સર્ગ  બીજો

 

ચૈત્ય પુરૂષની પ્રાપ્તિ માટેના

આત્માનુસંધાનનું  ઉદાહરણ

 

વસ્તુનિર્દેશ

 

        સત્યવાનના  આયુષ્યનું વરસ પૂરું થવાની અણી ઉપર આવી ઊભું છે. સાવિત્રીની આંખોમાંથી ઊંઘ ઊડી ગઈ છે. છેક સમીપ આવી પહોંચેલા સત્યાનાશની દિશામાં દૃષ્ટિ રાખીને એ બેઠી છે.

         એવે એની ચેતનસત્-તાના શિખર ઉપરથી એક અવાજ આવ્યો. કાળની ગતિનું એને જ્ઞાન હતું, શાશ્વત નિર્માણના અવિકારી દૃશ્યક્ષેત્રને એની દૃષ્ટિ જોતી હતી. એના સ્પર્શના અનુભવ સાથે સાવિત્રી એક સોનેરી પૂતળી જેવી સ્થિર બની ગઈ.સ્તબ્ધ બનેલું એનું હૃદય ને વિચારરહિત બનેલું એનું મન એ અવાજને સાંભળવા લાગ્યાં :

         " ઓ અમર શક્તિ ! શું તું કાળની વેદી આગળ બાંધેલું બલિદાનનું પશુ બનવાને આ મર્ત્ય લોકમાં આવી છે ?  નિઃસહાય હૃદયમાં શોકને પોષવા માટે શું તારું આગમન થયું છે ? કઠોર સૂકી આંખ સાથે તું ઊઠ, કાળનો ને મૃત્યુનો પરાજય કર."

           સાવિત્રીએ જવાબ આપ્યો :  " મારું બળ લઈ લેવામાં આવ્યું છે ને તે મૃત્યુને અપાયું છે. ઉદ્ધારક જ્યોતિનો ઉપહાસ કરતી અજ્ઞાનવશ માનવજાતિના ઉદ્ધારની આશા હું શા માટે સેવું ? અમારો પોકાર સાંભળી હાલી ઊઠે એવો શું કોઈ ઈશ્વર છે ? એણે તો નિષ્ઠુર નિર્માણના, અચેતનતાના અને મૃત્યુના હાથમાં અમને સૌને સોંપી દીધાં છે. મારે માટે તો હવે એક જ માર્ગ રહેલો છે, મારા પ્રેમીની પાછળ પળવું, ને એ જ્યાં જાય ત્યાં એનું અનુસરણ કરવું, અને સર્વ કાંઈ વિસારી એ જ્યાં હોય ત્યાં એના આશ્લેષમાં નિત્યનિલીન રહેવું. "

           અવાજે ઉત્તર આપ્યો : " શું આટલું જ તારે માટે પૂરતું છે ?  તું તો ઊર્ધ્વનો આદેશ લઈને આવેલી છે, ને તારું કામ અધૂરું રહી ગયું છે એવું તારા જાગેલા જીવને

૧૭


જયારે જણાશે ત્યારે તે શું કહેશે ?  દેવોનાં પગલાંઓનું અનુસરણ કરનાર તું જૂના-પુરાણા ધૂળિયા ધારાઓને બદલાયા વગરના એવા ને એવા જ રહેવા દેશે ?  કોઈ નવો શબ્દ, કોઈ નવો પ્રકાશ પૃથ્વી ઉપર નહિ ઉતારે ?  મનુષ્યનો આત્મા ઉદ્ધાર પામ્યા વિના શું એવો ને એવો જ પામર આ પૃથ્વીની અચેતનતામાં રહેશે ?  ભાગ્યનાં ભવ્ય દ્વાર ઉઘાડવા માટે તારું આવાગમન થયેલું છે, અનંતને ધામે લઈ જતા સોનેરી માર્ગે મનુષ્યને દોરી જવા માટે તારાં પગલાં પૃથ્વી પર મંડાયાં છે. તો શું મારે હવે શરમથી નીચું મોં રાખીને આ રિપોર્ટ આપવાનો છે કે સાવિત્રીના શરીરમાં જગાડેલી તારી શક્તિ નિષ્ફળ નીવડી છે ને તારું કામ પાર પાડયા વગર પાછી ફરે છે ? " 

           સાવિત્રી ચૂપ થઈ ગઈ. પછી મર્ત્ય અજ્ઞાનના મહાસાગરોને તરી જઈને એની અંદરની દૈવી શક્તિ બોલી :

            " હું તારો અંશ છું ને તારું કાર્ય સાધવા માટે અહીં આવેલી છું. આજ્ઞા આપ. હું તારો સંકલ્પ પાર પાડીશ. "

            અવાજ ઓચર્યો : " તું અ લોકમાં શાને માટે આવી છે તેનું સ્મરણ કર, તારી અંદરના તારા ચૈત્યપુરુષને શોધી કાઢ, મૌનાવસ્થામાં પ્રવેશી પ્રભુનો પરમોદ્દેશ તારાં ઊંડાણોમાં શોધ, મર્ત્ય સ્વભાવને દિવ્ય રૂપાંતર પમાડ, પ્રભુનાં બારણાં ઉઘાડ, એના સમાધિમંદિરમાં પ્રવેશ કર. વિચાર વેગળો મૂક, મસ્તિષ્ક નિઃસ્પંદ બનાવી પરમાત્માનું વિરાટ સત્ય જગાડ,જાણઅને જો. સનાતનને તું જગતમાં જોશે, ને જગતની પ્રત્યેક પ્રવૃત્તિમાં તને ભેટો થશે. હૃદયના ધબકારાઓ ઉપર જય મેળવ, તારા હૃદયને પ્રભુમાં ધબકારા લેતું બનાવી દે. આવું થશે ત્યારે તું મારા સામર્થ્થનું ધામ બની જશે અને મૃત્યુ ઉપર વિજય મેળવશે."

              પછી સાવિત્રી દુર્દેવવશ પોતાન પતિ પાસે બેઠી. કાળી રાત્રિ ગાજવીજ ને વરસાદના વાતાવરણથી ભરપૂર હતી. સાક્ષી સ્વરૂપે સ્થિત સાવિત્રી ત્યાં અંતરમાં પોતાના ચૈત્યપુરુષની ખોજમાં મગ્ન થઇ ગઈ.

               એક સ્વપ્નદર્શન દ્વારા વિશ્વનો ભૂતકાળ એને પ્રત્યક્ષ થયો. ગુહાનિહિત બીજ ને નિગૂઢ મૂળ, વિશ્વના નિર્માણનો છાયા-છાયો આરંભ એને દેખાયો. કેવી રીતે અરૂપ અને અનિશ્ચેય આત્મામાં સૃષ્ટિએ પાપા પગલી કરી, દેહનો આકાર ચૈત્યનું ધામ બન્યો, જડતત્વ વિચાર કરતું બન્યું, ને વ્યક્તિનો વિકાસ થયો, અચિત્-માંથી ઉત્ક્રાંતિ સધાતાં કેવી રીતે માનવનો આવિર્ભાવ થયો, અને એણે ભયપૂર્ણ અદભુત લીલા ધરતી ઉપર ક્ષણભંગુર દેહમાં જીવન ટકાવી રાખવાની આશા સેવી, પોતાના નાશવંત નિલયમાં દેવસ્વરૂપને દીઠું, નીલ ગગનોના અસીમ વિસ્તારો નિહાળ્યા, ને અમૃતત્વનાં સ્વપ્નાં નિષેવવા માંડયાં, એ સર્વ સાવિત્રીએ જોયું.

                અચિત્ જગતમાં સચિત્ ચૈત્યપુરુષ આપણા વિચારોની, આશાઓની અને સ્વપ્નાંની પૂઠે છુપાયેલો છે. માનવ મનને એ પોતાનો રાજપ્રતિનિધિ બનાવે છે ને પોતે કાળના કઠપૂતળા જેવો બની જાય છે. આ મન છે અત્યંત ચંચળ; ચુપકી

૧૮


જેવું એ કશું જાણતું નથી. ઘણા ઘણા અનુભવો કરતું એ સ્વપ્ન, જાગ્રત ને સુષુપ્તિની અવસ્થાઓ પસાર કરી ઉપરના તેમ જ છેક નીચેના પ્રદેશોમાં વિહરવા નીકળી પડે છે. સ્વર્ગ સાથે એનો સંબંધ બંધાય છે ને નરક સાથે પણ એનો નાતો હોય  છે. ક્ષુદ્રમાં એ ખદબદે છે ને વિરાટમાં એ વિચરે છે.

          આમ મનુષ્ય પોતાના પાર્થિવ જીવનમાં પ્રભુનાં સપનાંને સજીવ બનાવતો રહે છે. પરંતુ જીવનના ક્ષેત્રમાં બધું જ આવેલું હોય છે. પ્રભુનો વિરોધ કરનારી કાળી શક્તિઓ પણ ત્યાં પ્રવૃત્ત થાય છે. માણસ અસુર, રાક્ષસ, પિશાચ, ભૂત, જીન વગેરે સર્વેને પોતાના અસ્તિત્વમાં સ્થાન આપે છે, અને નીચેના અવચેતનમાં રહેલાં એ જયારે ઊછાળીને ઉપર આવે છે ત્યારે તે મોટું ઘમસાણ મચાવી મૂકે છે. છેક સ્વર્ગલોક પર્યંત એમનો પ્રભાવ પ્રવર્તે છે ને પૃથ્વીને તો તેઓ જીવનું નરક બનાવી દે છે. આમ હોવા છતાંય એક રક્ષક શક્તિ છે, પરિત્રાણ કરતા હસ્ત છે, દિવ્ય નયનો માનવ ક્ષેત્રને જોતાં રહે છે.

           વિશ્વની બધીય શક્યતાઓ માણસમાં મોજૂદ છે. એનો ભૂતકાળ એનામાં હજુય જીવે છે ને એને ભાવી પ્રત્યે હંકારતો રહે છે. એનાં અત્યારનાં કર્મ એના અગામી ભાગ્યનું નિર્માણ કરે છે. માણસના જીવનમંદિરમાં અણજન્મેલા દેવો છુપાઈ રહેલા છે.

            મનુષ્યનું મન મનુષ્યની આસપાસ પોતાનું એક જગત રચે છે. થઈ ગયેલું સર્વ એનામાં ફરી પાછો જન્મ લે છે. શક્ય છે તે બધું જ એના આત્મામાં રૂપબદ્ધ સ્થિતિમાં રહેલું હોય છે. આપણાં જીવનોમાં દેવોના ગુપ્ત ઉદ્દેશો સધાય છે, પરંતુ એ ઉદ્દેશો માણસની તર્કબુદ્ધિ માટે જાણે અંધારામાં રહેલા છે, દૂર સુદૂરના સંકલ્પનો આદેશ કે નિરંકુશ દૈવયોગ નિશ્ચિત થયેલે સ્થળે ને સમયે સિદ્ધ થાય છે. 

              અવચેતનના અંધકારમાં આપણો ભૂતકાળ ભરાઈ રહેલો છે, પડદા પાછળનું એક વિરાટ અસ્તિત્વ મનુષ્યનો અમિત અંશ છે. ભૂતકાળ ભવિષ્યના પગ પકડી રાખે છે. જે નિગૂઢ છે તે માણસની વિધવિધ અવસ્થાઓમાં વિધવિધ પ્રકારે પ્રકટ થાય છે. એકવાર જે હતું તે કદીય પૂરેપૂરી રીતે મરી જતું નથી. આપણી ઉપર પરચૈતન્ય છે, આસપાસ જબરજસ્ત અજ્ઞાન છે ને નિમ્નમાં અંધકારગ્રસ્ત અરવ અચિત્ ઊંઘી રહેલું છે.

              પણ આ તો જડ દ્રવ્ય પ્રત્યેની પ્રથમ દૃષ્ટિ થઈ. આપણે પોતે કે આપણું અખિલ જગત માત્ર આ નથી. ઊર્ધ્વમાં આપણું બૃહત્તર બ્રહ્યસ્વરૂપ આપણી વાટ જોઈ રહ્યું છે. એ છે અનંત સત્ય. એણે બ્રહ્યાંડ સર્જ્યું છે, અંધ પ્રકૃતિની અચિત્ શક્તિએ નહીં. એ પરમ સત્ય નીચે ઊતરી આવશે ને પૃથ્વીના જીવનને દિવ્ય બનાવશે. પ્રભુના સાન્નિધ્યમાં રહેતો આપણો ઊર્ધ્વસ્થ આત્મા છે અજર ને અમર. આપણે મૃત્યુથી મુક્ત થઈએ, કાળમાંથી અવસ્થાન કરીએ, અમૃતધામના નિવાસી બનીએ, પરમાત્માના પ્રકાશમાં ને પરમાનંદમાં શ્વાસો-

૧૯


ચ્છવાસ લેવા માંડીએ, એવું એનું આહવાન છે.

              જડતત્વમાં ગુપ્ત રહેલા ચેતનનો ક્રમવિકાસ સધાતાં સધાતાં એ મનુષ્યની કોટીએ પહોંચ્યું છે. માણસમાં મન સુધીનો વિકાસ થયો છે, પણ મનથીયે ક્યાંય અદભુત અતિમનસ મહિમાનો વિકાસ હજુ વાટ જોઈ રહ્યો છે.  માનવ એની પ્રત્યે ગતિમાન બની ચૂક્યો છે. એના અભીપ્સુ આત્માએ અધ્યાત્મસૂર્યની ઉપર દૃષ્ટિ કરી છે, એને અમૃતત્વની ઝાંખી થઈ છે ને એ જીવનમાં પ્રભુને જીવંત બનાવવાની ઝંખના રાખી રહ્યો છે.

               મહામાતાનો એક અંશ સાવિત્રીમાં ઊતરી આવ્યો હતો ને એણે એને પોતાનું માનવ ધામ બનાવી હતી. સાવિત્રી માનવજાતિને પ્રભુની પ્રતિમૂર્ત્તિ બનાવવા, પૃથ્વીને સ્વર્ગોપમ બનાવી દેવા યા તો પૃથ્વીની મર્ત્યતામાં ઉતારી લાવવા માટે અવતારી હતી. પરંતુ આ દિવ્ય કાર્ય સિદ્ધ કરવા માટે પ્રથમ માનવહૃદયની ગૂઢ ગુહામાં રહેલો ચૈત્યપુરુષ બાહ્ય સ્વભાવનાં અવગુંઠન દૂર કરી પ્રકૃતિમાં પ્રકટ થાય એ આવશ્યક હતું. એણે રાજા બનવાનું છે--સારાયે સ્વભાવના ને તેના એકેએક ભાગ વિભાગના. માણસના વિચારો ઉપર એણે અમલ ચલાવવાનો છે, દેહને ને પ્રાણને પોતાનાથી પરિપૂર્ણ ભરી દેવાના છે.

                આ પરમોચ્ચ આદેશને  આધીન થઈને સાવિત્રી બેઠી. કાળ, જીવન ને મૃત્યુ માત્ર પસાર થઈ જાનારા પ્રસંગો છે ને તે પોતાની ક્ષણિક દૃષ્ટિથી દૈવી દૃષ્ટિને આચ્છાદિત કરે છે. દૈવી દૃષ્ટિનું દિવ્ય કાર્ય છે મર્ત્ય માનવમાં બંદી બનેલા દેવને મુક્ત બનાવવાનું, ને હજીય જે જીવનમાં મોટું સ્થાન લઈ બેઠેલા છે તે અજ્ઞાનના સ્વભાવને આઘો કરીને અંતરાત્માને શોધી કાઢવાનું ને તેને જીવનનો અધિરાજ બનાવવાનું.

                 સાવિત્રી આ ચૈત્યાત્માને ઢાંકી રાખનારાં આવરણો દૂર કરવા લાગી.

 

 નિર્નિદ્ર રાત્રિમાં જેવી બેસતી 'તી સાવિત્રી જાગતી રહી

ભારે પગે જતી ધીરી નીરવ ઘડીઓમહીં,

હૈયાના શોકનો ભાર હૈયામાંહે દબાવતી,

કાળના મૂક સંચાર પ્રત્યે આંખ તાકતી નિજ રાખતી

ને સદા-સરતા પાસે ભાગ્ય કેરી ઉપરે મીટ માંડતી,

તેવું એના આત્મ કેરાં શિખરોથી હતું આહવાન આવતું,

અવાજ આવતો, સાદ આવતો જે

રાત્રિ કેરી મુદ્રાઓ તોડતો હતો.

જ્યાં સંકલ્પ અને જ્ઞાન કેરું મિલન થાય છે

તે ભ્રૂ ભાગતણી ઉપરની દિશે

૨૦


આક્રાંત કરતો આવ્યો મર્ત્યોના અવકાશને

સ્વર એક મહાબલી.

જોકે અગમ્ય ઊંચાણો પરથી એ આવતો લાગતો હતો

છતાંયે અંતરંગી એ હતો વિશ્વસમસ્તનો

ને કાળનાં પદો કેરો અર્થ એ જાણતો હતો,

ને વૈશ્વ દૃષ્ટિનો દૂર આલોક ભરનાર જે

નિત્ય નિર્માણનું દૃશ્ય અવિકારી હતું તે અવલોકતો.

જેવો એ સ્વર સ્પર્શ્યો કે દેહ એનો બની ગયો

સાવ સ્તંભિત સોનેરી પ્રતિમા શો લય-નિશ્ચલતાતણી,

ઉપલ પ્રભુનો જેને ચૈત્ય નીલ-જામલી અજવાળતો.

બધું સ્થિર બન્યું એના દેહ કેરા સ્થૈર્યની આસપાસમાં :

હૈયું એનું મંદ તાલબદ્ધ સ્વીય ધબકો સુણતું હતું,

કરી વિચારનો ત્યાગ મન એનું સુણી ચૂપ બની ગયું :

"જો નિઃસહાય હૈયામાં શોકને પોષવો હતો,

કે કઠોર અને શુષ્ક નેત્રે સર્વનાશ ઉદબોધતો હતો

તો હે આત્મા ! અને અમર શક્તિ હે !

અજ્ઞાન જિંદગીમાં આ ઉદાસીન નભો તળે

કાળની વેદીએ બાંધ્યું બનવા બલિદાન તું

આવી કેમ મૃત્યુબદ્ધ મૂક આ પૃથિવી પરે ?

ઉથ આત્મા !  કાળને ને મૃત્યુને જીત, ઊઠ હે ! "

પરંતુ ધૂંધળી રાતમહીં હૈયું

સાવિત્રીનું બોલ્યું ઉત્તર આપતાં :

" મારું બળ હરાઈને મૃત્યુને છે અપાયલું, 

બંધ સ્વર્ગો ભણી મારા હાથ ઊંચા હું કયે કારણે કરું,

કે ઝૂઝું દૈવની સામે છે જે મૂક અને છે અનિવાર્ય જે,

કે જે બાઝી રહેલી છે પોતાના ભાગધેયને

ને મજાક કરે છે જે સમુદ્ધારક જ્યોતિની,

ને જુએ મનમાં એકમાત્ર મંદિર જ્ઞાનનું,

કર્કશ શિખરે એના અને એની અચિત્ આધાર-ભિત્તિમાં

સુરક્ષાનો જુએ શૈલ ને લંગર સુષુપ્તિનું

તે અજ્ઞાની જાતિ કેરો ઉદ્ધાર કરવાતણી

અમથી આશ શેં કરું ?

છે એવો ઈશ કો જેને એકે સાદ સંચાલિત કરી શકે ?

એ તો નિરાંતનો બેસી રહે છે નિજ શાંતિમાં,

૨૧


ને એના સ્થિર ને સર્વશક્તિમાન વિધાનની

ને અચિત્ ને મૃત્યુ કેરા સર્વસમર્થ હસ્તતી

વિરુદ્ધ છોડતો એહ નિઃસહાય બળ મર્ત્ય મનુષ્યનું.

કાળી ફંદાભરી જળ ને નિરાનંદ બારણું

ટાળવાથી શી જુર છે મને ને છે વળી સત્યવાનને,

કે જીવનતણા બંધ ઓરડામાં બલિષ્ઠતર જ્યોતિને,

પામર માનવી લોકે વિશાળતર ધર્મને

આવાહી લાવવાની શી જરૂર છે ?

નમતું આપતા ના જે નિયમો પૃથિવીતણા,

અનિવાર્ય ઘડી યા તો મૃત્યુ કેરી,--

તેમને ટાળવા માટે શા માટે અમથી મથું ?

મારા પ્રારબ્ધની સાથે આ આચાર

મારે માટે અવશ્ય સર્વશ્રેષ્ઠ છે,

કે હું અનુસરું મારા પ્રેમીનાં પગલાંતણી

બની નિકટવર્તિની,

ને રાત્રિમાં થઈ સંધ્યામાંથી હું જઉં સૂર્યમાં,

પૃથ્વી ને સ્વર્ગ છે જેઓ પલ્લીઓ પાસપાસની

તેમની વચમાં વ્હેતી કાળી સરિતને તરી.

પછી હૈયે લઈ હૈયું આશ્લેષે ઢાળીએ અમે,

ન વિચાર વડે ક્ષુબ્ધ, ને ન ક્ષુબ્ધ અમારાં હૃદયો વડે,

મનુષ્ય, જિંદગી, કાળ અને એની ઘડીઓ સર્વ વીસરી,

શાશ્વતીનો સાદ ભૂલી, ને ભૂલી ભગવાનને."

સ્વરે ઉત્તર આપ્યો, " ઓ આત્મા !  છે શું પૂરતું આટલું જ આ ?

ને જયારે  જાગશે તારો જીવ ને જવ જાણશે

કે જેને કાજ આવ્યો ' તો એ તે કાર્ય અસમાપ્ત જ છે રહ્યું

ત્યારે એ શું કહેવાનો ?

કે શાશ્વતીતણો એક લઈ આદેશ ભૂ પરે

આવેલા તુજ આત્માને માટે શું આ સમસ્ત છે ?

વર્ષો કેરા સાદોનો સુણનાર એ,

અનુયાયી દેવોનાં પગલાંતણો,

થઈ પસાર જાશે ને છોડી દેશે જૂના નિયમ ધૂળિયા

એમને બદલ્યા વિના ?

સારણીઓ નવી, શબ્દ નવો કો શું અસ્તિમાં આવશે નહીં ?

પૃથ્વી પર નહીં આવે નમી કોઈ મહત્તર પ્રકાશ શું ?

૨૨


અને એ કરશે મુક્ત નહીં એને એની અચેતતાથકી ?

પરિવર્તન ના પામે એવા પ્રારબ્ધયોગથી

બચાવી શું નહીં લે એ જીવને માનવીતણા ?

શું તું આવી નથી દ્વારો ભાગ્ય કેરાં ઉઘડવા,--

લોહ-દ્વારો હમેશાં જે બંધ જેવાં જ લાગતાં,--

ને સાન્ત વસ્તુઓ મધ્ય થઈ શાશ્વતમાં જતા

સત્ય કેરા વિશાળા ને સ્વર્ણ માર્ગે દોરી માનવને જવા ?

સનાતનતણા રાજસિંહાસન સમીપ તો

લજ્જાવનત મસ્તકે

શું મારે કરવાનું છે જઈને આ નિવેદન,

કે છે નિષ્ફળતા પામી શક્તિ એની

જે તારા દેહમાં એણે પ્રદીપિત કરેલ છે,

કર્યા વિના અપાયેલું કાર્ય પાછી ફરે છે શ્રમસેવિકા ? "

બની મૂક ગયું હૈયું સાવિત્રીનું સુણી તદા,

શબ્દે એ ઊચર્યું નહીં.

વ્યગ્ર ને બળવાખોર હૈયું એનું કિંતુ અંકુશમાં લઈ,

ટટાર સહસા, શાંત શૈલ શી બલપૂર્ણ એ

મર્ત્ય અજ્ઞાનના પાર પારાવાર કરી દઈ,

મન કેરી હવા પાર ઊર્ધ્વે જેનું શૃંગ છે અવિકાર્ય , તે

શક્તિ એની મહીં જેહ હતી તેહ બોલી ઉત્તર આપતાં

નિઃસ્પંદિત અવાજને :

" છું અહીં અંશ હું તારો, કાર્ય તારું છે સોંપાયેલ જેહને,

ઊર્ધ્વે નિત્ય વિરાજંતુ તું જે મારું સ્વરૂપ તે

સંબોધે મુજ ઊંડાણો, હે મહાન અને અમર સૂર હે !

આદેશ આપ, કાં કે હું ઈચ્છા તારી પાડવા પાર છું અહીં."

" આવી છે કેમ  તું તેને કર યાદ," સૂર ઉત્તરોમાં વધો,

:" ચૈત્ય સ્વરૂપ તારું તું શોધી કાઢ,

પુનઃપ્રાપ્ત ગુપ્તાત્મા નિજ તું કર,

ઊંડાણોમાંહ્ય તારાં તું શોધ મૌને તાત્પર્ય પરમાત્મનું,

પછી દિવ્ય બનાવી દે મર્ત્ય એવા સ્વભાવને.

ઉઘાડ પ્રભુનું દ્વાર, ને પ્રવેશ પ્રભુ કેરી સમાધિમાં.

વેગળો કર તારાથી વિચારને

જ્યોતિની નકલો જેહ કરે ચપળ વાંદરો :

પ્રભુ કેરી બેશુમાર ચૂપકીમાં

૨૩


તારા મસ્તિષ્કને સાવ સ્પંદહીન બનાવ તું,

વિરાટ વિભુનું સત્ય પ્રબુદ્ધ કર અંતરે,

જ્ઞાનવાન બની જા તું, બની જા દૃષ્ટિમાન તું.

આત્માની દૃષ્ટિએ તારી ઢાંકી દેતી

અળગી કર તારથી ઇન્દ્રિયજ્ઞાનલીનતા :

તારા મનતણી મોટી રિક્તતામાં

સનાતનતણું  જોશે વપુ તું વિશ્વની મહીં,

સુણાતા તુજ આત્માથી પ્રત્યેક સ્વરની મહીં

એને તું એક જાણશે :

સ્પર્શોના સૃષ્ટિના ભેટો તને એક એના સ્પર્શતણો થશે;

લપેટી તુજને લેશે વસ્તુઓ સૌ એના આશ્લેષની મહીં.

જીતી લે તુજ હૈયાના ધબકારા,

દે તું ધબકવા તારા હૈયાને પરમાત્મમાં:

પ્રભુનાં કાર્ય માટેનું યંત્ર તારો સ્વભાવ બનશે,અને

તારો સ્વર બની જાશે ધામ એના શબ્દ કેરા મહૌજનું :

ત્યારે નિવાસ તું મારી શક્તિ કેરો બની જશે

અને મૃત્યુ-માથે તું વિજયી થશે."

સાવિત્રી તે પછી બેઠી

 દૈવ-દંડયા સ્વામી કેરી સમીપમાં,

હજી સ્તંભિત પોતાના સ્વર્ણવર્ણ અંગવિન્યાસની મહીં

આંતર સૂર્યના અગ્નિતણી એક પ્રતિમારૂપ લાગતી.

કાળી રાત્રિમહીં કોપ ઝંઝા કેરો જોસભેર ધસ્યે ગયો,

પડતી 'તી વીજ તૂટી કડાકા સાથ મસ્તકે,

હતી સૂસવતી વર્ષા, છાપરાએ પગલાં લાખ એહનાં

પટાપટ પડયે ગયાં.

ગતિ ને ઘોષની વચ્ચે શાંત નિષ્ક્રિયતા ધરી

મન કેરા વિચારોની સાક્ષી, સાક્ષી  પ્રાણનાં ભાવરૂપની,

સાવિત્રી ભીતરે જોતી હતી, આત્મા પોતાનો શોધતી હતી.

 

સ્વપ્ને એક કર્યો ખુલ્લો એની આગે વિશ્વના ભૂતકાળને,

બીજ ગુપ્તહાલીન, મૂળ ગૂઢ પ્રકારનાં,

છાયાએ ગ્રસ્ત આરંભો વિશ્વના ભવિતવ્યના

પામ્યા પ્રકટરૂપતા :

પ્રતીકાત્મક દીવો જે હતો ગુપ્ત સત્યને અજવાળતો

તેણે વિશ્વતણો અર્થ સાવિત્રીને બતાવ્યો ચિત્રબિંબમાં.

૨૪


આત્મા કેરા અનિશ્ચેય નિરાકાર સ્વરૂપમાં

નિગૂઢ પગલાં પ્હેલાં પોતાનાં સૃષ્ટિએ ભર્યાં,

દેહના રૂપને એણે બનાવ્યું ગેહ ચૈત્યનું,

વિચાર કરતા શીખ્યું જડતત્વ, વિકાસ વ્યક્તિનો થયો;

એણે જીવન-બીજાએ વસાયેલો વિલોકયો અવકાશને,

માનવી જીવને જોયો પામતો જન્મ કાળમાં.

અનંત શૂન્યમાંહેઠી પ્રકટી બ્હાર આવતો

આરંભે એક દેખાયો

ઝાંખો અર્ધ-ઉદાસીન ઓઘ સત્-તાતણો તહીં :

અચેતન બૃહત્  પ્રત્યે દૃષ્ટિપાત કરતી એક ચેતના,

અસંવેદી રિક્તતામાં સુખદુઃખ ઊઠયાં સળવળી તથા.

બધું એહ હતું કાર્ય આંધળી વિશ્વશક્તિનું :

કરતી એ હતી કાર્ય ને એને ભાન ના હતું

નિજ વિક્રાન્ત કાર્યનું,

શૂન્યકાર મહીંથી એ હતી વિશ્વ બનાવતી.

ખંડસ્વરૂપ જીવોમાં સચેતા એ બની હતી :

ક્ષુદ્ર અહંતણા એક ટાંકણીના માથાની આસપાસમાં

ક્ષુદ્ર સંવેદનાઓની અંધાધૂંધી મળી હતી;

એક સચેત જીવે ત્યાં અવસ્થાન પોતાનું મેળવ્યું હતું,

ગતિ એ કરતો 'તો ને શ્વાસોચ્છવાસ લઈ એ જીવતો હતો

સવિચારા બની એક સમગ્રતા.

અવચેતા જિંદગીના ધૂંધળા અબ્ધિની પરે

સપાટી પરની એક નિરાકાર ચેતના જાગ્રતા થઈ :

વિચારો ને લાગણીઓતણો સ્રોત આવજા કરતો થયો,

પામ્યું કઠિનતા ફીણ સ્મૃતિઓનું અને બન્યું

પડ એક પ્રકાશંતું રૂઢ સંવેદનાનું ને વિચારનું,

ધામ એક જીવંત વ્યકિતતાતણું

ને આવૃત્ત થતી ટેવો સ્થાયિતાની કરતાં 'તાં વિડંબના.

જાયમાન મને સેવી શ્રમ એક વિકારી રૂપને રચ્યું,

સરક્યા કરતી રેતી પરે ચલન પામતું

ગૃહ એક ખડું કર્યું,

પ્લવતા દ્વીપને સર્જ્યો  અગાધ અબ્ધિની પરે.

શ્રમે આ સરજ્યુ એક ચેતનાવંત સત્ત્વને;

મુશ્કેલ નિજ ક્ષેત્રની

૨૫


પર દૃષ્ટિ કરી એણે પોતાની આસપાસમાં

લીલી આશ્ચર્યથી પૂર્ણ ભૂમિએ ભયથી ભરી;

જીવી રે'વાતણી આશા રાખી એણે અલ્પજીવી શરીરમાં,

જડતત્વતણી જૂઠી શાશ્વતીની લઈને અવલંબના.

ગૃહે ભંગુર પોતાના લહ્યું એણે એક દેવસ્વરૂપને;

નીલાંબરો નિહાળ્યાં ને સ્વપ્ન એણે સેવ્યું અમરતાતણું.

 

અચિત્ ને જગતે એક ચૈત્ય પુરુષ ચેતન

છે આપણા વિચારો ને આશાઓ ને સ્વપ્નો પૂઠે છુપાયલો ,

ઈશ છે એ ઉદાસીન, કાર્યો પર નિસર્ગનાં

પોતાનું મારતો મતું,

ને સ્વ-પ્રતિનિધિસ્થાને મનને એહ છોડતો

દેખીતા રાજવી-પદે.

કાળને સાગરે એના તરતા ગૃહની મહીં

પ્રતિશાસક આ બેસી કરે કામ ને કદી નવ જંપતો :

કાળના નૃત્ય કેરું એ છે એક ક્ઠ-પૂતળું,

એ હંકારાય હોરાએ, એને ફરજ પાડતો

પોકાર પળનો જૂથબંધ પૂરી

પાડવાને જિંદગીની જરૂરત,

વિશ્વ કેરા અવાજોનાં જલ્પનોનો પડે ઉત્તર આપવો.

નથી નીરવતા જેવું મન આ જાણતું કશું,

જાણતું ના નિદ્રા સ્વપ્નવિવર્જિતા,

અખંડ ચકરાવામાં એહનાં પગલાંતણા

વિચારો લક્ષ્યમાં લેતા મસ્તિષ્ક મધ્યમાં થઈ

હમેશાં ચાલતા રહે;

યંત્ર માફક એ કાર્યશ્રમે મંડયું રહે, ના અટકી શકે.

અનેક મજલાવાળા ખંડોમાંહે શરીરના

સ્વપ્ના દેવના નીચે સંદેશા ઊતર્યા કરે,

એમની ભીડનો અંત ન આવતો.

સર્વ શત-સ્વરી છે ત્યાં મર્મરાટ, જલ્પાના ને વિલોડના

દોડધામ છે અશ્રાંત અહીંતહીં,

ત્વરા છે ગતિઓની ને પડે ના બંધ એવું બુમરાણ છે,

બ્હારનાં બારણાંઓએ થવાવાળા ટકોરાને દરેકને

ઉતાવળી બની તેજી ઉત્તરો દે પરિચારક ઇન્દ્રિયો,

૨૬


આણે અંદર મ્હેમનો જિંદગીના,

પ્રત્યેક સાદની આવી આપી ખબર જાય છે,

હજારો પૂછપાછો ને સાદોને દે પ્રવેશવા,

સંદેશાઓ લઈ આવે વ્યવહાર રાખતાં માનસોતણા,

અસંખ્ય જિંદગીઓનું ભારે કામકાજ ભીતરમાં ભરે,

ને વ્યાપારો વિશ્વ કેરા સઘળાય સહસ્રશ:.

નિદ્રા કેરા પ્રદેશોમાં પણ આરામ અલ્પ છે;

અવચેતન સ્વપ્નોની ચિત્રવિચિત્રતામહીં

પગલાંની જિંદગીનાં કરે છે એ વિડંબના,

પ્રીતીકાત્મક  દૃશ્યોને દેશે ઉચ્ચ પ્રકારના

પરિભ્રમણ એ કરે,

આછાં આછાં હવા જેવાં દર્શનો ને રૂપોએ ઝાંખપે ભર્યાં

ઠસોઠસ ભરી દે એ સ્વ-રાત્રિને

યા તો એને વસાવી દે આકારોથી હલકા તરતા જતા,

અને નીરવ આત્મામાં તો એ માત્ર ક્ષણ એકાદ ગાળતો.

અનંત અવકાશે એ મન કેરા કરી સાહસ જાય છે,

યા ભીતરી હવામાં એ નિજ પાંખો પ્રસારે છે વિચારની,

કે કલ્પના-રચે બેસી કરતો એ મુસાફરી

ભૂ-ગોલને કરી પાર તારાઓ હેઠ સંચરે,

અંતરિક્ષ-પથે જાય સૂક્ષ્મનાં ભુવનોમહીં,

જિંદગીનાં ચમત્કારી શિખરોએ ભેટો દેવોતણો કરે,

સંપર્ક સ્વર્ગનો સાધે, અજમાવી જુએ નરકને વળી.

છે નાની શી સપાટી આ માનવી જિંદગીતણી.

એ છે આ ને વળી છે એ સમસ્ત સચરાચર;

ચઢી એ જાય અજ્ઞાતે

એનાં ઊંડાણ ભીડે છે પાતલગર્ત સાહસે;

નિગૂઢતા ભર્યું એક આખું વિશ્વ છે તળાબંધ ભીતરે.

ગૃહખંડોમહીં મોટા વૈભવી ને સચિત્ર પટ-પૂઠળે

ગુપ્ત એક રહે રાજા અને એનું ભાન માણસને નથી;

આત્માના અણદીઠેલા આનંદોના  ભોગની લાલસા ભર્યો,

એકાંતતાતણું મીઠું મધ એની આજીવિકા બનેલ છે :

અગમ્ય દેવતાધામે અનામી દેવ એક એ

ગુપ્ત અંતર્ગૃહે એના અંતરતમ આત્મના

તમિસ્ર-છાયથી છાયાં દ્વારો પૂઠે ઊમરા હેઠ રક્ષતો

૨૭


રહસ્યમયતાઓને સત્-તા કેરી આવરીને રખાયાલી

કે મોટા ભોંયરાંઓમાં અચેતન સુષુપ્તિનાં

કારાબદ્ધ કરાયલી

સકાલાદભુતનું ધામ પ્રભુ પૂર્ણ પવિત્ર જે 

તે એના ચૈત્ય-આત્માની રજતોજજવલ શુદ્ધિમાં,

મુકુરે પરમોદાત્ત પ્રતિબિંબન ઝીલતા

જાણે કે હોય ના તેમ, નિજ દિવ્ય પ્રભાવનાં,

મહિમા-મહસો કેરાં, કાળની શાશ્વતી મહીં

નિજાત્મ સર્જના કેરાં પ્રક્ષેપાક્ષેપણો કરે.

મનુષ્ય પ્રભુનાં સ્વપ્ન કરે સિદ્ધ જીવને જગતીતણા.

પરંતુ સઘળું છે ત્યાં, પ્રભુ કેરાં વિપરીતોય છે તહીં;

નાનો શો મોખરો એક છે મનુષ્ય કાર્યો કેરો નિસર્ગનાં,

વિચાર કરતી રૂપરેખા એક ગુહામાં લીન શક્તિની.

જે સૌ છે નિજમાં તે એ એનામાં પ્રકટાવતી,

પોતાના મહિમાઓ ને અંધકારો એનામાં ગતિમંત છે.

માનવી જિંદગી કેરું ગૃહ માત્ર દેવોએ જ નથી વસ્યું :

છે છાયામૂર્ત્તિઓ ગૂઢ ત્યાં અને છે બળોયે અંધકારનાં

અનિષ્ટોએ પૂર્ણ ઊંડા નિલયોમાં રસાતલી,

અતિઘોર નિવાસીઓ છાયા-ઘેર્યા જગત્ તણા.

શક્તિઓ છે જે પોતાના સ્વભાવની

તેમને રક્ષવામાં જે બેતમા બતલાવતો

તે મનુષ્ય વસાવે છે નિજ ધામે શક્તિઓ જોખમે ભરી.

અવચેતનના ગૂઢ ગુહા-ગર્તે બંધને છે રખાયલાં

બળો આસુર ને ચંડ ચંડિકાનાં અને ઘોર પિશાચનાં,

ને ઊંડી બોડમાં પેટ ઘસડી ચાલતું પશુ :

તંદ્રામાં તેમની ઘોર ઊઠતા ગગણાટ ને

ઊઠતાઘોર મર્મરો.

ઊંડાણોમાં જિંદગીનાં છુપાયલી

રહસ્યમયતા એક રક્ષસી બળવો કરી

પ્રચંડ શિર પોતાનું કો કો સમય ઊંચકે,

રહસ્યમયતા કાળમીંઢ નીચે પડેલાં જગતોતણી,

વિરોધી અધિરાજાઓ માથાં ઊંચાં કરે ભીષણ ભાસતાં.

એનાં ઊંડાણોમાં નીચે જે ભયંકર શક્તિઓ

દાબ નીચે રહેલ છે

૨૮


તે એની પર સ્વામિત્વ સ્થાપે છે યા સાહ્યસેવક થાય છે;

એ ગંજાવર રૂપોએ આક્ર્મે છે દેહનું ગેહ એહનું,

એનાં કાર્યોમહીં કાર્ય એમનું એ કરી શકે,

ઉપદ્રવ મચાવી એ શકે એને વિચારે અથ જીવને.

મનુષ્યોની હવામાંહે ઊછળીને ઊંચે નરક આવતું,

અને વિકૃતિ દેનારા શ્વાસે સ્પર્શ કરતું એ સમસ્તને.

વિરલાં વિષના બાષ્પ જેવાં ભૂરાં વિસર્પી બળ આવતાં,

એનાં બંધ ગૃહદ્વારો કેરી ફાટો દ્વારા છાનાં પ્રવેશતાં,

જેમાં વિશાળ ને સ્વચ્છ એ સ્વજીવન જીવતો 

તે ઉચ્ચ મનની ભીંતો વિવવર્ણિત બનાવતાં,

પાપ ને મૃત્યુની મૂકી જતાં દુર્ગંધ પૂઠળે :

ભ્રષ્ટ વિચારનાં માત્ર વહેણો ના પ્રભવે એહની મહીં,

નિરાકાર પ્રભવો ના માત્ર ઊઠે પ્રચંડ બળથી ભર્યા,

સાન્નિધ્યો કિંતુ આવે ત્યાં અને આવે રૂપો ઘોર પ્રકારનાં :

ભયપ્રેરક આકારો ને મોઢાંઓ કાળાં પગથિયાં ચઢી

કો વાર તાકતાં એના આવાસોમાં નિવાસના, 

કે આમંત્રાયલાં એક ક્ષણ કેરા આવેશી કાર્ય કારણે

એના હૃદય પાસેથી કરી દાવો માગે ઘોર જકાત એ :

ઊંઘમાંથી જગાડેલાં ફરીથી એ પાછાં બાંધ્યાં જતાં નથી.

દિનના અજવાળાને દુઃખ દેતાં ને નિશાને ડરાવતાં,

ઇચ્છાનુસાર આક્રાન્ત કરતાં એ એના બાહ્ય નિવાસને,

નર્યા અંધારનાં ઘોર રહેવાસી ભયાનક

પ્રવેશીને પ્રભુ કેરા પ્રકાશમાં

અસ્તવ્યસ્ત કરી નાખે એ સમસ્ત પ્રકાશને.

એમણે હોય સ્પર્શ્યું કે જોયું તે સૌ તેઓ નિજ બનાવતાં,

વસે પ્રકૃતિના નીચા તલમાં ને સંચારો મનનાં ભરે,

વિચારની કડીઓ એ તોડે, તોડે ચિંતનાના અનુક્રમો,

શોરબકોર સાથે એ ચૈત્યાત્માની સ્થિરતા મધ્ય ઘૂસતાં,

યા તો અઘોર ગર્તાના વાસીઓને આમંત્રી એહ લાવતાં,

નિષિદ્ધ મોજ માટેની બોલાવી એ લાવે સહજવૃત્તિઓ,

 અટ્ટાહાસ્ય જગાડે એ ખુશાલીનું  પૈશાચિક પ્રકારનું,

નીચાં તલોતણા ભોગવિલાસી રંગરાગથી

જિંદગીની ભૂમિકાને એ સકંપ બનાવતાં. 

અતિભીષણ પોતાના બંદીઓને અસમર્થ શમાવવા

૨૯


નિઃસહાય ગૃહસ્વામી સાવ આભો બની ઉપર બેસતો,

આવ્યું છે લઈ લેવામાં ઘર એનું ને એ એનું રહ્યું નથી.

બાંધી લેવાય એ બેળે બનેલો ભોગ ખેલનો,

કે પ્રલોભાઈને પોતે ગાંડા મોટા ઘોંઘાટે હર્ષ પામતો.

બળો ભીષણ આવ્યાં છે ઊંચે એના સ્વભાવનાં,

બંડખોરોતણી છુટ્ટીતણો આનંદ લૂંટતાં.

ઊંડાણોમાંહ્ય અંધારે સૂતાં 'તા એ ત્યાંથી જાગ્રત થાય છે,

દૃષ્ટિથી દૂર કારામાં હતાં તે ના ઝાલ્યાં રહી શકે હવે;

એના સ્વભાવ કેરા જે આવેગો તે ઈશ એના બન્યા હવે.

એકવાર શમાવેલાં કે જેઓએ બનાવટી

નવાં નામ અને વસ્ત્રો ધરેલ છે

તે પાતાળતણાં તત્ત્વો, રહેલી છે આસુરી શક્તિઓ તહીં.

સંતાડી રાખતો ઘોર મ્હેમાનો આ હીન સ્વભાવ માનવી.

વિશાળો તેમનો ચેપ ગ્રસી લે છે કદાચિત્ વિશ્વ માનવી.

બળવો એક બેફાટ કરી દે છે તાબે માનવ જીવને.

ઘેરથી ઘેર વિદ્રોહ આ મહાકાય વાધતો;

મૂકી દેવાય છે છૂટાં નરકાલયનાં દલો

કરવા કાર્ય તેમનું,

બધાંયે બારણાંમાંથી આવે એ બ્હાર નીકળી

પૃથ્વીના પંથકો પરે,

લોહીની લાલસા સાથે ને સંકલ્પ કરીને હણવાતણો

એ ચડી આવતાં, અને

રૂપાળું પ્રભુનું વિશ્વ ભરે ત્રાસે ને ખૂનામરકી વડે.

મૃત્યુ અને શિકારીઓ એના રોકે ભાગ બનેલ ભૂમિને;

દ્વારે દ્વારે કરે છે ઘા ફિરસ્તો વકરાયલો : 

દુઃખનો દુનિયા કેરા ઠટ્ટો અટ્ટહાસ્ય ભયંકર,

દાંતિયાં સ્વર્ગની પ્રત્યે કરે કત્લેઆમ સાથ રીબામણી.

છે શિકાર બન્યું સર્વ એ વિનાશક શક્તિનો;

ડોલતી દુનિયા, કંપી ઊઠતી એ નખશિખ સમૂળગી.

માનુષી હૃદયોમાંહે આ અનિષ્ઠ છે નિસર્ગે વસાવિયું,

રહેવાસી વિદેશી ને મહેમાન છે એ જોખમકારક :

વસાવે જીવ જે એને તેનું સ્થાન હરી  લઈ

ઘરમાલિકને બ્હાર કાઢી મૂકી

કબજો એ લઈ લેતું નિવાસનો.

૩૦


વિરોધી કરતી ઈશ કેરો એક શક્તિ છે વિપરીત જે,

સર્વસમર્થતા પાપ કેરી છે જે મુહૂર્તની

તેણે કુદરતી કાર્યો કેરો સીધો માર્ગ રુદ્ધ કરેલ છે.

જે દેવને નકારે એ, કરે છે તે દેવની એ વિડંબના,

વધુ એનું ધરે છે એ, ધરે છે મુખ એહનું.

પાપપુણ્યમય સ્રષ્ટા અને પ્રલયકાર એ

નાશ મનુષ્ય ને એના વિશ્વનો એ કરી શકે.

પરંતુ શક્તિ છે એક સંરક્ષંતી ને છે હસ્ત બચાવતા,

પ્રશાંત નયનો દિવ્ય માનવીના ક્ષેત્રને અવલોકતાં.

 

જુએ છે બીજમાં વાટ વૃક્ષ તેમ

વિશ્વની શક્યતાઓ સૌ જુએ વાટ મનુષ્યમાં :

ભૂત એનો એનામાં જીવમાન છે;

અને હાંકી રહ્યો છે એ પગલાંઓ એના ભવિષ્યકાળનાં;

એનાં અત્યારનાં કર્મ ઘડે એના આગામી ભવિતવ્યને.

એના જીવનને ગેહે છુપાયા છે અણજન્મેલ દેવતા.

અર્ધ-દેવો અવિજ્ઞાત કેરા એના મનને છાવરી રહ્યા,

ઢાળે એ એમનાં સ્વપ્નો જીવમાન ઢાળાઓમાં વિચારના,

જે ઢાળાઓમહીં સર્જે મન એનું સ્વ-વિશ્વને.

પોતાનું રચતું વિશ્વ મન એનું એહની આસપાસમાં.

જે બધું સંભવ્યું છે તે ફરી પાછું એનામાં નિજ જન્મ લે,

ને જે સૌ સંભવે છે તે રૂપધારી એના આત્મામહીં બને.

થઈ પ્રકટ કર્મોમાં

વ્યાખ્યાતા બુદ્ધિનો તર્ક જેને અસ્પષ્ટ ઝાંખતો

એવા દેવોતણા ગુપત હેતુની

આલેખે છે પંક્તિઓ એ માર્ગો ઊપર વિશ્વના.

વિલક્ષણ દિશાઓમાં દોડે જટિલ યોજના;

માનુષી પૂર્વદૃષ્ટિથી

એમનો અંત છે પાછો સંકેલીને રખાયલો.

વ્યવસ્થાપક સંકલ્પ છે જે એક, તેનો ઉદ્દેશ દૂરનો

કે વ્યવસ્થા જિંદગીના ગમેતેમ થનાર દૈવયોગની

શોધી કાઢે અવસ્થાન સ્થિર એનું ને ઘડી ભવિતવ્યની.

બુદ્ધિની દૃષ્ટિથી વ્યર્થ નીરખાતી સપાટી જેહ આપણી,

આક્રાન્ત જેહ તત્કાલ ઊઠનારા અદૃષ્ટથી,

૩૧


ને કાળના અકસ્માતો અસહાય બનીને નોંધતી રહે,

અનૈચ્છિક વળાંકો ને કુદકાઓ આલેખે જિંદગીતણા. 

અત્યલ્પ આપણામાનું  પહેલેથી પોતાનાં પગલાં જુએ,

અત્યલ્પને  જ સંકલ્પ ને સોદ્દેશ ગતિનો વેગ હોય છે.

બાહ્યાવબોધ પૂઠેની વિશાળી એક ચેતના,

તે મનુષ્યોતણો માપ વિનાનો એક ભાગ છે.

અવચેતન અંધારું છે આધાર એનો ગૂઢ ગુહામય.

વ્યર્થ વિલોપ પામેલો માર્ગો ઉપર કાળના

ભૂત હજીય જીવે છે સ્વરૂપોમાં ચેતનાહીન આપણાં,

અને છૂપા પ્રભાવોના ભારે એના ઘડાય છે

ભાવી કેરો આત્માવિષ્કાર આપણો.

આમ છે સઘળું એક અનિવાર્ય જ સાંકળી

ને છતાંયે જણાયે છે અકસ્માતો કેરી એક પરંપરા.

ઘટિકાઓ વિસ્મરંતી જૂના કર્મો કેરી આવૃત્તિઓ કરે,

મરેલો આપણો ભૂત આપણા ભવિતવ્યની

ઘૂંટી કેરી આસપાસ વીંટળાઈ વળેલ છે,

નવા સ્વભાવનાં પાછાં ખેંચે છે એ પગલાં પ્રભુતાભર્યા,

કે એના દફનાવેલા શબમાંથી જૂનાં ભૂત ખડાં થતાં,

જૂના વિચાર ને જૂની લાલસાઓ

ને મરી પરવારેલા ફરી પાછા આવેગો જીવતા થતા,

ઊંઘમાં થાય આવૃત્ત,

કે જાગ્રત અવસ્થામાં ચલાવે એ મનુષ્યને,

ને તર્કબુદ્ધિના એના માથાનું ને

રક્ષા કરંત સંકલ્પશક્તિ કેરું ઉલ્લંઘન કરી જઈ

ઓઠની આડને બેળે તોડનારા બોલાવી શબ્દ નાખતાં,

અને અચિંતવ્યાં કર્મ એની પાસે કરાવતાં.

નવી જે આપણી જાત તેમાં જૂની જાત છે એક છૂપતી;

આપણે જે હતા એકવાર તેથી જવલ્લે જ બચી જતા :

ટેવોના સંચરો કેરા ઝાંખા ઉજાશની મહીં,

અવચેતનનાં કાળાં ગલીયારાંતણી મહીં,

વસ્તુઓ સૌ વહી જાય શિરાઓ ભારવાહિની,

મન નીચાં તલો કેરું ચકાસી ન જુએ કશું,

દ્વારપાળો નથી કાંઈ બારીક અવલોકતા,

ને પસાર થવા દેતી સહજસ્મૃતિ આંધળી

૩૨


સેવામુક્ત કરાયેલી જૂની ટોળી અને રદ કરાયલાં

પારપત્રો પ્રયોજાઈ જતાં પુનઃ,

એકવાર હતું જીવ્યું તે કશુંયે ન સંપૂર્ણ મરી જતું.

અંધારાં બોગદાંઓમાં

વિશ્વની અસ્તિ કેરાં ને આપણી અસ્તિનાં વળી

હજી જીવી રહેલો છે પરિત્યક્ત સ્વભાવ ભૂતકાળનો; 

એના હણાઈ ચૂકેલા વિચારોનાં  શવો ઊંચાં કરે શિરો

અને મનતણી રાત્રી-યાત્રાઓની લે મુલાકાત ઊંઘમાં,

ગૂંગળાવેલ આવેગો એના લેતા શ્વાસ ઊઠે અને ચલે;

છાયાભાસમયી એક રાખે અમરતા બધું.

ક્રમો પ્રકૃતિ કેરા સૌ સાચે અપ્રતિરોધ્ય છે :

છૂપી જમીનમાંહીથી પરિત્યક્ત પાપનાં બીજ ફૂટતાં;

હૈયામાંથી બ્હાર કાઢી મૂક્યું હોય અનિષ્ટ જે

તેની સામે ફરી પાછું એકવાર થવું આપણને પડે.

આપણા જીવતા જીવને કરી નાખવા ઝબે

આવે પાછાં સ્વરૂપો મૃત આપણાં.

વર્તમાનમહીં જીવે એક અંશ જ આપણો,

ગુપ્ત એક જયો ફાંફાં મારે ઝાંખા અચિત્ મહીં;

અચિત્ ને જે રહેલું છે પટ પૂઠે છુપાયલું

તેમાંથી છે થયો ઉદભવ આપણો,

ને અનિશ્ચિત આભામાં મન કેરી આપણે રહીએ છીએ

ને જેનો હેતુ અર્થ છુપાયેલો આપણી દૃષ્ટિથી રહે

તેવા એક સંદેહાત્મક વિશ્વને

જાણવા ને વશે લેવા પ્રયત્ન કરીએ છીએ.

આપણી પર રાજે છે પરચેતન દેવતા

રહસ્યમયતામાંહે છુપાયેલો સ્વ-જ્યોતિની :

એક વિરાટ અજ્ઞાન આપણી આસપાસ છે,

મનુષ્ય-મનનું જેને ઉજાળે છે રશ્મિ અસ્પષ્ટતા ભર્યું,

સૂતું છે આપણી નીચે અચિત્ અંધકાર ને મૌનથી ભર્યું.

 

કિંતુ આરંભની માત્ર છે આ સ્વાત્મદૃષ્ટિ ભૌતિક દ્રવ્યની,

અવિદ્યામાંહ્ય આવેલી એક સોપાન-માલિકા.

જે બધું આપણે છીએ તે નથી આ

યા નથી એ બધું જગત આપણું.

૩૩


જુએ છે આપણી વાટ જ્ઞાનનું જે મહત્તર

છે તે સ્વરૂપ આપણું,

વિરાટે સત્ય-ચૈતન્યે વાટ જોતી જ્યોતિ એક પરાત્પરા :

મનંત મનની પાર આવેલાં શિખરોથકી

અવલોકન એ કરે,

જીવન પારની એક દીપ્તિમંત હવામહીં

એનો સંચાર થાય છે.

એ નીચે ઊતરી આવી

પૃથ્વી કેરી જિંદગીને દિવ્યરૂપ બનાવશે.

સત્યે જગત છે સર્જ્યું,

અંધ પ્રકૃતિની કોઈ શક્તિએ એ રચ્યું નથી.

દિવ્યતર વિશાળાં ના વિરાજંતાં અહીંયાં શૃંગ આપણાં,

પરચૈતન્યની ભવ્ય ભભકે એ રાજે શિખર આપણાં,

તે મહર્મહિમાવંતાં છે સાક્ષાત્ પ્રભુને મુખે.

સ્વરૂપ આપણું છે ત્યાં આવ્યું શાશ્વતતાતણું,

જે દેવ આપણે છીએ તેનું છે મૂર્ત્ત રૂપ ત્યાં,

યુવા નિર્જર છે દૃષ્ટિ એની જોતી અમર્ત્ય વસ્તુઓ તહીં,

મૃત્યુ ને કાળથી મુક્ત

થઈએ આપણે તેનો એનો આનંદ છે તહીં,

એની અમરતા, જ્યોતિ અને એની પરમા છે મુદા તહીં.

ગૂઢ ભીંતોતણી પૂઠે બેઠેલું છે બૃહત્તર

આત્મસ્વરૂપ આપણું :

અદૃશ્ય આપણા ભાગોમાં માહાત્મ્યો રહેલાં છે છુપાયલાં,

જિંદગીના અગ્રભાગે આવવાની ઘડીની રાહ દેખતાં:

ઊંડા અંતરના વાસી દેવો કેરી લહેતા સાહ્ય આપણે :

કો એક ભીતરે બોલે, આવે જ્યોતિ આપણી પાસ ઊર્ધ્વથી.

રહસ્યમય પોતાના ખંડમાંથી પ્રવર્તે આત્મ આપણો;

દબાણ આણતો એનો પ્રભાવ આપણા ઉરે

અને મનતણી પરે

ધકેલી એમને જાય એમનાં મર્ત્ય રૂપની

મર્યાદાઓ વટાવવા.

શિવ, સૌન્દર્ય ને ઈશ માટે છે શોધ એહની,

અસીમ આપણો આત્મા આપણે અવલોકતા

દીવાલો પાર જાતની,

૩૪


અર્ધ-જોતી બૃહત્તાઓ પ્રત્યે વિશ્વ કેરા કાચમહીં થઈ

આપણે મીટ માંડતા,

આભાસી વસ્તુઓ પૂઠે સત્ય માટે કરતા શોધ આપણે.

વિશાળતર આલોકે કરે વાસ મન આંતર આપણું ,

વિલોકે આપણી પ્રત્યે વિભા એની ગુપ્ત દ્વારોમહીં થઈ;

 જયોતિર્મય બને ભાગો આપણા ને

પ્રજ્ઞાનું મુખ દેખાયે પ્રવેશદ્વારમાં ગૂઢ વિભાગના :

બાહ્ય ઇન્દ્રિયના ગેહે આપણા એ જયારે અંદર આવતી

ત્યારે ઊંચી થાય છે દૃષ્ટિ આપણી

ને આપણે વિલોકંતા ઊર્ધ્વમાં ને જોતા આદિત્ય એહનો.

જેને જીવનનું નામ આપણે આપીએ છીએ

તે છે એક અલ્પ શો અંશ વામણો,

એને આલંબ આપે છે પોતા કેરી આંતર શક્તિઓ વડે

આત્મા એક પ્રાણ કેરો મહાબલી;

આપણે સર્પણે એહ પાંખો બે બલથી ભરી

ચઢાવી આપવાને શક્તિમાન છે.

આપણા દેહનો સૂક્ષ્મ આત્મા રાજંત અંતરે,

પ્રભુ કેરા વિચારોની છે જ્યોતિર્મય છાય જે

તેવાં સાચાં સ્વપ્ન કેરા એના અદૃશ્ય મ્હેલમાં.

મનુષ્યજાતિના અંધકારગ્રસ્ત આરંભોમાં અધોમુખી

માનવી વિકસ્યો નીચે નત એવા નરવાનર રૂપમાં.

ઊભો ટટાર એ દેવસમાણો રૂપ ને બલે

અને આ જગતી-જાયી આંખોમાંથી

ચૈત્યાત્માના વિચારોએ કર્યું બહાર ડોકિયું :

ટટાર માનવી ઊભો, મનીષીનું એણે મસ્તક ધારિયું :

એણે આકાશની સામે કરી દૃષ્ટિ

ને પોતાના સખા તારક નીરખ્યા;

આવ્યું દર્શન સૌન્દર્ય ને મહત્તર જન્મનું

હૃદય-જ્યોતિ-ધામેથી ધીરે પ્રાકટય પામતું

ને સ્વપ્નાંની વિભાસંત

હવાની શુભ્રતામાંહ્યે એણે સંચાર આદર્યો.

એણે જોઈ નિજાત્માની

સંસિદ્ધિ નહિ પામેલી અવસ્થાઓ અસીમ કૈં,

સેવી એણે અભીપ્સા ને

૩૫


જાયમાન અર્ધ-દેવ કેરો આવાસ એ બન્યો.

છાયાગ્રસ્ત ગુહાઓની મહીંથી નિજ જાતની

નિગૂઢ સ્થિત જિજ્ઞાસુ ખુલ્લામાં એહ આવિયો :

સાંભળ્યું દૂરનું એણે સ્પર્શ્યું અસ્પર્શગ્મ્યને,

દૃષ્ટિ સ્થિર કરી એણે ભાવિમાં ને અદૃષ્ટમાં;

પ્રયોજી શક્તિઓ એણે

પૃથ્વીનાં કરણો જેને વાપરી શકતાં નથી,

મનોવિનોદના ખેલ જેવું એણે કરી દીધું અશકયને;

પકડયા ટુકડા એણે સર્વજ્ઞના વિચારના,

ને સર્વશક્તિમત્તાનાં વેર્યાં એણે સૂત્રો વિધિ વિધાનનાં.

આમ મનુષ્ય પોતાના ગૃહે નાના ધરાની ધૂળના બન્યા,

વિચારના અને સ્વપ્નતણા અદૃષ્ટ સ્વર્ગની

પ્રત્યે પામ્યો વિકાસ, ને

અનંતે ટપકા જેવા લધુ ગોલાકની પરે

વિશાળા વિસ્તારો મધ્યે મનના એ પોતાના અવલોકતો.

આખરે એક લાંબી ને સાંકડી શી સોપાનસરણી ચડી

ઊભો એ એકલો ઉચ્ચ છાપરે વસ્તુઓતણા

અને એણે જ્યોતિ જોઈ એક આધ્યાત્મ સૂર્યની.

અભીપ્સુ એ કરે પાર સ્વ પાર્થિવ સ્વરૂપને;

મર્ત્ય ચીજોતણા ઘેરામાંથી એ મુક્તિ મેળવી,

નવજાત નિજાત્માના વૈશાલ્યે સ્થિત થાય છે,

ને પોતે વિરલા વાતાવરણે સમતાપના

 હોય તેમ ફરે શુદ્ધ અને મુક્ત આધ્યાત્મિક પ્રદેશમાં.

દિવ્યતાનિ દૂરવર્તી રેખાઓનો અંત લુપ્ત થયેલ એ,

નાજુક સૂત્રને સાહી ચડી જાય પોતાના ઉચ્ચ મૂલમાં;

પ્રભવે જાય એ પ્હોંચી પોતાના અમૃતત્વના,

આવાહી પ્રભુને લાવે એ પોતાના મર્ત્ય જીવનની મહીં.

આ સર્વ ગૂઢ આત્માએ સાવિત્રીમાં કર્યું હતું :

પોતાના માનવી અંશે આવે તેમ

મહાબલિષ્ટ માતાનો અંશ એની મહીં આવી ગયો હતો :

વિશ્વમાં દેવતાઓનાં વિધાનોમાંહ્ય કાર્યનાં,

વિશાળ વિરચાયેલી યોજનામાં

સાવિત્રીને હતી એણે સંસ્થાપી કેન્દ્ર-સ્થાનમાં;

દૂર દૃષ્ટિ રાખનારા એના આત્મા કેરા ગાઢાનુરાગથી

૩૬


માનવી જાતિને ઘાટ પ્રભુના જ સ્વરૂપનો

આપવાનાં સ્વપ્ન એ સેવતી હતી

ને આ મોટા અને અંધ ને મહામથને મચ્યા

જગને જ્યોતિની પ્રત્યે દોરવા ઈચ્છતી હતી,

કે નવી સૃષ્ટિને શોધી કાઢવા કે સર્જવા માગતી હતી.

પૃથ્વીએ પલટો પામી સ્વર્ગતુલ્ય બનવું જોઈએ સ્વયં

યા તો મર્ત્ય અવસ્થામાં પૃથ્વી કેરી સ્વર્ગે ઊતરવું રહ્યું.

કિંતુ આવો થવા માટે અધ્યાત્મ પલટો બૃહત્

દેવાંશી ચૈત્ય-આત્માએ  આઘી આડશને કરી,

માનવી જીવના હૈયા કેરી ગૂઢ ગુહાથકી

પગલાં માંડવાનાં છે સાધારણ સ્વભાવના

ભીડંભીડા ઓરડાઓતણી મહીં,

અને પ્રકટ રૂપે છે ઊભવાનું અગ્રે એહ સ્વભાવના,

રાજ્ય ચલાવવાનું છે વિચારો પર એહના,

ને ભરી નાખવાના છે દેહ ને પ્રાણ બેયને.

બેઠી આજ્ઞાધીન એહ  ઊર્ધ્વ કેરો આદેશ  અપનાવતી :

કાળ, જીવન, ને મૃત્યુ

પસાર થઈ જાનારી ઘટનાઓ બન્યાં હતાં,

એના અલોકમાં વિધ્ન નાખનારાં નિજ ક્ષણિક દૃષ્ટિથી,

જે આલોકે વિધ્ન વીંધી જવાનું 'તું કરવા મુક્ત દેવતા

જે બનેલો હતો બંદી દૃષ્ટિવંચિત મર્ત્યમાં.

અજ્ઞાન મધ્ય જન્મેલો નિમ્ન સ્વભાવ, તે હજી

સ્થાન અત્યંત મોટેરું લેતો 'તો ને

હજી એના આત્માને અવગુંઠતો,

બાજુએ હડસેલીને એને એણે

કરવાનું હતું પ્રાપ્ત નિજ ચૈત્ય-સ્વરૂપને.

૩૭


 

બીજો  સર્ગ  સમાપ્ત