સર્ગ  બીજો

અગ્નિશિખાની  વૃદ્ધિ

 

વસ્તુનિર્દેશ

 

              જગદંબાનો મહિમા લઈને સાવિત્રી જન્મી, મદ્રદેશમાં રાજા અશ્વપતિની પુત્રીને સ્વરૂપે. એના આવિર્ભાવથી અલૌકિક સૌભાગ્યને પ્રાપ્ત થયેલા આ પ્રદેશમાં મોટા મોટા પર્વતો ઊભા હતાં, સૂર્યસ્નાન કરતાં વિશાળ મેદાનો આવેલાં હતાં, નિ:સીમ સાગરોને ભેટવા દોડતી મહાનદીઓ વહેતી હતી. એ હતો સર્જનનું ક્ષેત્ર, પરમાત્મશાંતિનું ધામ; જીવનના કોલાહલને શમાવી દેતી નીરવતાનો નિલય. સ્વર્ગની પ્રતિ છલંગતાં ચિંતનો, ધ્યાનમગ્નતા ને સ્વપ્ન-સેવનો એના  સ્વભાવમાં હતાં. પ્રભુનાં ને મનુષ્યનાં ભવ્ય કાર્યોનું એ કાર્યાલય હતો. સૌન્દર્ય ને શોભાનો એ આવાસ હતો. ગૌરવો એને ગુરુપદે સ્થાપતાં હતાં. મૂર્તિમંત અગ્નિશિખાએ એને પસંદ કર્યો હતો.

 

               સાવિત્રીના જન્મે ભવિષ્યના દેવતાઓને પૃથ્વી ઉપર આકર્ષી આણ્યા. ત્યાં વિકસેલી વિદ્યાઓ, ચિંતકોના અચિંત્યને ચિંતતાં ચિંતનો, માનવતાના ઊંડાણમાંથી ઉદભવેલી કલાઓ, સુંદરતા, નીતિ, અને સંસ્કારિતા સાવિત્રીની સેવામાં સંયોજાયાં. સાવિત્રીના બાલાત્માનાં  ઊર્ધ્વનાં ઉડ્ડયનો ત્યાં આરંભાયાં, ગહન ગુહ્યોએ એને માટે પોતાનાં બારણાં ઉઘાડયાં. તે સમયની ને તે પ્રદેશની બૌદ્ધિક, હાર્દિક અને આધ્યાત્મિક પ્રાપ્તિઓનો સાવિત્રીને સમાગમ થયો, લલિત ક્લાઓએ અને વિજ્ઞાનનાં શાસ્ત્રોએ એના શિક્ષણને સુસંપન્ન બનાવ્યું.

 

                 પૃથ્વી એને માટે સ્વર્ગને જીતી લેવા માટેના પગ મૂકવાના પગથિયારૂપ બની ગઈ હતી,  અને એનો આત્મા સ્વર્ગનીય સીમાઓ પાર જોતો, અજ્ઞેયની જ્યોતિનો સમાગમ સાધતો, પરમાત્મકાર્ય કરવાના ક્ષેત્રનાં સેવતો. એને સર્વત્ર એક આત્માનાં દર્શન થતાં, પ્રત્યેક જીવ એના પોતાના આત્માનો એક પૂરક અંશ હોય એવું એને લાગતું. સૌનેય એ પ્રભુ સાથે, પ્રભુના જગત સાથે અને એની પોતાની સાથે એકરૂપ બની ગયેલા જોવાની આકાંક્ષા રાખતી.

૧૭


          પરંતુ આસપાસના માણસો એની અભીપ્સાનો પ્રત્યુત્તર વાળી શકે તેટલા વિકસેલા ન હતા એનામાં રહેલી અવગુંઠિત દિવ્યતાની ઝાંખી બહુ થોડાંને જ થતી. લોકોના બાહ્ય જીવન માટે એનો મુક્ત ને મહિમાવંતો આત્મા આરાધનીય હોવા છતાં દૂરદૂરની વસ્તુ જેવો લાગતો. તેઓ  આકર્ષાતા ખરા, પણ છેક નિકટની દિવ્યતાના સ્પર્શને સહેવા અસમર્થ હતા. જે શક્તિ તેમના પોતાનામાં તેઓ વસાવી શકતા નહિ તેની પ્રત્યે તેઓ  અસહિષ્ણુતા પણ દાખવતા. સાવિત્રીની સમીપતા તેમને ગમતી, પોતાની માનુષી અપેક્ષાઓને પાર પાડવા માટે તેઓ એને સેવતા, પરંતુ એની સાથે એકતાર એક્તાન ને એકાકાર બની જવાની તેમનામાં તૈયારી ન હતી.

            આમ સાવિત્રીને સમારાધનારા, એનો સ્નિગ્ધ આશ્રય શોધનારા, એનાં પ્રેમ અને પવિત્રતાથી પ્રભાવિત થઇ જનારા, મને કે કમને એના સાન્નિધ્ય માટે સ્પૃહા રાખનારા અનેક જન એની પાસે આવતા જતા, પરંતુ એમાંનું એક પણ એંનું  સમોવડિયું નીવડતું ન હતું. એ જે હવાના શ્વાસોચ્છવાસ લેતી હતી તે એટલી તો નિર્મળ હતી કે ક્ષુદ્ર જીવો માટે તે ભારે થઇ પડતી. સાવિત્રી એટલી તો ઉચ્ચ હતી ને તે લોકો એટલા તો વામણા હતા કે સાવિત્રીને એમનાં નીચાણો પ્રતિ ઘણું ઘણું લળવું પડતું. એમને ઉપકારક થવા માટે એને એમની સપાટીએ ઊતરવું પડતું, એમનાં સુખદુઃખનું, એમના અજ્ઞાન અભિમાનનું ઓસડ કરવા માટે આ સિવાય બીજો ઈલાજ એની પાસે ન હતો; તેં છતાંય એનો ઉદાત્ત આત્મા તો શૃંગો પર સ્થિત રહેતો ને ત્યાં એ સર્વથી ન્યારા સ્વરૂપે વિરાજમાન  રહેતી, અને પોતાના અલ્પાલ્પ બાહ્ય સ્વરૂપ દ્વારા એ માની માફક એમની સંભાળ લેતી ને સાત્તવિક સાહાય્ય સમર્પતી. 

              વૃક્ષો અને વેલીઓ, પુષ્પો અને પલ્લવો એમની સ્વાભાવિક સરળતાને લીધે એનાં પ્રેમને પ્રસન્ન પ્રત્યુત્તર વાળતાં,પણ માણસમાં કોઈ એક કાળી કલ્મષતા રહેલી હોવાથી તે પોતાના અજ્ઞાનને ને વિનિપાતને સ્વયં વળગી રહેતો અને દિવ્યતાના મુક્ત ને મંગલમય  ભાવને ભેટવા ને અપનાવી લેવા તે આનાકાની કરતો અને એનો અંતરાત્મા જેની પ્રત્યે એને પ્રેરતો  તેને માટે તત્કાલ તત્પર બની જતો નહીં.

               આસપાસના આવા માણસોમાં એને એના આત્માનો એકે  સમોવડો સાથી ન મળ્યો. સાવિત્રી પોતે તો પોતાના દિવ્ય સ્વરૂપમાં એક દેવતાની માફક રહેતી. એના સહચાર માટે અત્યાર સુધી અન્ય સર્વે સાવ નિષ્ફળ નીવડયા હતા, ને દિવ્ય બાલિકા નિર્જન એકાંતમાં પોતાની ફોરમ ફેલાવ્યે જતી હતી.

                આ પ્રમાણે કંઈક સમય સુધી ચાલતું રહ્યું. સાવિત્રી એના નાનકડા વર્તુલમાં ઉત્સુક હૃદયોનું કમનીય કેન્દ્ર બનીને રહેતી હતી. છતાં ધીરે ધીરે એના દિવ્ય આત્માના પ્રાફુલ્લ્યે પોતાની સ્વર્ગીય સુવાસ ચોગરદમ પ્રસારવા માંડી અને એના અલૌકિક સૌન્દર્યનાં ને દેવોપમ દિવ્યતાનાં ગૌરવગાનની લહરી વિશ્વમાં વ્યાપવા લાગી. એની શક્તિ એનું સૌન્દર્ય અને એનું શીલ કંઠે કંઠે સ્તોત્રરૂપ બની ગયાં. પણ એની હારમાં ઊભો રહી શકે એવો કોઈ સહચર આગળ આવ્યો નહીં, એની આંખ

૧૮


 શું આંખ મિલાવી શકે એવું કોઈ નીકળ્યું નહીં, એને પોતાની વીરતાથી વરી કે હરી શકે એવું કોઈ ઓજ પ્રકાશ્યું નહીં : એની અલૌકિકતાથી સર્વ સંકોચાતા ને પોતાની સ્વલ્પતા સ્વીકારી પાછા સરી જતા.

                  સાવિત્રી ઉત્તુંગ શૃંગે એકલી શોભતી હતી, એનું હૃદય આનંદનું મંગલ મંદિર હતું. મહિમાવંતા મહાત્માઓની બાબતમાં જેવું બને છે તેવું એની બાબતમાં પણ બન્યું-ઓજસ્વી એકાંતમાં આવાસ, પ્રણતિઓ ને પૂજન, ને એના ભાગ્યનિર્માણની ઘડી ન આવી ત્યાં સુધી આમ ચાલતું રહ્યું.

 

પ્રદેશ પર્વતોનો ને સૂર્યસ્નાત વિશાળી સમભોમનો,

ને મહાસાગરો પ્રત્યે ધસી જાતી કૈં મોટી નદીઓતણો,

ક્ષેત્ર સર્જન કેરું ને આત્માની ચૂપકીતણું

મૌન જ્યાં નિજ ઊંડાણે ગળી જાતું જિંદગીની પ્રવૃત્તિઓ,

પ્રદેશ પાર આરોહી સ્વર્ગ પ્રત્યે કૂદનારા વિચારનો,

લોક ચિંતનમાં મગ્ન સ્વપ્નનો ને સમાધિનો,

પ્રભુ ને માનવી કેરી કૃતિઓમાં સૌથી બલિષ્ઠથી ભર્યો,

પ્રભુના સ્વપ્નના જેવી જહીં પ્રકૃતિ લાગતી,

ને સૌન્દર્ય તથા શોભા, ભવ્યતા જ્યાં નિવાસ કરતાં હતાં;

તહીં મૂર્ત્તિમતી અગ્નિશિખા કેરું બાલ્ય આશ્રય પામિયું.

હજારો વરસો કેરા પ્રભાવોની ચોકી એની પરે હતી,

ને ભવ્ય ભૂતકાલીન ગૂઢ દેવો દૃષ્ટિ એની પરે કરી

ભાવિના દેવતાઓને આવતા અવલોકતા,

આ ચુંબક વડે જાણે આકર્ષાઈ રહ્યાં 'તાં તેજ તેમનાં.

એના નિઃસ્પંદ હૈયાની સાથે વાતો કરતું 'તું ધરાતણું

જ્ઞાન નિમગ્ન ચિંતને;

મનનાં અંત્ય શૃંગોથી આરોહંતું દેવોને સાથ સેવવા,

વિશ્વ કેરાં વિરાટોમાં ડૂબકીઓ લગાવવા

વસુધાના વિભાસંતા વિચારોને

કૂદવાના પાટિયા શું બનાવતું

જ્ઞાન ચિંતક કેરું ને દ્રષ્ટા કેરું ન્યાળતું અણદીઠને

ને અચિંત્યતણું ચિંતન સેવતું,

અવિજ્ઞાતતણાં ખોલી નાખી તોતિંગ બારણાં,

ક્ષિતિજો માનવી કેરી તોડી નાખી જતું ઘૂસી અનંતમાં.

મર્ત્યનાં કર્મને સીમાહીનતામાં પ્રસાર મળતો હતો,

૧૯


માનવી ગહરાઈઓમહીંથી જન્મતી હતી

કલા સુન્દરતા ઉભે;

સ્પર્ધા ઉદાત્તતા કેરી થતી ચૈત્ય-આત્મા સાથે સ્વભાવની.  

સ્વર્ગનુકારને માટે નીતિમત્તા

માનવીને હતી ચાવી લગાવતી;

સૂરો સંસ્કૃતિના રિદ્ધ જે સામંજસ્ય લાવતા

તેથી સંવેદના થાતી સૂક્ષ્મગ્રાહી

અને એની પહોંચ બહુ વાધતી,

સુણાતું ન સુણાયેલું ને અદૃશ્ય બનતું દૃષ્ટિગોચર,

વિજ્ઞાત વસ્તુઓનાથી

પાર પારે ઉડાવાનું જીવ શીખી જતો હતો,

વૈશાલ્ય પામવાની ને સ્વ-બંધો તોડવાતણી

પ્રેરણાઓ હતું જીવન પામતું,

અમરોની ન દીઠેલી દુનિયાને માટે થાતું અભીપ્સતું.

સુરક્ષા સૃષ્ટિની છોડી મનની પાંખ સાહસી

એને લઇ જતી ઊંચે ન ખેડેલાં ક્ષેત્રોમાંહે વિચારનાં,   

પાર સિંધુઓ ગૂઢ હતી પાર કરાવતી

સૂર્ય સમીપનાં તાક્ષર્ય-શૃંગો પર વસાવવા.

નિજ શાશ્વત ગાદીએ તહીં પ્રજ્ઞા વિરાજતી.

એના જીવનના સર્વે ઝોક એને લઇ જતા

પ્રતીકાત્મક દ્વારોએ, જે દ્વારા એ પ્રવેશતી

નિગૂઢ શક્તિઓ પાસે, પોતાની જ સગોત્ર જે;

સત્યની એ વિશેષજ્ઞા, પરમાનંદ-દીક્ષિતા,

નિગૂઢ પરિચારિકા,

એણે શિક્ષણ લીધું 'તું પ્રકૃતિની નિશાળમાં,

સર્જાયેલી વસ્તુઓના ચમત્કાર કેરું ભાન ધરાવતી

અદભુતાત્માતણી વેદી પરે એણે

નિજ હૈયાતણી ઊંડી ચિંતનાનાં રહસ્યો જઈને ધર્યાં;

અકાલ મંદિરે એની ઘટિકાઓ બની 'તી વિધિ ધર્મનો;

યજ્ઞ કેરી ક્રિયારૂપ એનાં કર્મ બન્યાં હતાં.

ઊર્ધ્વનાં ભુવનો કેરે લયે શબ્દ સજાયલો

પુણ્ય સાધનને રૂપે લેવાતો ઉપયોગમાં;

એના પ્રભાવથી બદ્ધ આત્મા મુક્ત બની જઈ

દેવોની-સ્વવયસ્યોની સાથે સંબંધ સાધતો.

 ૨૦


કે જીવન-ઉરે જેહ શ્રમ સેવી રહેલ છે

તેનાં રૂપો અભિવ્યંજક ને નવાં

એ ધડી કાઢવામાં સાહ્ય આપતો;

એ જે અસ્માર્ત્ત છે આત્મા મનુષ્યોની મહીં ને વસ્તુઓમહીં,

અજ્ઞાત ને અજન્માની પ્રાપ્તિ માટે સાધનાશ્રમ સેવતો,

અનિર્વાચ્ય થકી એક જ્યોતિને એ વહી જતો

અંત્ય ગુહ્યોતણા આડા પડદાને વિદારવા.

પ્રગાઢ તત્ત્વજ્ઞાનોએ દોર્યું ધ્યાન પૃથ્વીનું સ્વર્ગની પ્રતિ,

કે પાયાઓ પરે વિશ્વ-વિશાળા અવકાશ શા

અતિમાનસ શૃંગોએ પ્રેર્યું ઊર્ધ્વે મન પાર્થિવ લોકનું.

બાહ્ય નયનને નંદે કિંતુ છે જે ભીતરે તે છુપાવતી

રેખાઓને વટાવી પારમાં જઈ

શિલ્પકાર્ય અને ચિત્રકળા અંતર્દૃષ્ટિની સ્થિર ધાર પે

કરી એકાગ્ર ચિત્તને

પ્રતિમા પ્રકટાવંતાં છે જે અદૃશ્ય તેહની,

ઉઘાડો પડતાં એક રૂપમાંહે સારો અર્થ નિસર્ગનો,

યા એક પિંડમાં લેતાં પકડી ભગવાનને.

ને સ્થાપત્ય અનંતનું

એનાં અંતરમાં ધ્યાને લીન રૂપો આણતું હ્યાં પ્રકાશમાં

વિશાળી પૃથુતાઓમાં ઊર્ધ્વગામી શીલાતણી :

સ્વર્ગીય આસ્પૃહાઓને નીચે સંગીત લાવતું,

ગીત મુગ્ધ કરી હૈયું લઇ જાતું ઊંડાણોમાં પ્રહર્ષણી,

વિશ્વ-પોકારની સાથે માનવીના પુકારની

સંયોજિત કરી કડી;

વિશ્વની કરતી વ્યાખ્યા ગતિઓ નૃત્યની લયે

દેહની ભંગિમાઓના ને અવસ્થાન-સૌષ્ઠવે

મનની કલ્પનાને ને મનોહૃદયભાવને

ઘાટમાં ઢાળતી હતી;

કારીગરીતણાં કાર્યો નાનાં ને સૂક્ષ્મ રેખનાં

બનાવી નિત્યની દેતાં ઝડપી ક્ષણની સ્મૃતિ,

યા તો કોતરણી કેરા કલાયુક્ત પ્રસારથી

પ્યાલા કેરા નમૂનામાં રહેલી અણદીઠની

રૂપસંયોજનાઓ જે તેને બ્હાર બતાવતાં :

જંગમ જગતો જેવાં ઢળાયેલાં કાવ્યો બૃહત રૂપમાં, 

૨૧


ઉછાળા મારતા છંદો સિન્ધુસૂરતરંગ શા,

હૈયે પ્રકૃતિના તાળાબંધી જે મહિમા હતા

તેમને ભારતી કેરા ખોચોખીચ સમર્પી વૈભવો હવે

રૂપોમાંહે પ્રકૃતિનાં જે સૌન્દર્ય અને ઉદાત્તતા હતાં

તેમને પ્રકટાવતા,

અની રાગાવેગ વંતી ક્ષણોને ને એના માનસભાવને

આપતા રૂપ કાવ્યનં,

અને ઈશ-શબ્દ કેરી સમીપમાં

શબ્દને માનવી કેરા ઉઠાવી ઊર્ધ્વમાં જતા.

મનુષ્ય નયનો જોઈ શકતાં 'તાં ભોમોમાં ભીતરોતણી;

અંકના નિયમો શોધ્યા માનવીના નિરીક્ષણે,

ને વ્યવસ્થાબંધ કીધી ગતિઓ તારકોતણી,

માનચિત્રોમહીં મૂક્યાં દૃશ્યમાન રૂપશિલ્પો જગત્ તણાં,

કર્યો પ્રકટ સંદેહ પ્રક્રિયાઓ પ્રત્યે એના વિચારની,

મન ને જિંદગી કેરો રેખાલેખ

સિદ્ધાન્તોના પાયા પર બનાવિયો.

સાવિત્રીએ ગણી ખાધ સ્વ-સ્વભાવતણું આ લીધ વસ્તુઓ,

કિંતુ આ એકલી એનો વિશાળાત્મા ભરવા શકત ના હતી :

થતી સીમિત લાભોએ માનવી ખોજ એ હતી,

હજી સહજ પોતાના પ્રકાશે નવ દેખતા

એક બાલક આત્માનાં મોટાં આરંભકાળનાં

પગલાં દૈવ-આધીન એ એને લાગતાં હતાં

ચકાસતા ટકોરાઓ મારીને જે હતો વિશ્વ પરીક્ષતો,

યા સત્ય-મનનો માપ કાઢતો ગજ ઝાલવા

પ્રસાર પામતો હતો;

અસંખ્ય બાજુઓ પ્રત્યે વૃદ્ધિ ચાલી રહી હતી,

કિંતુ સૌથી વિસાળું ના હતું દર્શન આત્મનું,

ન 'તો સ્પર્શ વિશાળો ને સીધો હજુ સમીપનો,

કલા ને જ્ઞાન દેવોનાં ન 'તાં પ્રાપ્ત થયાં હજુ.

જ્ઞાન મર્યાદથી મુક્ત, વધુ મોટું માનવીના વિચારથી,

સુખ એવું ઉચ્ચ કે જે હૈયાથી કે સંવેદે પ્રાપ્ત ના થતું

ને જે જગતમાં તાળાબદ્ધ હોઈ

છૂટવાની ઝંખના કરતું હતું,

આ પોતામાં લહેતી એ;

૨૨


આત્મા એનો રૂપ કેરી વાટ જોતો હતો હજુ,

પ્રતિક્ષિપ્ત થયા વિના

એનો સહજ રાજત્વપૂર્ણ પ્રતાપ ઝીલવા

હોય સમર્થ એવા એ સ્વભાવો માગતો હતો,

એનું માહાત્મ્ય, માધુર્ય અને પરમ સંમુદા

સ્વામિત્વાર્થક સામર્થ્ય અને એની

વિશાળ પ્રેમની શક્તિ ઝીલે એવા સ્વભાવો માગતો હતો :

સ્વર્ગને જીતવા માટે પગલું માંડવાતણું

પૃથ્વી પગથિયું બની,

માર્યાદિત કરી દેતી સ્વર્ગ કેરી

સીમાઓની પાર ચૈત્ય વિલોકતો,

મહાજયોતિતણો ભેટો થતો એને

આવતી જે હતી અજ્ઞેયમાંહ્યથી,

સેવતો એ હતો સ્વપ્ન સર્વોચ્ચ કાર્યક્ષેત્રનાં.

સર્વમાં એક વિશ્વાત્મા છે એવા ભાનથી ભરી

સાવિત્રી જીવતાં હૈયાં ને મનુષ્ય સ્વરૂપોની ભણી વળી;

પ્રતિબિંબો હતાં એ સૌ એના ચૈત્ય સ્વરૂપનાં,

હતાં પૂરક ને એનાં પ્રતિરૂપો, નિજાત્મના

અંશો નિકટના બાહ્યવર્તી એ સઘળાં હતાં,

દેહ ને મનની ભીંતો અળગાં પાડતી હતી,

છતાં એના નિજાત્માની સાથે દિવ્ય સંબંધે સંકળાયલાં.

અદૃશ્ય વાડ ને છદ્મ-મોરચાઓ અભિભૂત કરી દઈ

ને જુદો જીવથી પાડે જીવને તે જીતી એકલતા લઇ,

ઈચ્છતી એ હતી એક સીમામુક્ત  સમાલિંગન  સર્જવા,

જેની મધ્યે વસાવે એ સર્વ જીવંત વસ્તુઓ,

એમને બ્હાર કાઢીને ભેદ કેરી ઊંડી અચેત ફાટથી

ને ઉદ્ધારી એમને સર્વને લઇ

દૃષ્ટિવંતી જ્યોતિ કેરા ભવ્યતા ભર ભાવમાં

એકાકાર બનાવી દે

પ્રભુ સાથે, જગત્ સાથે, ને પોતાની સાથે સમસ્ત એમને.

એના આહવાનને માત્ર થોડા ઉત્તર આપતા :

એથી થોડા લહેતા  ' તા  અવગુંઠિત  દિવ્યતા

ને સ્વ-દૈવતની સાથે

એના દૈવતને સામ્યે સ્થાપવા મથતા હતા,

૨૩


એની ઉત્તુંગતા પાસે જતા રાખી સગાઈ કો પ્રકારની.

જયોતિર્મય રહસ્યોની પ્રત્યે ઉદ્ધાર પામતા

કે સભાન થતા ઊર્ધ્વે ચૂપેલા મહિમા પ્રતિ,

ક્ષણના ઝબકારમાં છલંગીને એની ઓળખ પામતા,

સ્વર્ગીય એક વિસ્તારે ઝાંખી કરંત જ્યોતિની,

કિંતુ દર્શન ને ઓજ ટકાવી શકતા ન તે,

ને આવી પડતા પાછા જિંદગીના મંદ સામાન્ય ભાવમાં.

દિવ્ય પ્રયોગ માટેનું મન સાહસ સેવતું

લહેતા તે હતા પાસે કો વૈશાલ્ય પ્રત્યે વિકાસ સાધતું,

ઉત્સુકત પરસે સીમા અણજાણતી તેઓ તપાસતા

છતાં કેદ પુરાયેલા હતા તેઓ સ્વભાવે નિજ માનવી :

અશ્રાંત પગલે એ જે જતી તેની

સાથે તેઓ ચાલવાને સમર્થ ના;

એની વિશાળ વેગીલી ઇચ્છાશક્તિ આગે અત્યંત વામણા

અને આતુર તે હતા,

અજન્મા જે હતી દૃષ્ટિ અનંતની

તેનાથી દેખવા માટે હતો અત્યંત સાંકડો

સ્વભાવ તેમનો થાકી જતો અત્યંત મોટી વસ્તુઓ થકી.

કેમ કે જે હતા એના વિચારોના ભાગીદાર ઘનિષ્ઠ ને

એના કિરણની છેક પાસે ચાલી શક્યા જે હોત, તે જનો

સુદ્ધાં આરાધતા   માત્ર

એની મહીં લહેવાતી શક્તિને ને પ્રકાશને

કિંતુ એના આત્મા કેરા પ્રમાણની

શકતા ના કરી તેઓ બરાબરી.

હતી એ મિત્ર ને તેમ છતાં એને સર્વથૈવ પિછાનવા

માટે મોટી હતી એ હદપારની,

મહત્તર પ્રભા પ્રત્યે ચાલતી એ એમને મોખરે હતી,

એમનાં હૃદયોની ને આત્મા કેરી

દોરનારી હતી એ ને હતી રાણીય એમની,

અંતરંગ હતી હૈયે છતાં દિવ્ય સુદૂરની.

પગલાં ભરતી મોટાં જોઈ એને જનો આશ્ચર્યથી ભર્યા

પ્રશંસા કરતા હતા,

માણસોના ગજા માટે હતાં જે અતિ દૂરનાં

તે શૃંગોએ ચઢવાના પ્રયાસમાં

૨૪


દેવોને યોગ્ય આવેગે ધસતી એ છલંગતી

કે જવલ્લે ક્લ્પવાં પણ શક્ય તે

લક્ષ્યો પ્રત્યે ધીર ધિંગા બહુદેશી પરિશ્રમે

જોઈ એને જોશથી વધતી જતી

અહોભાવ ધરાવતા,

ને તો ય તે બની બેળે જતા એના સૂર્ય કેરા ઉપગ્રહો,

ને જતી કરવા એની જ્યોતિ કોઈ સમર્થ ના,

લંબાવી હાથ તે એને બાઝવાની આકાંક્ષા રાખતા હતા

યા તો એણે રચ્યા માર્ગો

પર ખાતા ઠોકરો એ પીછે પીછે જતા હતા.

અથવા અભિલાષા એ રાખી પ્રાણ અને પિંડ ઉભે વડે

હૈયાના પોષણાર્થે ને આલંબાર્થે એને બાઝી પડંત તે

ડોળા માનવના પ્રેમે એને આરાધતા હતા,

આત્મા મહાન એનામાં હતો તેને પકડી શકતા ન તે

કે સાન્નિધ્યથકી એના પલટી ના એના જેવા બની જતા.

કેટલાક નિજાત્મામાં સરોમાંચ એને સંવેદતા હતા;

લહેતા નિકટે એક મહત્તાને મનથી જે સમજાતી હતી નહીં;

એનું દર્શન આહવાન હતું આરાધનાતણું,

એની નજીકમાં હોવું તે એક અનુબંધતી

શક્તિ ઊંચી આકર્ષી લાવતું હતું.

આવી રીતે સમર્ચે છે મનુષ્યો એક દેવને

ન જેને જાણવા કેરું એમના જ્ઞાનનું ગજું,

જે એવો ઉચ્ચ ને મોટો છે કે ધરતો નથી

રૂપ સીમાબદ્ધ એને બનાવતું;

સંવેદે એક સાન્નિધ્ય તેઓ, એક ઓજને અનુવર્તતા,

આક્રમે એમનાં હૈયાં જેનો હર્ષ એવો સ્નેહ સમર્ચતા,

દિવ્યોત્સાહ જગાડે જે હૈયાની ધબકોમહીં,

હૈયાને ને જિંદગીને જે મહત્તા સમર્પતો

એવા એક નિયમે ચાલવા રહે.

નવી દિવ્યતરા એક હવા શ્વાસ માટે ખુલ્લી થયેલ છે,

અને ખુલ્લું થયેલું છે મનુષ્યાર્થે

જગ એક વધુ મુક્ત, સુખી વધુ :

સોપાનો ઉચ્ચ એ જોતો આરોહંતાં બ્રહમે ને બ્રહ્યજ્યોતિએ.

સાવિત્રીના દિવ્ય અંશો ચૈત્યાત્માની નિષ્ઠાને સાદે આપતા : 

૨૫


જોતો એ ને લહેતો એ, અને દૈવત જાણતો.

સંકલ્પ કરતો રાજ્ય સાવિત્રીનો

માણસોનાં કાર્યો પર સ્વભાવનાં,

અખૂટ જેહ માધુર્ય એના હૃદયમાં હતું

તે તેઓનાં હૃદયોને લુભાવતું,

ચાહતા તે હતા એક સત્ત્વ જેની

સીમાઓ તેમની સીમા પાર પાર પહોંચતી;

એના પ્રમાણને તેઓ પહોંચી શકતા નહીં

કિંતુ એનો સ્પર્શ તે સેવતા હતા,

સૂર્યને પુષ્પ આપે છે તેવો ઉત્તર આપતા

અર્પી એને આત્મ દેતા અને એથી કૈં ના અધિક માગતા.

મોટી અધિક પોતાથી ને વિશાળેય એટલી

હતી એ એમનાથી કે દૃષ્ટિ એને પહોંચી શક્તિ ન 'તી,

એને સમજવા માટે અપર્યાપ્ત એમનાં માનસો હતાં,

એને પૂર્ણતયા એ જાણતાં ન 'તા,

 સંચાલિત થઇ એને શબ્દે જીવન એમનાં

એના જીવનને ઉત્તર આપતાં :

લહેતા એ હતા એની મહીં કો એક દેવતા,

એના આહવાનને આધીન વર્તતા,

માર્ગદર્શન એનું એ અનુવર્તતા

અને જગતમાં એનું કાર્ય એ કરતા હતા;

બળાત્કારે જીવનો ને સ્વભાવો એમના થતાં

એના જીવન ને એના સ્વભાવે સંપ્રવર્તતાં

જાણે કે પૃથિવી કેરી પરાકાષ્ઠા પાર ઊંચે ચઢાવવા

તેમના જ વિશાળતર આત્મના

સત્યે ધાર્યું હતું એનું સ્વરૂપ દિવ્યતાતણું .

એમને લાગતું 'તું કે કો મહત્તર ભાગ્યનો

થયો 'તો એમને ભેટો નિજ જીવનમાર્ગમાં;

એમનો હાથ ઝાલીને એમને કાજ માર્ગ એ

પસંદ કરતી હતી :

મોટી અજ્ઞાત ચીજોની પ્રત્યે તેઓ

એના દ્વારા સંચાલિત થતા હતા,

હતી આકર્ષતી શ્રદ્ધા,અને પોતે

એના છે એ આનંદ ખેંચતો હતો;

૨૬


એનામાં વસતા તેઓ, એની આંખે જોતા જગતને હતા.

વળતા 'તા કેટલાક એની પ્રત્યે

રુચિ સામે થઈને સ્વ-સ્વભાવની;

અચંબાની અને બંડખોરી વચ્ચે વિભક્ત કો

આકર્ષાતા હતા એની મોહિનીથી

વશીભૂત એના સંકલ્પને થઇ,

એના બની જતા તેઓ અને એને પોતા કેરી બનાવવા

પ્રયાસ કરતા હતા,

અધીરાઈ દાખતા 'તા અધીન એ,

ને પોતે  જે બંધનોની સામે સૌથી વધારે ફરિયાદનો

પોકાર કરતા હતા

તેમને દૃઢ બાઝીને રહેતાં 'તાં

લાલસાએ  ભર્યાં  હૃદય એમનાં.

એના સૌન્દર્ય કેરી ને પ્રેમ કેરી પ્રતાપે પૂર્ણ ઝૂંસરી

સામે તેઓ હતા બબડતા જતા,

અને હોત રડયા જો તે પડી હોત ગુમાવવી :

બીજા જીવનની અંધ

કામનાઓ લઇ એની પીછે પીછે જતા હતા,

ને તેઓ માગતા એને

પૂરેપૂરી એકમાત્ર પોતાની જ બનાવવા,

જે માધુર્ય હતું સર્વે જનો કાજ

તેને તેઓ પચાવી પાડવા માટે બની જાતા ઉતાવળા.

પૃથ્વી જે રીતે પોતાના આગવા ઉપયોગને

માટે દાવો કરે છે જ્યોતિની પરે,

તે રીતે લોક લેવાને સાવિત્રી માગતા હતા

અદેખાઈ ભર્યા માત્ર પોતાના બાહુચક્રમાં,

પોતાની છે બદ્ધ તેવી ચેષ્ટાઓ તે એની પાસેય માગતા,

ને પોતાની ક્ષુદ્રતાની પ્રત્યે ક્ષુદ્રભાવી ઉત્તર માગતા.

કે હતા તે ચિડાતા કે આવતી એ એમની પકડે નથી,

ને એને અભિલાષાના પાશે બાંધી

રાખવાની આશા એ કરતા હતા.

યા ઈચ્છેલો સ્પર્શ એનો સ્હેવા માટે જણાતાં અતિ આકારો

પોતે જેને હતા  ચ્હાતા

તે અત્યાચારને માટે દોષપાત્ર એને જ ગણતા હતા,

૨૭


અત્યુગ્ર સૂર્યથી જેમ

તેમ સંકોચ પામીને ભરાઈ જાતમાં જતા,

છતાંય ઇનકારેલી દીપ્તિ માટે ઉત્કંઠિત થતા હતા.

માટી દુર્બળ તેઓની ભાગ્યે જેને સહેવાને સમર્થ, તે

એના મધુર ને ભાવાવેગે સભર રશ્મિની

પર મુગ્ધ થતા રુષ્ટ સ્વભાવથી,

વાંછતા કિંતુ, વાંછેલો સ્પર્શ આવ્યે

એની સામે પોકારી ઊઠતા હતા,

જોવાની આટલી પાસે દિવ્યતાને યોગ્ય તેઓ હતા નહીં,

ધામ જે શક્તિનું પોતે બનવાને સમર્થ ના

તેની પ્રત્યે દાખતા અસહિષ્ણુતા.

કેટલાક અનિચ્છાએ આકર્ષાતા એના દિવ્ય પ્રભાવથી,

મીઠી પણ વિદેશી કો મોહિની શો લેતા 'તા એહને સહી,

અત્યંત ઉચ્ચ કક્ષાએ ચઢવા અસમર્થ એ

પોતાની ભૂમિએ એને ખેંચીને લાવવાતણી

આસ્પૃહા રાખતા હતા.

યા તો એની આસપાસ પોતાનાં અનુરાગથી

ભરેલાં જીવનોને તે બેળે બળે ચલાવતા,

આત્માઓને એમના છે જેણે દાસ બનાવિયા

તે એના મહિમાને ને એના કૃપા-પ્રસાદને

પોતાનાં હૃદયો કેરા માનુષી ઉપયોગની

સાથે બાંધી રાખવાની આશા અંતર રાખતા.

 

કિંતુ આ જગમાં એના સાદને જે

હૃદયોએ હતો ઉત્તર આપિયો

તેમાંનું ન હતું એકે શક્તિમાન થવા એનું સમોવડું,

સહચારી સખા થવા.

પોતાની તુંગતાઓને એમના શી બનાવવા

અમથી જ એ નીચે નમતી હતી,

ક્ષુદ્ર જીવોતણા શ્વાસોચ્છવાસ માટે

તે હવાની શુદ્ધિ ઝાઝી વધારે પડતી હતી.

આ સૌ સાથી સ્વરૂપોને બૃહત્તાઓ પ્રત્યે નિજ લઇ જવા

ને ભરી તેમને દેવા નિજ ઓજ એનું હૃદય વાંછતું,

કે જેથી કો શકિત દિવ્યતરા કેરો થાય પ્રવેશ જીવને 

૨૮


અને પ્રભુતણે પ્રાણે માહાત્મ્યોને  પામે માનવના દિનો.

તેમની ક્ષુદ્રતા પ્રત્યે જોકે તે ઝૂકતી હતી

ઓજસ્વી ને ભાવપૂર્ણ સ્વહસ્તોએ

તેમનાં જીવનોને આવરી લઇ,

જરૂરો ને કમીનાઓ તેમની એ જાણતી સમભાવથી

ને તેઓની જિંદગીનાં છીછરાં શાં ઊંડાણોમાં તરંગતાં

ડૂબકી મારતી હતી,

હર્ષ ને શોકની હૈયા-ધબકોને તેમની મળતી હતી

અને તેમાં પોતે ભાગ પડાવતી,

તેમના દુઃખ ને ગર્વ કેરા ઘાવ રુઝાવવા

લળીને ઝૂકતી હતી,

નિજ એકાંત શૃંગોએ પોતાની શક્તિ જે હતી

તેને છૂટે હાથે એ આપતી હતી

તેની પ્રત્યે ઉઠાવીને લઇ જાવા

તેઓ કેરી અભીપ્સાના પુકારને,

ને જોકે સ્વબૃહત્તાની પ્રતિ આત્મા તેમના કર્ષતી હતી

ને પોતાનાં અગાધોના મૌનથી એ તેમને ઘેરતી હતી,

છતાં એ માત્ર  પોતાના સ્થૂલ ને બાહ્ય ભાગથી

સોંપણી  એ સમાલતી

તે તેઓની મર્ત્યતાની સાથે મિશ્ર કરતી નિજ અગ્નિને :

મહત્તર સ્વરૂપે એ અંતરે એકલી હતી,

કોઈનો યે દાવો ત્યાં નવ ચાલતો.

મૂક પ્રકૃતિનાં ક્ષોભ અને શાંતિમહીં ઘણીય વાર એ

હતી સંવેદતી એક સંનિધાન સ્વસ્થ ગંભીરતાભર્યું;

એની અંદરની શક્તિ પૃથ્વી કેરી અવમાનુષ સંતતિ

આકર્ષી લાવતી હતી;

પશુ-પંખી અને પુષ્પ-પાદપોનાં

પ્રદીપ્ત ધારતાં રંગ જીવનો વૈભવે ભર્યાં

નિજાત્માના વિશાળા ને મુક્ત આનંદ સાથ એ

સંયુક્ત કરતી હતી.

તેઓ સરળ હૈયાએ એને ઉત્તર આપતાં.

સંક્ષુબ્ધ કરતુ કૈંક તમોગ્રસ્ત નિવસે છે મનુષ્યમાં;

એ દિવ્ય જ્યોતિને જાણે છે, પરંતુ એથી વિમુખ થાય છે,

એને વધુ રુચે કાળું અજ્ઞાન વિનિપાતનું.

૨૯


આકર્ષાઈ ઘણા જેઓ  આવ્યા એની સમીપમાં

તેઓમાંથી  ક્યાંય કોઈ એવો એને મળ્યો નહીં

જે એનાં ઉચ્ચ કાર્યોમાં ભાગીદાર બની રહે,

મળ્યો ના આત્મનો સાથી, પોતાના જ અન્ય એક સ્વરૂપ શો,

એની સાથે જ સર્જાયો, એકરૂપ પ્રભુ ને પ્રકૃતિ સમો.

કેટલાક મળ્યા જેઓ તેઓ માત્ર અંદાજે સરખા હતા,

સ્પર્શાયા તે, ભભૂક્યા તે, અંતે નિષ્ફળ નીવડયા.

માગણી અતિશે મોટી હતી એની,

શક્તિ એની વિશુદ્ધ હદપારની.

આમ સૂર્ય સમી આસપાસ કેરી ધરાને અજવાળતી,

અંતરતમ આકાશે તે છતાં યે ગોલ  એક અલાયદો,

ગાઢમાં ગાઢથી એને દૂરતા કો વિખૂટી રાખતી હતી.

પ્રતાપી ને પૃથક્ એનો રહેતો 'તો આત્મા દેવો રહે યથા.

 

વિશાળા વિશ્વની સાથે કડી એની હજી જોડાયલી ન તી;

બાલાં ઉત્સુક હૈયાંના છોટા શા એક મંડલે

એના આત્માતણું રાજ્ય હતું આરંભકાળનું

અને પાઠશાળા યે માનુષી હતી,

જીવન-મૃત્યુ પાસેથી શિક્ષા એણે શરૂ કરી,

દેવોના બાલ-ઉધાને નિજ સંતુષ્ટ એ હતી,

ફૂલ જેમે પ્રફુલ્લે કો આવજા વણના સ્થળે.

પૃથ્વી ઉછેરતી 'તી એ નિવાસી અગ્નિજોતને

હજીયે જે ભાનવાન થઇ ન 'તી,

છતાં ઊંડાણમાં કૈંક સ્ફુરતું 'તું ને ઝાંખું જાણતું હતું,

હતી ગતિ અને સાદ અનુરાગભર્યો હતો,

સપ્તરંગી હતું સ્વપ્ન, હતી આશા સોનેરી પલટાતણી;

અપેક્ષાની છુપાયેલી પાંખ ફફડતી હતી,

નવું, વિરલ, સૌન્દર્યપૂર્ણ કૈંક ,

તેનું ભાન વૃદ્ધિગંત થતું હતું

અને તે કાળને હૈયે ચૂપચાપ સંચાર કરતું હતું. 

પછી તો ભૂમિને સ્પર્શી એને અંગે આછી એક જનશ્રુતિ,

ભાખેલી અંતરાત્માએ છૂપી જરૂરિયાત શી

શ્વાસ લેતી બની ગઈ ;

સાવિત્રીની મળી ભાળ આંખને વ્યાપ્ત વિશ્વની.

૩૦


ચારણી સ્તુતિના સૂરો ઊઠયા આશ્ચર્યથી ભર્યા.

ચાવી પ્રકાશની એક

રખાયેલી હજી આત્મ-સત્ તાની દેખભાળમાં,

સૂર્ય-શબ્દ પુરાણા કો ગુહ્યના ગૂઢ અર્થનો,

ઓઠેથી માનવો કેરે ઓઠે દોડ્યું, 'સાવિત્રી' નામ ગુંજતું;

પ્રેરિત કવિતા જેવું હતું એહ ઉદાત્ત અથ મીઠડું

જનશ્રુતિતણા વાની મહાકાવ્ય સમોવડી

વીણા ઉપર વાગતું,

કે કીર્ત્તિ કવયિત્રીને કંઠે આલાપ પામતા

સ્તોત્રાત્મક વિચાર શું.

કિંતુ આ ભક્તિનો માર્ગ હતો એક સુપવિત્ર પ્રતીક શો.

એના સૌન્દર્ય કેરી ને દીપ્તિમંત પ્રભાવની

થતી હતી પ્રશંસા, ના એને માટે પ્રાર્થના કોઈ આવતી,

સ્પર્શી શકાય ના એવાં હતાં એ ને પકડે આવતાં ન 'તા,

આથમ્યા દિનની સાથે રમતી હોય વીજળી

એવાં દૂર થકી દર્શન આપતાં

હતાં એ મહિમા એક અગમ્ય દિવ્યતાતણો,

કોઈ હૃદય આવ્યું ના જોડાવાને એના હૃદયની કને,

પાર્થિવ ક્ષણજીવી કો પ્રેમે એની શાંતિને આક્રમી નહીં,

એને હરી જવા કેરું બળ ન્હોતું કો વીર અનુરાગમાં;

પ્રતિ-ઉત્તર દેનારાં

એનાં લોચનને માટે માગણી ના કોઈ યે લોચને કરી.

એની અંદરની શક્તિ

અપૂર્ણ માંસમાટીમાં ભય-ક્ષોભ જગાડતી;

આપણી મૃત્તિકામાં જે પ્રતિભા છે સ્વાત્માને પરિરક્ષતી

તેણે વર્તી હતી દેવી નારી કેરા સ્વરૂપમાં,

ને પાછી પડતી 'તી તે સ્પર્શ પાસે પોતાની જાતિથી જુદા,

ઇન્દ્રિયે કરતા કાર્ય પ્રાણ કેરી સંકુચિત બનાવટે

બંધાયો છે સ્વભાવ પૃથિવીતણો.

મનુષ્ય-હૃદયો માગે મુગ્ધ ભાવે સગાઈ મૃત્તિકાતણી,

આત્માઓને સહે ના એ એકાકી ને ઉચ્ચ, જે આણતા અહીં 

અમર્ત્ય ભુવનોમાંથી વૈશ્વાનરીય સૂચનો,

સ્વર્ગની સાથ સંબંધ બંધાવાને જીવો જે જનમ્યા નથી

તેમને કાજ અત્યંત ભૂમિકાઓ વિરાટ એ.

૩૧


અત્યંત હોય જે મોટો તેને માટે છે ઐકાંતિક જીંદગી,

આરાધતો એકલો એ વિચરે છે વિશાળા વિજન સ્થળે;

પોતા જેવાં સર્જવાનો શ્રમ એનો વૃથા જતો,

સાથી એનો એકમાત્ર બળ અંતરમાં રહ્યું.

થોડોક કાળ સાવિત્રી માટે આવું બની ગયું, 

સાશ્ચર્ય અર્ચતા 'તા સૌ, દાવા માટે ન 'તું સાહસ કોઈનું.

રેલુતું રશ્મિ સોનેરી મન એનું હતું ઊર્ધ્વ વિરાજતું,

હૈયું એનું હતું પૂર્ણ ભર્યું આનંદ-મદિર.

પૂર્ણતાના ગૃહે એક પ્રકટાવેલ દીપ એ,

પૂજારી વણના દેવમંદિરે એ મૂર્ત્તિ ઉજ્જવલ ને શુચિ,

આસપાસતણા મોટા સમૂહોની મધ્યમાં વસ્તી હતી,

એકલી આપમાં રે'તી, આવ્યો એનો દિન ત્યાં સુધી.

૩૨


 

બીજો  સર્ગ  સમાપ્ત