પ્રતીક છે, શૂન્યાકાર મીડું છે. એનું સ્વરૂપ એક શકિતના નૃત્યનું આવરણ બની છેતરે છે. અવાસ્તવિક કાળનું એ નક્કર લાગતું મુખ છે, અવકાશની રિક્તતાને અંકિત કરતું બિન્દુઓનું ક્ષરણ છે. સ્થાયી લાગતી ગતિમાંય છેવટે તો પલટો આવે છે, ને છેલ્લામાં છેલ્લો પલટો છે મૃત્યુ.

           આ બધું આભાસી શકિતના આભાસી આકારો છે. મૃત્યુદેવની દયા હોય છે ત્યાં સુધી શ્વાસોચ્છવાસ લઈ બધું ક્ષણભર જીવે છે. અચિત્ દ્રવ્યની કૃપાથી વિચાર ને ક્રિયા ચાલે છે. ઓ વિચારની ગુલાબી વિલાસિતાની વ્યસની !  મનોમય સ્ફટિકમાં દેખાતાં દર્શનદૃશ્યો જોવા દૃષ્ટિને અંતર્મુખી કરતી નહીં. નયનો નિમીલિત કરીને દેવસ્વરૂપોનાં સ્વપનાંમાં સરતી નહીં. આખર આંખો ઉઘાડવાનું કબૂલ ને તું તથા તારું જગત જે સામગ્રીનાં બન્યાં છો તે જો.

            અચિત્ શૂન્યકારમાં અચિત્ એવું કંઈક હાલતું ચાલતું જન્મ્યું. એને પોતાના સત્યથી સંતોષ ન થયો. એના અજ્ઞાન હૃદયમાંથી એવું કંઈક જન્મ્યું કે જે જોતું હ્ત, સંવેદતું હતું, પરમ કરતું હતું. એણે પોતાની ચેષ્ટાનું  નિરિક્ષણ કર્યું ને ભીતરમાં એક જીવાત્માની કલ્પના કરી. સત્ય માટે એ ભંભોળવા મંડયું ને આત્માના ને પ્રભુના સ્વપ્નમાં એ સરકી ગયું.

             બધું અચેતન હતું ત્યારે બધું ઠીક હતું, મારું--મૃત્યુનું રાજ્ય ચાલતું ને શાંત અસંવેદી હૃદયે હું બધી યોજનાઓ ઘડતો. પણ પછી તો ત્યાં વિચારે પ્રવેશ કર્યો અને એણે વિશ્વની સંવાદિતાને વણસાવી મારી. કેમ કે હવે તો જડદ્રવ્ય આશા રાખવા માંડયું, વિચાર સેવવા લાગ્યું ને સંવેદનોનો અનુભવ કરતું બની ગયું, નસોમાં હર્ષ-શોકનો સ્રોત્ર શરૂ થયો, મનમાં એક અજ્ઞાન દૈવત જાગી ઊઠ્યું. આખી કુદરત ડામાડોળ થઈ ગઈ ને એની પુરાણી શાંતિનો લોપ થયો. જીવનની સુખદુઃખની જાળમાં ઝલાયેલા જીવો અસ્તિત્વમાં આવ્યા. જડદ્રવ્યની નિદ્રાનું, મનની મર્ત્યતાનું, પ્રકૃતિના પિંજરમાં મૃત્યુની રાહ જોતા જીવોનું, ઢૂંઢતા અજ્ઞાનમાં પડેલી ચેતનાનું દૃશ્ય ઊભું થયું. આ જગતમાં અટવાયેલી તું હરેફરે છે--ગૂંચવાયેલા માનસ માર્ગો પર, અંત વગરના જીવનના નિષ્ફળ ચકરાવામાં તારા ચૈત્યાત્માને શોધે છે ને અહીંયાં પ્રભુ છે એવું માની લે છે. પણ આ જડસા યંત્રમાં આત્માને માટે સ્થાન ક્યાં છે ? પ્રભુ માટે અવકાશ ક્યાં છે ? ગેસ, જીવદ્રવ્ય, શુક્રાણું ને  જાતિ-નિર્ણાયક તત્ત્વમાંથી તું જન્મી છે. મનની મહાકાય મૂર્તિને તું પ્રભુ નામ આપે છે. અજ્ઞાનના વિરૂપિત કરતા અરીસામાં તારી ચેતના આસપાસના જગતનું પ્રતિબિંબ પાડે છે ને કલ્પનાના તારા જોવા દૃષ્ટિ ઊંચે વાળે છે. તારા આત્મા માટે તું અમરતાનો દાવો કરે છે, પરંતુ અપૂર્ણ માનવ-પગલે પગલે પોતાને હાનિ પહોંચાડતો દેવ--અમર થાય તો એનું દુઃખ પણ અમર બની જશે. જ્ઞાનનો ને પ્રેમનો તું દાવો કરે છે, પણ જ્ઞાન તો છે ભ્રમણાની બનાવટ ને પ્રેમ છે પૃથ્વીના રંગમંચ ઉપર અંગછટાનો પ્રદર્શક. પરીઓના

૧૭


નૃત્યનું એ ઉત્સાહથી અનુસરણ કરે છે. એ છે હૃદયમાં રહેલું મધ ને વિષ, જે દેવ-લોકનું અમૃત મનાય છે ને પિવાય છે.

         વળી પૃથ્વીલોકનું માનુષી જ્ઞાન કોઈ મોટી ગૌરવશાળી શકિત નથી, ને પાર્થિવ પ્રેમ સ્વર્ગધામમાંથી ઊતરેલો કોઈ ધુતિમંત દેવતા નથી. એમની પાસે જે પંખો છે તે છે મીણની ને જો એ સૂર્યની ગમ વધારે આગળ ઊડવા જાય તો પીગળી જાય છે તેઓ પડે ને પછડાય. દિવ્ય જ્ઞાનનું રાજ્ય પૃથ્વી ઉપર હોતું નથી. દિવ્ય પ્રેમ પૃથ્વી ઉપર પ્રાપ્ત થતો નથી, ને સ્વર્ગમાં પણ એ હશે કે કેમ તેની ખાતરી નથી. તારું મન જડદ્રવ્યની એક ચાલાકી છે ને તે છતાંય તું તારી જાતને એક દેદીપ્યમાન સૂર્ય માની બેઠી છે. તારું જીવન એક સત્વર પસાર થઈ જતું ભવ્ય સ્વપ્ન છે, સુખશર્મના ને સુપ્રભાતના એક કિરણથી અંજાઈ ગયેલા તારા હૃદયની એક ભ્રમણા છે. પગ મૂકી ઊભા રહેવાની જમીન જાય છે ત્યારે જડદ્રવ્યનાં એ સર્વ સંતાનો અવસાન પામે છે. અને શકિત એટલેય શું ?  એ છે માત્ર પુરાણા શૂન્યાકારમાં ચાલી રહેલી એક ચેષ્ટા. બધું જ સ્વપ્નમાંના એક સ્વપ્ન જેવું છે. આદર્શ મનનો એક રોગ છે, તારી વાણીનો ને વિચારનો સંનિપાત છે, તને ખોટી દૃષ્ટિએ ઉઠાવનાર સૌન્દર્યનું  સુવિચિત્ર માદક મઘ છે. તારા અભિલાષની બનેલી કપોલકલ્પિત ઉદાત્ત કથા તારી માનુષી અપૂર્ણતામાં ભાગીદારી રાખે છે. એને કદીય સ્વર્ગીય સ્વરૂપ પ્રાપ્ત થવાનું નથી, કાળમાં એ કદીય પ્રત્યક્ષ સિદ્ધ થવાની નથી.

          તો ઓ વિચારોની વૈભવી ભવ્યતાથી ભરમાયેલા જીવ ! સ્વર્ગનાં સ્વપ્ન સેવતા ઓ પૃથ્વી પરના પ્રાણી ! પૃથ્વીલોકના ધર્મને અધીન થા. તારા આયખાના દિવસો પર જે પ્રકાશ પડે તેનો સ્વીકાર કર. જીવન જેટલો આનંદ આપવા માગતું હોય તેટલો આનંદ લઈ લે, નસીબના ચાબખા પડે તો તે કસોટી કબૂલ કર, જે જે શ્રમ કરવા પડે તે કર, જે જે શોક સહેવો પડે તે સહી લે, જે જે ચિંતાઓમાંથી પસાર થવું પડે તે તે ચિંતાઓમાંથી પસાર થા. આખરે તો મારી શાશ્વત નિદ્રાની શાંતિ તારે માટે આવશે ને તારા ભાવાવેશ ભર્યા હૃદયને નીરવ બનાવી દેશે. પછીથી તું જેમાંથી આવેલી છે તે મહામૌનની નિઃશબ્દતામાં વિલીન થઈ જશે."

 

 

અપ્રાશામ્ય અને શાન્ત પછી ગાજ્યો અવાજ

નિરસ્ત કરતા આશા, જિંદગીનાં સ્વર્ણ સત્યો વિલોપતા

સ્વરભારો પ્રાણહારી કરતા ઘા કંપમાન હવા પરે.

પેલો લોક મનોહારી થઇ ઓછો નાજુક તરતો હતો

અચંદ્ર સંધિકાઓના અંધારાની ઝાંખી કિનારની પરે

પ્રાયઃ વિદાયવેળાની અલ્પજીવી મુકતામય વિલાસ શો.

" બંદી પ્રકૃતિ કેરો ઓ બહુદર્શનથી સજ્યા,

૧૮


 

વિચાર કરતા જીવ આદર્શના પ્રદેશમાં,

સૂક્ષ્મભાવી ચમત્કારી માનવીને મને જેને રચેલ છે

તે અવાસ્તવતા યુક્ત અમૃત્વે તારા આનંદ માણતા,

છે આ જગત જેમાંથી આસ્પૃહાઓ તારી ઉદય પામતી.

જયારે એ રચતો ધૂળમહીંથી શાશ્વતત્વને

વિચાર માનવી ત્યારે ભ્રાંતિ દ્વારા પરિષ્કૃતા

પ્રતિમાઓ પર રંગ ચઢાવતો;

પોતે કદી ન જોવાનો જેમને તે

મહિમાઓ ભાખતો એ અગાઉથી,

 પરિશ્રમ કરે સૌમ્ય પ્રકારે એ પોતાનાં સ્વપ્નની વચે.

જો આ રૂપો જતાં ભાગી જ્યોતિની ઝાલરો લઈ,

અમૂર્ત્ત દેવતાઓનાં જો વસ્ત્રો આ હવાઈ જે;

જન્મી શકે કદી ના જે એવી ચીજોતણું જો આ પ્રહર્ષણ,

આશાને ટહુકારે છે આશા જો આ પ્રસન્નામર મંડળી;

મેઘને મેઘ સંતોષે,

ઝંખતી છાયની પ્રત્યે સમાધુર્ય ઝૂકે છાય લળી લળી,

સમાધુર્ય સમાસ્લિષ્ઠા, સમાધુર્ય અનુધાવિત થાય, જો.

બન્યો આદર્શ જેમાંથી તે ઉપાદાન-દ્રવ્ય આ:

વિચાર રચનાકાર, હૃદયેચ્છા એની આધારભૂમિ છે,

એમના સાદને કિન્તુ નથી સાચું કશું ઉત્તર આપતું.

ન આદર્શ વસે સ્વર્ગે, ન વસે પૃથિવી પરે,

છે એ માનવના આશોત્સાહ કેરો એક ઉન્માદ ઊજળો

પોતાના જ મનોમોજી તરંગોને મધે મત્ત બનેલ જે.

છે એ લસંત છાયાની સરણી સ્વપ્નની બની.

તારી દૃષ્ટિતણી ભ્રાંતિ નભો નીલમિયાં રચે,

તારી દૃષ્ટિતણી ભ્રાંતિ વૃત્તખંડ આંકે મેઘધનુષ્યનો;

મર્ત્ય તારી લાલસાએ તારે માટે આત્મા એક રચેલ છે.

તારે દેહે ફિરસ્તો આ જેને તું પ્રેમ બોલતી,

તારા ભાવતણા રંગોથકી જેહ નિજ પાંખો બનાવતો,

ખમીરે દેહના તારા તેનો જન્મ થયેલ છે,

ને એનું ઘર છે એવા દેહ સાથે એનું મૃત્યુ અવશ્ય છે.

છે ભાવાવેશ એ તારા જીવકોષોતણો ઝંખનથી ભર્યા,

છે હાડમાંસ એ સાદ કરતું હાડમાંસને

લાલસા નિજ પૂરવા;

૧૯


 

એ તારું મન છે શોધે છે જે એક મન ઉત્તર આપતું

ને કલ્પી ક્ષણ લે છે કે એને સાથી પોતાનો પ્રાપ્ત છે થયો;

એ તારી જિંદગી છે જે માર્ગ આલંબ માનુષી

ટકાવી રાખવા માટે જગ મધ્યે અટૂલા અબલત્વને

કે એ અન્યતણે પ્રાણે ભક્ષ દે નિજ ભૂખને.

શિકાર શોધતું છે એ કો જનાવર જંગલી

થંભી જાતું લપાઈ જે

ફૂલે ભવ્ય પ્રફુલ્લેલી ઝાડીમાં પેંતરો રચી

ઝડપી ભક્ષ્યને માટે લેવા હૃદય-દેહને :

આ જનાવરને કલ્પી લે છે અમર, દેવ તું.

માનવી મન ! તું વ્યર્થ યાતના દે ઘડી કેરા પ્રમોદને

અનંતતાતણી દીર્ધ રિક્તતામાં થઈ વિતતિ પામવા

અને દેવો ભરી એના રૂપહીન ભાવરહિત ખાધરા,

અચેત ગર્તને રાજી કરી નાશવંત છે જેહ વસ્તુઓ

તેમને શાશ્વતી કેરો સ્થાયી ભાવ સમર્પવા

તારા હૈયાતણી ભાંગી જનારી હિલચાલને

ઠગે છે તું બહાનાએ તારા આત્માકેરી અમરતાતણા.

બધું હ્યાં બ્હાર આવે છે પ્રકટી શૂન્યતાથકી;

ઘેરાયેલું ટકે છે એ રિક્તતાને કારણે અવકાશની,

ઉદ્ ધૃત ક્ષણ માટે એ એક અજ્ઞાન શકિતથી,

પછી ધબી જતું પાછું જન્મ એને દેનારા શૂન્યની મહીં :

કેવળ મૂક એકાકી હોઈ હમેશનો શકે.

પ્રેમ માટે નથી સ્થાન એ એકમાત્રની  મહીં.

વિનાશી પ્રેમનો પંક વાઘાઓએ સજાવવા

ઉછીની અમરાત્માની શાળે છે તેં વૃથા વણ્યો

જામો આદર્શનો ભવ્ય ભભકાએ ભર્યો ઝાંખો થતો ન જે.

આદર્શ ના કદી સિદ્ધ છે કરાયો હજી સુધી.

રૂપે બંદી બનેલો ના જીવી એ મહિમા શકે;

પિંડ મધ્યે પુરાતાં એ શ્વસવાને નથી સમર્થ સર્વથા.

અસ્પર્શગમ્ય, આઘેનો, નિત્ય શુદ્ધસ્વરૂપ એ

રાજા પોતાતણી દીપ્તિધારીણી રિક્તતાતણો

અનિચ્છુ ઊતરે છે એ નીચે ભૂતલ-વાયુમાં

નિવાસ કરવા માટે માનવીના હૈયાના શુભ્ર મંદિરે :

એને હૈયે પ્રકાશે એ પ્રિરિત્યક્ત એના જીવનથી થઈ.

૨૦


 

અવિકારી, અશરીરી, સુન્દર, ભવ્ય, મૂક એ

ચેષ્ટારહિત રાજે છે નિજ સિંહાસને સુપ્રભ શોભતા;

હોમ ને પ્રાર્થના મૂગો એ સ્વીકારે મનુષ્યની.

ઉત્તર આપવા માટે માનવીને એની પાસે અવાજ ના,

ચાલવાને નથી પાય, ઉપહારો લેવા માટે નથી કરો :

હવાઈ પ્રતિમા છે એ નવસ્ત્રા ભાવનાતણી,

અશરીરી દેવની એ અક્ષતા પરિકલ્પના,

એનો પ્રકાશ પ્રેરે છે ચિંતાશીલ મનુષ્યને

સર્જવા ભૌમ સાદૃશ્ય વસ્તુઓનું વધુ દિવ્યસ્વરૂપિણી.

પ્રતિબિંબ પડે એનું રંગાયેલું કર્મો પર મનુષ્યનાં;

એનાં સ્મારક રૂપે છે સંસ્થાઓ માનવીતણી,

એને નામે મતું મારે છે મનુષ્ય

મરીને પરવારેલી પોતાની રૂઢીઓ પરે;

સદગુણો માનવી કેરા આકાશીય જામો આદર્શનો ધરે

ને એના મુખની રૂપરેખા કેરું પ્રભામંડલ ધારતા:

એમની ક્ષુદ્રતાને એ છુપાવે દિવ્ય નામથી.

છતાં એ ઊજળું બ્હારનું પૂરતું ના છુપાવવા

દૃષ્ટિ એમની પૃથ્વીલોક કેરી બનાવટ :

માત્ર છે પૃથિવી ત્યાં ને નથી પ્રભવ દિવ્ય કો.

હોય જો સ્વર્ગલોકો તો સ્વપ્રકાશે છે તેઓ આવરાયલા,

હોય શાશ્વત જો સત્ય તો અજ્ઞાત ક્યાંય છે રાજ્ય એહનું

અફાટ પ્રભુને શૂન્યે એ પ્રદીપ્ત રહેલ છે;

કાં કે સત્ય પ્રકાશે છે અસત્યોથી  દૂર દૂર જગત્ તણાં;

દુઃખી પૃથ્વી પરે સ્વર્ગો શી રીતે ઊતરી શકે

કે તણાતા જતા કાળે કરે વાસ કઈ રીતે સનાતન ?

આર્ત્ત પૃથ્વીતણી ભોમે કઈ રીતે આદર્શ પગ માંડશે,

છે જ્યાં શ્રમ અને આશા રૂપ કેવળ જિંદગી,

જડદ્રવ્યતણું બાળ પોષતું જડ દ્રવ્યથી,

ચૂલાના સળિયા નીચે બળતો મંદ અગ્નિ જ્યાં,

જ્યાં મૃત્યુલક્ષ્યની પ્રત્યે થક્વંતું ઘસડાતે પગે જવું ?

અવતારો વૃથા જીવ્યા ને મરી ગયા વૃથા,

ચિન્તના મુનિની વ્યર્થ ગઈ, વ્યર્થ ગઈ વાણી નબીતણી;

વ્યર્થ દેખાય છે ઊર્ધ્વગામી પંથ પ્રકાશતો.

ભ્રમંત સૂર્યની નીચે બદલાયા વિનાની છે ધરા પડી;

૨૧


 

એને પતન છે વ્હાલું પોતાનું ને કોઈ સર્વસમર્થતા

મર્ત્ય અપૂર્ણતાઓ ના એવી લુપ્ત કરી શકે,

સીધી લીટી સ્વર્ગ કેરી બળાત્કારે

લાવી નવ શકે વક્ર અજ્ઞાને માનવીતણા,

કે મૃત્યુલોકને દેવલોક કેરો અધિવાસ કરી શકે.

યાત્રીણી ઓ ! આરૂઢા સૂર્યને રથે.

મહાપૂજારીણી ! કલ્પના પવિત્ર મંદિરે,

જે ધારા-ધાબામાં ધર્મવિધિથી એક જાદુઈ

અર્ચે આદર્શ ને શાશ્વત પ્રેમને,

શું છે આ પ્રેમ તે જેને દેવરૂપ તારો વિચાર આપતો,

આ પુરાણકથા પુણ્ય ને આખ્યાન અમર્ત્ય આ ?

એ તારી માંસમાટીની છે સચેતન ઝંખના,

ને તારી નસનાડીનું છે યશસ્વી પ્રદીપન,

સ્વપ્નપ્રભાવી છે એ ગુલાબ

પાંખડીઓ ધરતું તુજ માનસે,

તારા હૈયાતણો છે એ મહાહર્ષ રક્ત રુચિર રાજતો,

 ને હૈયાની છે એ તારી રિબામણી.

એ રૂપાન્તર ઓચિંતું છે તારા દિવસોતણું,

પસાર થઈ જાતું એ અને જેવું હતું રહે જગત્ .

ધારે છે એ મનોહારી માધુરીની ને સાથે વેદનાતણી,

એના ઝંખનનો રોમહર્ષ એને દિવ્યરૂપ બનાવતો,

વર્ષોનાં ગર્જનો માથે નંખાયેલો છે એ સેતુ સુવર્ણનો,

તને શાશ્વતતા સાથે બાંધી દેનાર દોર એ.

ને છતાં અલ્પકાલીન અને ભંગુર કેટલો !

દેવોએ માનવી માટે વેડફેલો

કેટલો શીઘ્ર ખર્ચાઈ જતો ભંડાર આ અહો !

આત્માનું આત્મ સાથેનું આ સામીપ્ય સુખે ભર્યું,

દેહના સહચારિત્વમાંથી આ મળતું મધુ,

આ હર્ષ અતિ-ઉત્કૃષ્ટ, આ શિરાગત સંમુદા,

આ ઉદભાસમ આશ્ચર્યકારી ઇન્દ્રિયવર્ગનું

વેડફાઈ કેટલું શીઘ્ર જાય છે !

પ્રેમ મરી ગયો હોત, સત્યવાન જો રહ્યો હોત જીવતો;

સત્યવાન મરી કિન્તુ ગયેલ છે

ને શોકગ્રસ્ત હૈયામાં તારા થોડીવાર પ્રેમેય જીવશે,

૨૨


 

સ્મૃતિની ભીંતથી એનું મુખ ને દેહ જ્યાં સુધી

નહીં ભૂંસાય ત્યાં સુધી,

જે ભીંતે આવશે અન્ય દેહો ને આવશે મુખો.

ઓચિંતો પ્રેમ ઊઠે છે ફાટી જે વાર જીવને

ને વારે સૂર્યને લોકે પ્હેલવ્હેલો મૂકે છે પાય માનવી;

પોતાના તીવ્ર ભાવે એ સંવેદે છે પોતાના દિવ્ય તતત્વને:

પરંતુ પૃથ્વી કેરો એકમાત્ર ટુકડો રળિયામણો

તડકાએ છવાયલો 

સ્વર્ગના પ્રસ્ફુોટ કેરું રૂપ અદભુત ધારતો.

સર્પ ત્યાં હોય છે, કીડો હોય છે ત્યાં હૈયામાંહ્ય ગુલાબના.

હણી દેવને નાખે એ શબ્દ એક, કૃત્ય એક ક્ષણેકનું;

છે સન્દેહે ભરી એની અમર્ત્યતા,

હજાર માર્ગ છે એને પીડાવાના ને મૃત્યુ પામવાતણા;

એકલા દિવ્ય આહારે પ્રેમ જીવી શકે નહીં,

પૃથ્વીના રસથી માત્ર જીવતો એ રહી શકે.

કેમ કે ગાઢ તારો જે હતો ભાવ

તે કામુક હતો માંગ સંસ્કારી ઓપથી સજી;

હતો એ દેહની ભૂખ, હૈયાની ભૂખ એ હતો;

તારી જરૂર થાકે ને અટકે કે વળે અન્ય દિશા ભણી

કે ભેટો પ્રેમને થાય કટુ દ્રોહે ઘોર નિર્ઘ્રુણ અંતનો,

કે કેરી અળગાં નાખે રોષ કઠોર ઘા કરી,

કે ના સંતોષ પામેલી ઈચ્છા તારી વળે અન્ય જનો પ્રતિ,

જયારે પ્રથમ પ્રેમનો

આનંદ ઢળતો નગ્ન બનેલો ને હણાયલો :

લેતી ધગશનું સ્થાન મંદ એક વિરક્તતા

કે વ્હાલી લાગતી એક ટેવ પ્રેમ કેરી વિડંબના કરે :

બાહ્ય એક ટકી રે'તી એકતા અસુખે ભરી,

કે જીવનતણો મધ્યમાર્ગ રૂઢ બની જતો.

દિવ્ય સાહસના દ્વારા સ્વર્ગની શકિતઓતણા

અધાત્મ ભૂમિકા કેરા એક આભાસની મહીં,

એકવાર નખાયું 'તું બીજ જ્યાં એકતાતણું

ત્યાં સંઘર્ષે મચે છે બે સદા કેરા સાથીઓ હર્ષના વિના,

બે અહંકાર બાંધેલા પટે એક તાણાતાણી કર્યે જતા,

મન બે ભેદ પામેલાં વિચારોએ પોતાના ઝગડયે જતા,

૨૩


 

હમેશાં અળગા એવા જીવો બે ભિન્ન ભાવના.

આમ આદર્શ જાયે છે બની જૂઠો જગતે માનવીતણા;

નગણ્ય અથવા ઘોર લઈ રૂપ ભ્રમનો ભંગ આવતો,

કઠોર વસ્તુતા જિંદગીની મીટ માંડે છે આત્મની પરે :

અમુર્ત્ત કાળમાં ભાગે મોકૂફ સ્વર્ગની ઘડી.

આમાંથી તુજને મૃત્યુ બચાવે છે, બચાવે સત્યવાનને:

જાતમાંથી થઈ છટો છે સલામત એ હવે;

જાય છે એ કરી યાત્રા મૌનમાં ને મહાસુખે.

પાછો બોલાવ ના એને દ્રોહોમાં દુનિયાતણા,

દીનહીન અને ક્ષુદ્ર જિંદગીની પ્રત્યે પશુ-મનુષ્યની.

દે નિદ્રા સેવવા એને પ્રદેશોમાં મારા શાંત વિશાળવા

મૃત્યુ કેરા મહામૌન સાથે સંવાદમાં રહી,

જહીં શાંતિતણે હૈયે પોઢી રહેલ છે.

અને તું એકલી પાછી વળ તારા ક્ષણભંગુર લોકમાં :

જ્ઞાનથી તુજ હૈયાને શિક્ષા આપ, પડદો દૂર દે કરી,

સ્પષ્ટ જીવંત શૃંગોએ ઉદ્ધારાયો જો તું તારા સ્વભાવને,

શિખરોથી ન કલ્પેલાં કર દૃષ્ટિ સ્વર્ગ કેરા વિહંગની.

કેમ કે જવ સ્વપ્નાને નિજાત્મા તું સમર્પશે,

અવશ્યંભાવિતા તીવ્ર તને તુર્ત સપ્રહાર જગાડશે;

આરંભ શુદ્ધમાં શુદ્ધ છે આનંદતણો થયો

અને અંત પણ એનો અવશ્ય છે.

જાણશે તુંય કે નાખ્યા વિના એકેય લંગર

હૈયું તારું લઈ ગોદે  આત્મા તારો નિત્યના સાગરોમહીં

રાખે નિબદ્ધ એહને.

યુગચક્રો વૃથા તારા મનનાં દીપ્તવૈભવી.

ભૂલી જા હર્ષ, ભૂલી જા આશા, જા ભૂલી અશ્રુઓ,

ને સુખી શૂન્ય કેરા ને નિઃશબ્દા સ્થિર શાંતિના

મહાગહન હૈયામાં સમર્પી દે

તારા ભાવાવેશે પૂર્ણ સ્વભાવને,

સોંપાયેલો મારી નિગૂઢ શાંતિને.

ભૂલી જા સૌ બની એક અગાધ મુજ શૂન્ય શું.

તારા નિષ્ફળ આત્માની શકિત કેરો ભૂલી જા તું વૃથા વ્યય,

ભૂલી જા ચકરાવો તું પરિશ્રાંત સ્વજન્મનો,

હર્ષ, મથન ને પીડા ભૂલી જા તું,

૨૪


 

ભૂલી જા તું ખોજ અધ્યાત્મની સંદેહથી ભરી,

જે ખોજનો થયો પ્હેલો પ્રારંભ ભુવનો યદા

ઊઠયાં પ્રસ્ફોટ પામીને ગુચ્છો શાં અગ્નિ-પુષ્પનાં,

ને પ્રજવલંત ને પ્રૌઢ વિચારોએ મનના વ્યોમમાં થઈ

યાત્રાનો ક્રમ આદર્યો,

અને કાળ અને એના કલ્પો પ્રસર્પતા થયા

બૃહતોના પટો પરે,

અને જીવો લઈ જન્મ પ્રકટયા મર્ત્યતામહીં."

 

ઉત્તર કિન્તુ સાવિત્રી દેતી તામસ શકિતને :

" હે મૃત્યુ ! છે મળ્યું હાવે તને સંગીત કારમું

દુઃખ સુસ્વરતાવાળા વાણી તારી પિગાળતું,

આશાઓ પાસ થાકેલી બજાવીને તારી મોહક બંસરી

સંભળાવી રહ્યો છે તું જૂઠાણાંઓ

ભેળવીને સત્ય કેરા વિષાદી રાગ તે મહીં.

મના પરંતુ છે મારી

તારા અવાજને મારા આત્માને હણવાતણી.

મારો પ્રેમ નથી હૃદયની ક્ષુધા,

મારો પ્રેમ નથી માંસમાટીનો એક લાલસા;

આવેલો પ્રભુમાંથી એ મારી પાસે પ્રભુ પાસે જશે ફરી.

જીવને ને મનુષ્યે જે કર્યું વિકૃત છે બધું

તેમાંયે સંભળાયે છે હજી કણે જપ સ્વર્ગીયતાતણો,

શાશ્વત ભુવનોમાંથી આવનારો પ્રાણોચ્છવાસ લહાય છે.

સ્વર્ગ-સંમત, માનુષ્ય માટે આશ્ચર્યથી ભર્યો

મધુરો એક આગ્નેય લય ભાવપ્રકર્ષનો

સ્તવનો પ્રેમનાં કરે.

છે આશા એક ઉદ્દામ ને અનંત એના પોકારની મહીં,

વિસ્મૃત શિખરોએથી આવનારાં આહવાનોથી ધ્વનંત એ,

ને જયારે એહના રાગો શમી જાય

ઊર્ધ્વ-પાંખે ઊડનારા જીવો માટે એમના સ્વર્ગધામમાં

ત્યારેયે જલતો એનો પ્રાણોચ્છવાસ રહે છે પાર જીવતો,

અદૃશ્ય અંબરો મધ્યે પ્રજવલંતા સદાયે શુદ્ધ રૂપમાં

સૂર્યો કેરા પ્રહર્ષોએ પૂર્ણ અંતરની મહીં

સ્વરરૂપે શાશ્વતી સંમુદાતણા.

૨૫


 

દિન એક નિહાળીશ મારા મોટા અને મધુર વિશ્વને

દેવોના છળવેશોના ઘોર વાઘા ઉતારતું,

ત્રાસનો બુરખો કાઢી નાખતું ને

પાપકેરો જામો દૂર ફગાવતું.

પ્રશન્ન આપણે જાશું મુખ પાસે આપણી અંબિકાતણા,

આપણા સરલાત્માઓ એને અંકે સમર્પશું;

લીધી છે પૂઠ જેની તે સંમુદાને લઈને બાહુમાં તદા,

દીર્ધ સમાથકી જેને શોધ્યો છે તે દેવે ત્યારે પ્રકંપશું,

અનપેક્ષિત તે વારે પામશું સૂર સ્વર્ગનો.

માત્ર વિશુદ્ધ દેવોને માટે આશા ન એકલી;

એક હૈયાથકી રોષભેર જેઓ નીચે કૂદી પડયા હતા,

ચૂકયા 'તા શુભ્ર દેવો જે તેની સંપ્રાપ્તિ સાધવા

તે ઉગ્ર તિમિરે ગ્રસ્ત દેવતાઓ સુધ્ધાંયે છે સુરક્ષિત;

એક માતાતણી આંખો ઠરી છે તેમની પરે

ને જે પ્રેમે પ્રસારેલા હસ્ત છે તે

સ્વ-વિદ્રોહી સુતોનીય સ્પૃહા કરે.

એક આવ્યો હતો નિત્ય પ્રેમ, પ્રેમી અને પ્રિયતમા બની,

એણે રચી હતી પોતા માટે ક્રીડાભૂમિ આશ્ચર્યકારિણી

અને ગૂંથ્યા હતા તાલો એક અદભુત નૃત્યના.

તહીં નૃત્યતણાં ચક્રો ને જાદૂઈ વલણોમાંહ્ય આવતો

એ આકર્ષણને યોગે, પ્રતિવારિત ભાગતો.

એના મનતણાં વક્ર સ્વચ્છંદી પ્રેરણોમહીં

અશ્રુનું મધુ આસ્વાદે, પરિતપ્ત હર્ષને હડસેલતો,

એ હસે છે અને રોષે ભરાય છે,

અને સંગીત તૂટેલું બન્નેયે આત્મનું બને,

ને સમાધાન સાધી એ શોધી કાઢે સ્વર્ગીય લય છંદનો.

વર્ષોનો પટ વીંધીને હમેશાં એ આવે છે પાસ આપણી,

પુરાણું જ છતાં મીઠું નવીન મુખડું ધરી.

અર્પે આપણને હાસ્ય મુદા એની, કે છુપાઈ નિમંત્રતી,

જ્યોત્સ્નાને ઝીલતી ડાળોવાળાં સ્પંદમાન કાનનમાંહ્યથી

સુણાતા દૂરના સૂર મનોહારી અદૃશ્ય બંસરીતણા

લલચાવી જતા જેઓ આપણી રોષ દાખતી

ખોજને ને ભાવે ઉત્કટ દુઃખને.

પ્રેમી છદ્મ ધરી શોધે ને આકર્ષે આત્માઓ ચૈત્ય આપણા.

૨૬


 

મારે માટે ધર્યું એણે નામ ને એ સત્યવાન બની ગયો

કેમ કે નર ને નારી છીએ આરંભથી અમે,.

જન્મેલા યુગલાત્માઓ એક અમર અગ્નિથી.

ને બીજા તારકોમાંયે પ્રકટયો શું મારે હતો ન એ ?

ઝાડીઓમાં જગત્ કેરી કેવો એ મુજ પૂઠળે

પડતો સિંહની પેઠે રાત્રિવેળા ને કેવો અણચિંતવ્યો

માર્ગો મધ્યે મળી જાતો ને સુભવ્ય સોનેરી નિજ કૂદકે

લેતો 'તો પકડી મને !

અતૃપ્ત મુજ કાજે એ ઝંખતો 'તો કાળના ક્રમમાં થઈ,

કો કો વાર થઈ રુષ્ટ, કો કો વાર શાંતિ મીઠલડી ધરી,

સ્પૃહા મારી રાખતો એ થયો વિશ્વારંભ પ્રથમ ત્યારથી.

મહાપૂરોમહીંથી એ મત્ત મોજા સમો ઉપર આવતો,

અને સુખસમુદ્રોમાં જતો તાણી મને એ નિઃસહાયને.

આવી પહોંચતા એના બાહુ મારા પડદાની પૂઠના ભૂતકાળથી;

સ્પર્શ્યા છે એ મને સ્નિગ્ધ અનુનીત કરનારા સમીર શા,

એમણે છે મને ચૂંટી લીધી કંપમાન પ્રસન્ન પુષ્પ શી,

અને નિર્દેય જવાળામાં બાળેલીને લીધી છે સુખ-બાથમાં.

મનેયે એ મળેલો છે રમ્ય રૂપોમહીં મુગ્ધ સ્વરૂપમાં,

ને એના દૂરના સાદ પ્રત્યે ધાઈ ગઈ છું મુદિતાત્મ હું,

ને ઘણાયે ઘોર આડા

આગળાઓ વટાવીને એની પાસે કરી જોર ગયેલ છું.

વધુ સૌભાગ્યશાળી ને વધુ મોટો હોય જો કોઈ દેવતા

તો ધારણ કરે પ્હેલાં મુખ એ સત્યવાનનું,

ને જેની પર છે મારો પ્રેમ તેના

આત્મા સાથે એ એકાત્મકતા ધરે;

એ જો આમ મને માગે

તો જ એને માટે હું કામના કરું.

કેમ કે એક હૈયું જ ધબકે છે મારા હૃદયની મહીં

અને સિંહાસનારૂઢ  છે તહીં એક દેવતા.

યમ !  અગ્રે સર, છાયાભાસી આ વિશ્વ પાર જા,

કેમ કે છું નહીં એક નાગરી હું એના નાગરિકોમહીં.

આરાધું છું અગ્નિરૂપ પ્રભુને હું, પ્રભુને સ્વપ્નરૂપ ના."

એક વાર ફરી કિંતુ યમે ઝીક્યો એના હૃદયની પરે

મહાપ્રભાવ પોતાની શાંતિનો ને ભયંકર અવાજનો:

૨૭


 

" વિચારો તુજ છે એક ઊજળો મતિવિભ્રમ.

અધ્યાત્મ દોરથી ખીંચી જવાતી એક બંદિની,

ઇન્દ્રિયગ્રાહ્ય સંકલ્પ કેરી સ્વીય દાસી ઉત્સાહ દાખતી,

તારા હૃદયની રાતી દીપ્તિની પાંખ ધારતા

શબ્દો તું સૂર્યની ભેટે મોકલે છે ગરુડોપમ ઊડતા,

પરંતુ જ્ઞાનનો વાસ ભાવાવેશી ઉરે નથી;

શબ્દો હૃદયના પાછા પડે અણસુણાયલા

પ્રજ્ઞા કેરી રાજગાદી સમીપથી.

વૃથા છે વાંછના તારી રચવાની સ્વર્ગ ભૂલોકની પરે.

શિલ્પી છે મન આદર્શ કેરું ને ભાવનાતણું,

જિંદગીના ગર્ભમાંથી જન્મેલું એ શિશુ છે જડતત્ત્વનું,

માબાપને મનાવી એ

ઊર્ધ્વની ભૂમિકાઓની પ્રત્યે વાળી દે છે ચરણ એમના,

અદક્ષ અનુવર્તે એ બૂરી રીતે માર્ગદર્શક સાહસી

પરંતુ મન વ્યોમે જે કરે ભવ્ય મુસાફરી

તે પૃથ્વી પર ચાલે છે લંગડાતે પગલે મંદતાધરી;

મુશ્કેલીથી ઘડે છે એ બંડખોર સામગ્રી જિંદગીતણી,

મુશ્કેલીથી નિગ્રહે છે ઇન્દ્રિયોના ઘોડા છલંગ મારતા :

એના વિચાર સ્વર્ગોમાં સાક્ષાત્ સીધું વિલોકતા;

દૈવી ખાણમહીંથી એ સુવર્ણ નિજ મેળવે,

કર્મો એનાં કાર્ય કાચી સામાન્ય ધાતુનું.

તારાં સૌ ઉચ્ચ સ્વપ્નાંઓ જડદ્રવ્ય કેરે મને રચેલ છે

દ્રવ્યના કેદખાનામાં મંદ એને કાર્યે આશ્વાસ આપવા,

જે જડદ્રવ્ય છે એકમાત્ર આવાસ એહનો,

જ્યાં એ એકમાત્ર સાચું જણાય છે.

સત્યતાની એક નક્કર મૂર્ત્તિએ

કાળનાં કાર્યને ટેકો આપવાને છે કંડારેલ સત્ત્વને;

દૃઢ પૃથ્વી પરે દ્રવ્ય બેઠું છે બળવાન ને

ખાતરીબંધ રૂપમાં.

સૃષ્ટ સૌ વસ્તુઓમાં છે પહેલું જનમેલ એ,

હણાય મન ને પ્રાણ ત્યારે અંતે એક એ સ્થિત હોય છે,

ને એનો અંત આવે તો સહુનો અંત આવતો.

બીજું બધું છે એનું પરિણામ અથવા એક છે દશા :

તારો ચૈત્યાત્મ છે એક ફલ અલ્પ સમાતણું

૨૮


 

જડ દ્રવ્યતણા તારા ક્ષેત્રે એક જમીનના

મનરૂપી માળીએ સરજાયલું;

જે છોડ પર એ થાય, તેની સાથે એનોયે અંત આવતો,

કેમ કે પૃથિવી કેરા રસમાંથી

એ પોતાનો રંગ સ્વર્ગીય મેળવે :

દ્રવ્ય-ધારે થઈ જાતી ધુતિઓ જે, તે છે વિચાર તાહરા,

દ્રવ્ય-સાગરમાં જાતું શમી મોજું જે, તે છે તુજ જિંદગી. 

સત્યની મિત સંપત્તિ સાવધાન સમાલતું,

વેડફી મારતી શકિતથકી રક્ષી

સત્યની સંઘરી રાખે સ્થપાયેલી હકીકતો,

ઇન્દ્રિય-તંબુને થંભે મનને બદ્ધ રાખતું,

જિંદગીના તરંગોને સીસા-ભારે ઘૂસરા નિત્યના ક્રમે

કરી દે બદ્ધ કીલકે,

અને નિયમને દોરે બાંધી દે ભૂતમાત્રને.

એ રસાયનનું પાત્ર રૂપ પલટ આણતું.

મન ને પ્રાણને જોડી દેનારો છે સરેશ એ,

જડદ્રવ્ય થતાં સ્ત્રસ્ત દીર્ણશીર્ણ સઘળું જાય છે ધબી.

શિલાખડકને માથે જેમ, તેમ છે સર્વ દ્રવ્ય પે ખડું.

છતાં જમીન ને બાંયધર આ ચાંપતી થતાં

માંગ પ્રત્યયપત્રોની ધોખાબાજ છે એવું સિદ્ધ થાય છે :

એક આભાસ ને એક પ્રતીક, એક શૂન્ય એ,

એનાં રૂપોને ન મૂળ હક કો જન્મવાતણો: 

નિશ્ચલ સ્થિરતા કેરું છે એનું જે સ્વરૂપ, તે

છે આવરણ બંદી કો ગતિની ઘૂમરીતણું,

ઓજઃશકિતતણા નૃત્યે પગલાનો અનુક્રમ,

હમેશાં જે મહીં પાય એની એ જ નિશાની જાય મૂકતા,

નક્કર મુખનો ઘાટ અવાસ્તવિક કાળનો,

ટપકાટપકી આંકી દેતી ટીપે રિક્તતા અવકાશની:

ફેરફાર ન જ્યાં એવી ગતિ એક સ્થાયિતાયુક્ત લાગતી,

છતાંયે આવતો ફેરફાર, મૃત્યુ આખરી ફેરફાર છે.

સર્વથી  વધુ જે સત્ય એકદા લાગતું હતું,

તે છે ભાસ અભાવાત્મક શૂન્યનો.

છે એનાં રૂપ ફાંસાઓ, ફસાવી જે બંદી ઇન્દ્રિયને કરે;

અનાદી શૂન્યતા એના શિલ્પની રચનાર છે :

૨૯


 

આલેખેલાં યદ્દચ્છાએ સ્વરૂપોના વિના બીજું કશું ન ત્યાં,

દેખીતી શકિતના દેખીતા આકારો વિનાયે ત્યાં નથી કશું.

દયાથી મૃત્યુની સર્વે જરાવાર સ્વશે ને જીવતા રહે,

અચિત્ કેરી કૃપાથી સૌ વિચારે ને ચેષ્ટને રે' પ્રવર્તતા.

વ્યસની સ્વ-વિચારોના ગુલાબી રંગરાગની,

નિજ અંતરમાં તારી દૃષ્ટિને વાળતી નહીં

જોવાનો દર્શનો તારા મનોરૂપ સ્ફટિકે સ્ફુરણો ભર્યાં,

દેવોનાં રૂપનાં સ્વપ્નાં સેવવા ના બીડતી તુજ પોપચાં.

આંખો ઉઘાડવાનું તું કબૂલ કર આખરે,

ને તું ને જગ જેમાંથી બન્યાં છો તે પદાર્થ જો.

નિઃસ્પંદ ને અચિત્ શૂન્યે અનાખ્યેય પ્રકારથી

પામ્યું પ્રકટતા એક અચિત્ એવું હાલતુંચાલતું જગત્  :

સુરક્ષિત મુહૂર્તેક , સુખી સંવેદના વિના,

પોતાના સત્યથી પામી એ સંતોષ રહ્યું નહીં.

કેમ કે કૈંક જન્મ્યું ત્યાં એના અજ્ઞાન અંતરે

જોવાની, જાણવાની ને ભાવ લ્હેવાતણી ને ચાહવાતણી

શિક્ષા જેને થઈ હતી,

હતું નિરીક્ષતું કર્મ પોતાનાં એ,

ચૈત્ય એક ભીતરે કલ્પતું હતું;

ફંફોળા સત્યને માટે માર્યા એણે ને સ્વપ્ન-કલ્પના કરી

આત્માની અથ ઈશની.

સર્વ સારું હતું જયારે હતું ચેતનહીન સૌ.

હતો હું, મૃત્યુ, રાજા ને રાજસત્તા મારી રાખી રહ્યો હતો,

સંકલ્પ વણની, ચૂક વણની મુજ યોજના

હું ઘડી કાઢતો હતો,

શાંત સંવેદનાહીન હૈયે સરજતો હતો.

મારું અસત્ તણું સર્વોપરી ઓજ પ્રયોજતી,

શૂન્યને રૂપ લેવાની બેળે ફરજ પાડતી,

અંધ ને અવિચારંત શકિત મારી ભૂલચૂક કર્યા વિના

યદ્દચ્છાથી  રચી એક નિશ્ચલત્વ દૈવનિર્માણના સમું,

અવશ્યંભાવિતા કેરાં વિધિસૂત્રો તરંગી રીતથી રચી,

શૂન્યાકારતણા પોલા પ્રદેશ પર સ્થાપતી

ખાતરીબંધ વૈચિત્ર્ય નિસર્ગાયોજનાતણું.

અવકાશ બનાવ્યો મેં નિગ્રહીને ખાલી આકાશતત્વને;

૩૦


 

વિસ્તાર પામતા જાતા ને સંકોચન પામતા

સુમહાન માતરિશ્વાતણી મહીં

અગ્નિઓ વિશ્વના આશ્રય પામિયા :

કરી આઘાત સર્વોચ્ચ આદિ સ્ફુલિંગની પરે,

આછાં આછાં પ્રસાર્યાં મેં

એનાં શ્રેણીબદ્ધ સૈન્યો શૂન્યાકારતણી મહીં,

નિગૂઢ દીપ્તિઓમાંથી કર્યા તૈયાર તારકો,

અદૃશ્ય નૃત્યની વ્યૂહબદ્ધ પલટણો કરી,

અણુ ને વાયુમાંથી મેં રચ્યું સૌન્દર્ય ભૂમિનું,

રાસાયણિક જીવંત દ્રવ્યમાંથી રચ્યો જીવંત માનવી.

પછી વિચાર પેઠો ને એણે નાખ્યો બગડી મેળ વિશ્વનો :

આશા, વિચાર, ને ભાવ રાખવાનું જડતત્ત્વે શરૂ કર્યું,

સેન્દ્રિય દ્રવ્ય ને નાડી લાગ્યાં હર્ષ ને વ્યથા ઘોર ધારવા.

સ્વ-કાર્ય શીખવા માટે અચિત્ વિશ્વ મચ્યું શ્રમે;

જન્મ્યો મનમાં વૈયકિતક અજ્ઞાન દેવતા

અને સમજવા માટે શોધ્યો એણે કાયદો તર્ક-બુદ્ધિનો,

વિરાટ વ્યકિતતાહીન, માનવીની કામનાના જવાબમાં

પ્રસ્પંદિત થઈ ગયું,

ડામાડોળ કરી નાખ્યું કલેશે એક હૈયું વિશાળ વિશ્વનું,

અંધ અસ્પંદ જે હતું,

અને પ્રકૃતિએ ખોઈ સુવિશાળ મૃત્યુમુક્ત સ્વ-શાંતિને.

વિરૂપ ને કળાયે ના એવું આવ્યું દૃશ્ય આ આ પ્રકારથી,

જેમાં જોવો ફસાયેલા

મળે જોવા જિંદગીના સુખ ને દુઃખની મહીં,

જડદ્રવ્યતણી નિદ્રા અને માનસ મર્ત્યતા,

જુએ છે વાટ જ્યાં સત્ત્વો મૃત્યુ કેરી કારાગારે નિસર્ગના,

ને ચૈતન્ય તજાયું છે જહીં ઢૂંઢી રહેલી અજ્ઞતામહીં.

આ છે જગત, તું જેમાં માર્ગ-ભૂલી કરે ગતિ

ગૂંચવાયેલ માર્ગોમાં મનના માનવીતણા,

માનુષી જિંદગી કેરાં તારાં અંત વિનાનાં ચક્કરોમહીં

ઢૂંઢતી નિજ આત્માને અને માની લેતી કે પભુ છે અહીં.

પરંતુ બૃહદાકાર જડસા યંત્રની મહીં

ચૈત્યાત્માર્થે જગા છે ક્યાં, છે સ્થાન પ્રભુ કાજ ક્યાં ?

ભંગુર પ્રાણને ચૈત્ય-આત્મા તું નિજ માનતી,

૩૧


 

ગેસ, જીવદ્રવ્ય, શુક્રાણુ ને જાતીયકોષથી

જેનો જનમ છે થયો,

મનુષ્ય-મનની મોટું રૂપ પામેલ મૂર્ત્તિને

પ્રભુરૂપે પ્રમાણતી,

છે નંખાયેલ જે તારી છાયા વ્યોમાવકાશમાં.

ઊર્ધ્વ ને નીમ્નના શૂન્ય મધ્યે તારી અવસ્થિતા

ચેતના પ્રતિબિંબાવે આસપાસતણું જગત્

વિરૂપિત કરી દેતા અવિદ્યારૂપ દર્પણે,

અથવા તો વળે ઊંચે ક્ષલવાને તારકો કલ્પનાતણા.

યા પૃથ્વી સાથ જો અર્ધ-સત્ય કો હોય ખેલતું

ભોંયે છાયામયી કાળી પોતાની નાખતું પ્રભા,

તો માત્ર સ્પર્શતું તે ને જતું મૂકી ધાબું ઉજ્જવળ લાગતું.

નિજાત્માર્થે કરી દાવો માગે તું અમૃતત્વને,

અપૂર્ણ માનવી માટે અમૃતત્વ પરંતુ એ,

પ્રયેક પગલે ઈજા દેવ જેહ પ્હોંચાડે નિજ જાતને

તેને માટે બની જાશે યુગચક્ર અંતવિહીન દુઃખનું.

તારા હક્ક તરીકે તું પ્રજ્ઞા ને પ્રેમ માગતી;

પરંતુ જ્ઞાન આ લોકે કૃતિ છે ભ્રમણાતણી,

જે છે કાંતિમતી એક કૂટણી અજ્ઞતાતણી,

અને છે માનુષી પ્રેમ પૃથ્વીના રંગમંચ પે

કલા અંગભંગની બતલાતો,

ને કરે એ સહોત્સાહ પરીઓના નૃત્ય કેરી વિડંબના.

નિચોડ બ્હાર કાઢેલો કઠોર અનુભૂતિથી, 

પીપોમાં સ્મૃતિની જ્ઞાન સંઘરાયું મનુષ્યનું,

મર્ત્ય પીણાતણો રૂખો કટુ છે સ્વાદ એહનો :

કામુક ગ્રંથિઓમાંથી ઝરતો રસ મીઠડો,

લડાવંતો  રિબાવંતો  નસોને જલને ભરી,

મધ ને વિષ છે પ્રેમ રહેલો હૃદયાંતરે,

ને એનું એ કરે પાન માની એને સ્વર્ગલોકતણી સુધા.

પૃથ્વીની માનવી પ્રજ્ઞા ગર્વ લેવા જેવી મોટી જ શકિત કો,

ને નથી પ્રેમ આવેલો પ્રકાશંતો ફિરસ્તો ગગનોથકી.

તેઓ રાખે અભીપ્સા જો મંદ એવા ઘરાના વાયુ પારની,

ભંગુર મીણની પાંખે લઈને સૂર્યની દિશા,

અસ્વાભાવિક ને બેળે થતું ઊડણ એમનું

૩૨


 

ઊંચે પ્હોંચી શકશે કેટલે સુધી ?

પણ પૃથ્વી પરે રાજ્ય શક્ય ના દિવ્ય જ્ઞાનનું,

ને દિવ્ય પ્રેમ ના શક્ય પામવો પૃથિવી પરે;

જન્મ્યાં છે સ્વર્ગમાં તેઓ ને સ્વર્ગે જ રહી શકે,

અથવા તો તહીંયે તેઓ સ્વપ્ન પ્રકાશતાં.

નહિ, તું જે બધું છે ને કરે છે તે બધુંયે સ્વપ્ન શું નથી ?

તારું મન અને તારો પ્રાણ હાથચલાકીઓ

શકિતની જડદ્રવ્યની.

જો તારું મન દેખાયે તને ભાસ્વંત સૂર્ય શું

ચલાવે પ્રાણ તારો જો સ્વપ્ન એક ક્ષિપ્ર ને દીપ્તિ દાખતું,

તો તારા મર્ત્ય હૈયાનો ભ્રમ છે તે, છે અંજાઈ ગયેલ એ.

કિરણે સુખના યા તો પ્રકાશના.

હકે પોતાતણા દિવ્ય જીવવાને અશક્ત એ,

ઝબકંતો અસત્-ભાવ છે પોતાનો તેની પામેલ ખાતરી,

આધારભૂત પોતાની કપાઈ ભૂમિકા જતાં

જડતત્ત્વતણાં જાયાં જડતત્ત્વે જતાં મરી.

જડતત્ત્વેય પામે છે લય અસ્પષ્ટ ઓજમાં

ને ઓજઃશકિત છે એક ગતિ પ્રાચીન શૂન્યની.

છે આદર્શતણા રંગો અવાસ્તવિક, તેમને

સિંદૂરી ધારણી-ધાબે લગાડાશે કઈ રીતે દૃઢત્વથી,

સ્વપ્નની મધ્યનું સ્વપ્ન પડવાનું સાચું દ્વિગુણ શી વિધે ?

ભ્રામક જ્યોતિ શી રીતે બનશે એક તારકા ?

આદર્શ રોગ છે તારા મન કેરો, ઊજળો સંનિપાત છે

તારાં વાણી-વિચારનો,

છે સૌન્દર્યતણું મધ ચમત્કારી

ઉઠાવીને તને જેહ અસત્-દૃષ્ટે લઈ જતું.

એ તારી કલ્પનાઓની બનેલી છે ઉમદા એક કલ્પના,

એનો અવશ્ય છે ભાગ માનવી તુજ ઊણપે :

એનાં પ્રકૃતિમાંનાં જે રૂપો છે તે નિરાશ ઉરને કરે,

સ્વર્ગીય રૂપ પોતાનું એને પ્રાપ્ત કદી પણ થશે નહીં,

ને કદીય કરી સિદ્ધ શકાશે એહ કાળમાં.

આત્મા ઓ ! દોરવાયેલા ખોટે માર્ગે વિભાથી સ્વ-વિચારની,

ઓ જીવ પૃથિવી કેરા, સ્વર્ગ કેરું સપનું નિજ સેવતા,

થા આધીન ધરા કેરા ધર્મને, જા અર્પાઈ, સ્થિર શાંત થા.

૩૩


 

સ્વીકાર જ્યોતિ જે તારા દિવસો ઉપરે પડે;

જિંદગીના અનુજ્ઞાત્ સુખમાંથી તું લેવાય તેટલું, 

ભાગ્યના ફટકાઓની કસોટીની પ્રત્યે અધીનતા ધરી

અવશ્ય જે પડે સ્હેવાં તે સહી લે

શ્રમ, શોક અને ચિંતા આવેલાં તુજ ભાગમાં.

ભાવાવેશે ભર્યું હૈયું તારું મૌન શમાવતી

આવશે દીર્ધ ને શાંતિ રાત્રિ મારી સદા સુષુપ્તિની :

ત્યાં તું આવેલ છે જ્યાંથી તે મહામૌનમાં નિવૃત્તિ પામજે."

૩૪


બીજો  સર્ગ  સમાપ્ત