|

પ્રથમ સર્ગ
જ્વાલાનો જન્મ અને
બાલ્ય
વસ્તુનિર્દેશ
જગદંબાનાં દિવ્ય દર્શન કરી, માનું વિશ્વોદ્વારક વરદાન મેળવી, અને
એમના અલૌકિક આદેશને અપનાવી લઇ રાજા અશ્વપતિ પૃથ્વી ઉપરના પોતાના જીવનકાર્યને પૂરું
કરવા પોતાના રાજ્યમાં પાછો ફર્યો.
પૃથ્વી તો પોતાની અંતહીન યાત્રામાં સૂર્યની પ્રદક્ષિણા કરતી જતી
હતી. અવકાશના નિગૂઢ હૃદય સાથે એનું આત્માનુસંધાન તો ચાલ્યા જ કરતું હતું. એક અપ્રકટ
ઘટના પ્રતિ એની ગતિ પ્રગતિ સાધતી થઇ રહી હતી. પ્રકાશના પ્રભુની પરિક્રમા કરતાં
કરતાં એક પછી એક ઋતુમાં એનું જીવન પ્રવેશ કરતું હતું.
આકરો ઊનાળો આવ્યો અને ઉગ્ર મધ્યાહનોએ અત્યાચાર આદર્યો. ત્યાર પછી આવી વર્ષા
ઋતુ. દૂરના સાગરોમાંથી તોફાનની પાંખે ઊડતાં ઊડતાં એનાં વાદળાં ઘનઘોર
છવાવા માંડયાં. ઘોર ગડગડાટોએ અને આંજી દેતી વિદ્યુતોએ પૃથ્વીને ને સ્વર્ગને આક્રાંત
કર્યાં, પૃથ્વીના પ્રિયતમ સૂર્યને સંતાડી દીધો અને એની દૃષ્ટિ પ્રિયતમા ઉપર ન પડે
એવાં આવરણો આડે નાખ્યાં. દેવોનાં જાણે દુંદુભિઓ માથે ગડગડયાં, તેજસ્વી ભાલાઓ અફાટ
ઊછળવા લાગ્યા. દિવસો સુધીની હેલીઓ, પ્રવાહોનાં પ્રબળ પૂર, નાનાંમોટાં નદીનાળાંની
રેલમછેલ, કાદવનાં કળણો, રાત્રિમાં પલટાઈ ગયેલા દિવસો, કદીક ઝરમર ઝરમર તો કદીક
ધોધમાર વરસાદ પછી વાતાવરણ ધીરે ધીરે સ્વચ્છ થવા માંડયું ને શરદે સૂર્યની સખી
પૃથ્વીને શુભ્ર શુભ્ર સજી દીધી. પ્રભુ સમીપ પધારી રહ્યા હોય તે સમયે અનુભવાતી શાંતિ
સમાગમ માટે આવી. કાળે પોતાના પરમાનંદના ખજાના ખોલી નાખ્યા. હૃદયની સુખમયી
ધ્યાનમગ્નતા, આશા ને ઉલ્લાસ વાતાવરણમાં વ્યાપ્યાં ને અંતરાત્મા દિવ્યતર જ્યોતિ
પ્રત્યે ઊર્ધ્વમુખ બની ગયો. આંતર દૃષ્ટિએ અદૃષ્ટ સૂર્યની આરાધના આરંભી.
ગર્ભસભર હોરાઓનું નિરીક્ષણ કરતી આમ ત્રણ વિચારવંત ઋતુઓ
પ્રકાશને પગલે આવી અને ગઈ. પછી આવી હેમંત ને શિશિર ને અંતની અંતિકે
આવેલા વરસે શાંત સુષમાની સૌમ્ય સુખમયતા ધારણ કરી.
હવે આવ્યો વસંતનો વારો. ઉત્સાહથી ઊભરાતો એ પ્રેમી નવ પલ્લવ ને પર્ણોના
પુંજમાંથી છલંગ મારી બહાર આવ્યો ને વસુધા-વધૂને એણે આલિંગનમાં લીધી.
૨
એના આગમનની સાથ સાતે રંગની શોભા પુરબહારમાં પ્રકટ થઇ,
આનંદનાં રમણીય રાસચક્રો રચાયાં, એનો સાદ પારપારનાનો સ્પર્શ પ્રાપ્ત
કરવા માટેનો પોકાર બની ગયો. એને સ્પર્શે જીવનનું શ્રાંત હૃદય નવલોહિયું
ને નંદનનંદન બની ગયું. પૃથ્વીને એણે દેવોના બાહુઓમાં સમર્પી, ને
એકમાત્ર ચુંબનથી એને મનોહર બનાવી દીધી. પ્રભાધામની પ્રેરણાઓ રક્તમાં
તરવરવા લાગી, કોકિલને કંઠે એણે પ્રેમની પાગલતાનો પ્રચાર કરવા માંડયો.
રંગ, ઉમંગ અને પાંખવંતા પ્રેમગીતોએ સારી સૃષ્ટિને સૌન્દર્યનો સુવાસી
આવાસ અને મંગળોનો મહોત્સવ બનાવી દીધો.
દેવોના આ અલૌકિક અવસરે પૃથ્વીના આનંદ માટેના પોકારને પ્રત્યુત્તર
વાળ્યો અને આપણાં ઊર્ધ્વનાં ધામોમાંથી એક મહિમા ઊતરી આવ્યો, એક અલૌકિક
પ્રદીપ પેટાવાયો, મધ્યસ્થ બનેલું રશ્મિ પૃથ્વીને સ્પર્શ્યું ને
મનુષ્યના મનની ને પ્રભુના માનસની વચ્ચે આવેલી ઊંડી ખાઈ ઉપર એક પુલ
બંધાયો. પોતાના દિવ્ય પ્રભવના ભાનવાળી એક શિવાત્મશક્તિ પૃથ્વીની
અપૂર્ણતાના ઢાળમાં ઢળાઈ, પારપારની ભૂમિકાઓમાંથી મર્ત્ય જીવનનો બોજો
માથે લેવાને એ પાછી અવતરી અને એણે અધૂરું રહેલું પોતાનું કાર્ય પૂરું
કરવાને માટે પાછું હાથમાં લીધું.
એ હતી પ્રકૃતિના હૃદયમાં રહેલી ગૂઢજ્ઞાનમયી માતૃશક્તિ. શ્રમભર્યું
કાર્ય કરી રહેલા ને અપેક્ષા રાખનારા હૃદયમાં આનંદ રેડવાનો હતો, જીવનનાં
ઠોકરો ખાતાં બળોમાં દબાણ આણીનેય પૂર્ણતા પ્રકટાવવાની હતી, તમોગ્રસ્ત
પાતાલોમાં પરમ ધામની ચેતના આણવાની હતી, મૂગા જડતત્ત્વને એના પોતાના
પ્રભુનું ભાન કરાવવાનું હતું. આ લંબાતું જતું કામ પાછું એણે ઉપાડી
લીધું. યુગો એને નિરુત્સાહમાં નાખી શક્યા ન હતા, મૃત્યુનો ને
દુર્ભાગ્યનો વિજય એણે કબૂલ રાખ્યો ન હતો. એ શાશ્વતના બળનાં બીજ વેરે
છે, હૃદયના કર્દમમાં દેવોનું નંદન રોપે છે, મૃત્યુના છળવેશની પાછળ
અમૃતત્વ છુપાવી રાખે છે.
સાવિત્રી રૂપે આ શક્તિએ જન્મ લીધો. સૂર્યોની મહામુદાએ એને દિવ્ય
અચેતનતાને પારણે ઝુલાવી. એના આત્માનો ને માનવ સ્વરૂપનો સંબંધ સ્થપાઈ
ગયો. અંધકારની ગુહામાંચિન્મય જ્યોતિ ધીરે ધીરે વ્યાપી ગઈ, દિવ્યતાનું
બીજ અંકુરિત થયું, મુકુલિત ને તે પછી પુષ્પિત થઇ ગયું. બાલિકાને પોતાના
સુદૂરના દિવ્ય ધામની સ્મૃતિ હતી. એના બાલ્યની ચેષ્ઠાઓમાંય પૃથ્વીથી પર
પારની જ્યોતિનું સાન્નિધ્ય વર્તાઈ આવતું હતું. શાશ્વતતાના ભાવોમાં
ભાગીદારી હતી, દેવોને સહજ વિચારો એને આવતા હતા.
સર્વની વચ્ચે હોવા છતાં એનો સ્વભાવ નિરાળો હતો. એનું જીવન પૃથ્વી ઉપર
સ્વર્ગની મુદ્રા મારતું હતું. એને માટે પ્રત્યેક પળ સૌન્દર્યના હૃદયનો
ધબકાર બની ગઈ હતી. એનો આત્મા પિતા એવા સવિતા સૂર્યની સમીપમાં જ રહેતો
હતો. સારી સૃષ્ટિ સાથે એ સહજ ગૂઢ એકતામાં રહેતી. એનો આત્મા
દેવાત્માઓનું પ્રમાણ સાચવી રહ્યો હતો, હેમ-ધામમાં રહેલી આ દેવતાને
ચમત્કારી ચન્દ્રમાઓમાંથી
૩
ચક્રની આવતી કલ્પનાઓ પરમાત્મપુષ્ટિઓ પૂરી પાડી રહી
હતી. એની અંદર અવતરેલી શક્તિ એના આખાયે આધારને ગહન સત્યોની સરૂપતા આપતી
હતી.
પરા પ્રકૃતિ સાથે એ એકાત્મતામાં રહેતી હતી. એનામાં એક નવો આવિર્ભાવ
મૂર્તિમંત થયો હતો. સત્યજ્યોતિ એનું માનસ બની ગઈ હતી. અલૌકિક લયો લહેતી
શક્તિ એનું જીવન બની ગઈ હતી. એનો દેહ ગુપ્ત દેવત્વથી અનુપ્રાણિત બનેલો
હતો. આગામી પ્રભુનું સ્વરૂપ એનામાં તૈયાર થઇ રહ્યું હતું.
સાવિત્રી મોટી થતી ગઈ તેમ તેમ એની અંદરની દિવ્યતા વધારે ને વધારે બાહ્ય
સપાટી પર પ્રકટવા લાગી. ચારુતર ચિજજ્યોતિ, માધુર્યપૂર્ણ ગભીર દૃષ્ટિ
એના દ્વારા ક્ષણભંગુર જગતને જોતી હતી. એનામાં એક મહયોધ સત્યના મણિમય
સિંહાસનની ચોકી કરતો પહેરો ભરતો હતો. એનું હૃદય સ્નેહનો સુધાકર હતું,
સર્વેને એ ચાહતું, ચૂપચાપ, અક્ષરે બોલ્યા વગર. સ્વર્ગની ગંગાની જેમ એની
અંદર પ્રાણ પ્રવહતો હતો. અનેક ઉચ્ચ દેતાઓએ એને પોતાનું ધામ બનાવી હતી.
સત્ત્વની સંવાદી એકતા એનામાં ભારોભાર ભરેલી હતી. અનેક સુસ્વરોનો સૂરમેળ
એના જીવનનું સંગીત બની ગયો હતો.
એનું શરીર સ્વર્ગની પારદર્શક પ્રભાઓનો પાર્થિવ પુંજ હતું. દેવલોકોના
દેશના પ્રવાહો ઉપર રચાયેલા સુવર્ણ-સેતુ જેવું એ શોભાયમાન હતું. કોઈ એક
સરોવર-તટ પર ઊભેલા ચંદ્રિકાને ઝીલતા, વિશાળી ને વિભાસતી શાંતિના સહચર
જેવા એકાકી તાલવૃક્ષ જેવું, પોઢેલા પર્વતો પરના તેજસ્વી આભામંડળ જેવું,
રાત્રિમાં તારકમંડિત અદભુત મસ્તક જેવું એ મનોહર લાગતું હતું.
|
|
મદમત્તા કામનાની ફરતી ફેરફૂદડી
એક જ્યોતિતણી આસપાસ, જેને
સ્પર્શવાની હામ ભીડી શકે ન એ,
સુદૂરસ્થ અવિજ્ઞાત લક્ષ્ય પ્રત્યે વેગથી કરતી ગતિ
અનંતા સૂર્ય-યાત્રાને માર્ગે માર્ગે જતી ધરા.
અચિત્ ને હૃદયે શૂન્ય કેરે ઝોલે મન અર્ધ જ જાગ્રત,
સ્વપ્નમાંથી એણે જીવન આણિયું
ને અનંતતણા ચેષ્ટાવિહીન લયમાં થઇ
ચિંતના ને કર્મ કેરું અંતવંત એણે જગત આ વહ્યું.
એની સાથે દોડતું 'તું મૌન એક અવિકાર વિશાળવું :
બંદી વેગતણી ચક્ર ઉપરે રત્નથી ખચ્યા
અવકાશતણા ગૂઢ હૈયા સાથે
વ્યવહાર ચાલતો 'તો ધરાતણો,
|
૪
|
|
તારાઓની અવિસ્પષ્ટ સ્થિર નીરવતામહીં
કો ગૂઢ ઘટના પ્રત્યે ગતિ એની થતી હતી,
કાળની ઘૂમરી દીર્ધ તાલમેળ એનો માપી રહ્યો હતો.
વંતાકી વર્ણની વાટ આસપાસ અખંડ કરતા ગતિ
રંગ્યા આરા સમા વેગે દિનો પર દિનો જતા,
ને હવાના જગાફેર કરનારા રંગોની મોહિનીમહીં
ઋતુઓ આવતી અર્થભરી નૃત્યવિધિમાં સંકળાયલી
બદલાતા વર્ષ કેરા રંગરાગ પ્રતીકાત્મક આંકતી.
ધરી કેરી જલતી ફલાંતિમ
ઉનાળે પગલાં માંડયાં સ્વ-પ્રતાપ સાથે ઉગ્ર બપોરના
ને મારી છાપ પોતાના જુલ્મી ચંડ પ્રકાશની,
સીલ મારી નીલ એણે ઓપદાર વિશાળા આસમાનની.
તે પછી આગ શી એની મૂર્છામાંથી
કે જામેલા ગઠ્ઠાઓ મધ્યમાં થઇ
ઉષ્ણતાની દીર્ણ પાંખે વર્ષા કેરો ભરતી-વેગ ઊમટયો,
બેચેનીએ ભરી તંદ્રા હવા કેરી વીજોએ ચમકાવતો,
પ્રાણદાયી પ્રવાહોના ફટકાઓ મારતો સુસ્ત ભૂમિને,
નભની ધૂંધળી નિદ્રા કેરાં દ્વારો રક્ષાતાં તારકો વડે
ભડકે ને ભડાકાએ છાઈ દેતો,
છાઈ દેતો ઝંઝા-પાંખી તમિસ્રતી,
મુખ પિંગળ પૃથ્વીનું ઢાંકી દેતો
ગીચોગીચ પડદે વાદળાંતણા
કે એના જારની સ્વર્ણવર્ણ આંખ એની ઉપર ના પડે.
ક્રાંતિના કટકો કાળ-ક્ષેત્રની પાર સંચર્યાં,
ઘેરી ભુવનને લેતાં વાદળાંઓ
આગેકૂચ અખંડ કરતાં જતાં,
તોફાનોની ઘોષણાઓ લઇ લેતી આકાશ અધિકારમાં,
દેવોની મોરચેબંધી ગગડાટો ઢોલ પીટી જણાવતા.
યાત્રી આવેલ પાડોશી અશાંત સાગરોથકી
કેશવાળી લઇ ગાઢી ધરાકેરી હોરાઓની મહીં થઇ
ચોમાસાનો ચલ્યો ઘોડો ભર્યો હણહણાટથી;
ઉપરાઉપરી ભાલા દૂતકાર્ય હવે કરે :
વિધુતો જબરી નાખે ચીરી ક્ષિતિજધારને,
અને સામસામેની છાવણીથકી
|
૫
|
|
નંખાતી હોય તે રીતે નંખાતી દિગ્વિભાગથી
ઊંચી ખુલ્લી અને અંધી
વ્યોમ કેરી કિનારોને વિવાહિત બનાવતી :
મહાવર્ષાતણો મોટો ઉછાળો ને ચઢાઈ સુસવાટતી,
ધારાસારો દીર્ધ સીધા અને શોર પાંખવંત તુફાનનો,
વારે વારે દિશાફેર વાયરાનો, ધસતો વેગ વાયુનો,
પીડાતાં ને પડેલાં છે એવાં મેદાનમાં થઇ
તડામાર જતાં હતાં :
ડૂબેલી ધરતી-વાટે પાણી આકાશ-ઊતર્યાં
માર્ગ રેખા રચી જાતાં અને રેલો લાળ શો રચતાં હતાં.
પછી લાંબી ફલંગોએ બધું ઝડપભેર ત્યાં
સુસવાટા કર્યે જતું,
કે ઝંઝાવાતનો મોટો મચે શોર, કે નાદ જલધોધનો
બધુંયે ત્યાં બની જતું.
દિનની ધૂંધળી ભોમે ઢળકીને પડેલો ધૂંધકાર તે
ફેકાયેલો હતો મેલો સાંજે સાથે જોડી દેતો સવારને,
આળોટી કર્દમે ધારાસારમાં એ કાળો મેશ બન્યો હતો.
અર્ધ-અંધારનાં મેલાં વસ્ત્રો પ્હેર્યાં હતાં દિને.
જ્યોતિએ મુખડું જોયું અરીસામાં છારી-છાયા પ્રભાતના
ને હતું એ તહીં અર્ધ-આલોકાતી રાત્રિના મુખના સમું :
ઝાપટે, પડતાં ફોરા ને ઝમંતા ધુમ્મસે સહુને ગ્રહી
સૂકી જમીનને નાખી ફેરવી કળણો અને
કીચમાં બદબો ભર્યા :
પંકમાં પલટી પૃથ્વી, બન્યું વ્યોમ વિષાદે પૂર્ણ
ઢીમચું.
બત્તીઓ જળમાં છેક તરબોળ બની હતી,
અંધાર-ભોંયરે પૂર્યો સૂર્ય જોવા કોઈએ નવ પામતું.
હવા આરામમાં હોય ગમગીની ભરી ને ધૂંધવાયલી
અને ના હોય વિક્ષોભ પરેશાન બનાવતો,
યા હોય રડતા મેઘ-વાટે એક આછું કિરણ આવતું,
વળી વળી આવનારાં અશ્રુઓના પટ પૂઠળ છૂપતું,
ત્યારે યે અજવાળાની આગાહી વ્યર્થ નીવડે
યા નકારાઈ જાય છે,
યા જરાવારમાં શિક્ષા પામેલી યા અલ્પકાલીન આશ શી
મૃત્યુને વશ થાય છે.
|
૬
|
|
પછી છેલ્લો ને પ્રચંડ જલપ્રલય આવતો,
યા ઓસરી જતો નાદ સૌને શાંત બનાવતો,
કે વહે રગડો પાછાં સરકીને જનારાં મંદ પૂરનો,
યા મર્મર-જપો માત્ર અને લીલાં ડોલનો તરુઓતણાં.
બદલાયો હવે ભાવ પૃથિવીનો,
ઢળી લેતી એ વિશ્રામ નિરાંતનો,
સંતોષી પગલે ધીરી ઘડીઓ સંચરે હવે :
વિશાળી ને અવિક્ષુબ્ધ હવામાંહે જાગતી શાંતિની સ્મૃતિ,
સુખ સૂર્યતણી સાથીદાર છે પૃથિવી બની.
પ્રભુ પાસે આવતા હોય જે સમે
તે સમાની હોય તેવી સ્વસ્થતા ત્યાં આવતી 'તી સમીપમાં,
ધરા ને વ્યોમને જ્યોતિ ધ્યાનની લીનતાતણી
અજવાળી રહી હતી.
ને એકાત્મકતા એક ને એક પરમા મુદા
ભરતી 'તી એકાંત ઉર ધ્યાનનું.
અવકાશતણા મૂક માનસે કો સ્વપ્ન એક ટહેલતું,
કાળે ખુલ્લા કરી નાખ્યા ઓરડાઓ પોતાના સુખશર્મના,
પ્રવેશ્યો એક ઉત્કર્ષ, પ્રવેશી એક આશ કો :
અંતરતમ આત્માએ કો દિવ્યતર કૂટની
દિશાએ આંખ ઊંચકી,
અંતરતમ કો એક વિચારે ગુપ્ત એક કો
જવાલા પ્રજવલિતા કરી,
અદૃષ્ટ સૂર્યને એક સેવ્યો આંતર દૃષ્ટિએ.
ઋતુઓ ચિંતને મગ્ન ત્રણ આવી ને પસાર થઇ ગઈ
પગલાંઓ પ્રકાશતાં,
ને ગર્ભપૂર્ણ હોરાઓ બારીક અવલોકતી
એકને કેડ અન્યને,
જ્યોતિર્મય અગાધોમાં છુપાયલી
જવાળાનાં દર્શનો પાવા સાવધાન નિરીક્ષતી,
ભાવી પ્રચંડ કો જન્મ માટેનો એ સેવાતો 'તો ઉજાગરો.
આવી શરદ પોતાના ચંદ્રો કેરા ચકાસતા
મહિમામાં લઇ જતી,
નિજ પદ્માકરો કેરી ભવ્યતામાં શોભાસ્વપ્ન નિષેવતી,
હેમંત ઓસવંતીને પછી શિશિર આવતી,
|
૭
|
|
હજી યે અર્ધ-સૂતેલી પ્રકૃતિના વક્ષ:સ્થલતણી પરે
ઠરેલા ને ઠારવાળા પોતાના કર મૂકતી
ક્ષીણ થાતા વર્ષ કેરું સૌન્દર્ય સ્વસ્થતાભર્યું
શિથિલાયિત ને સ્નિગ્ધ રંગઝાંયે ઘેરું ધેરું બનાવતી.
પ્રગાઢ પ્રેમથી પૂર્ણ આવ્યો વસંત તે પછી
પર્ણોમાંથી છલંગતો,
ને વધૂ વસુધા એણે લીધી ઉત્સુક બાથમાં;
એના આગમને જાગ્યા રંગો ઇન્દ્ર ધનુષ્યના
ઉદ્દીપિત બની જઈ,
હર્ષાગમનને માટે બાહુ એના મંડલાકાર ધારતા.
એનો સ્વર હતો સાદ આવતો પરમોચ્ચથી,
જેનો છૂપો સ્પર્શ-થાય આપણાં જીવનો પરે
ને જેણે વિશ્વ સર્જ્યું છે તે રોમાંચ રાખે નિત્યનવીન
એ,
નવાં રૂપોમહીં પાછું રચે છે એ માધુર્ય પૂર્વકાળનું,
અને પ્રકૃતિની મીઠી મોહિનીને આપણાં ઉર આપતાં
જે પ્રત્યુત્તર તેહને
એવો રાખે સાચવીને
કે ના મૃત્યુ, ન વા કાળ ફેરફાર કશો તેમાં કરી શકે,
જૂનો આનંદ, સૌન્દર્ય ને પ્રહર્ષ અને જીવનમોદની
પ્રત્યે જાગ્રત રે'નારો સ્પંદ નિત્ય નવો રાખંત સાચવી,
નિત્ય નીવીનતાયુક્ત ને છતાં યે એનો એ જ હમેશનો.
એના આગમને જાદૂમંત્રનું કાર્ય છે કર્યું,
એને સ્પર્શે જિંદગીનું શ્રાન્ત હૈયું તાજું ને સુખિયું
બન્યું;
એણે આનંદને સ્વેચ્છા-બંદી એને ઉરે કર્યો.
ધરાનાં ગાત્ર પે એનો ગ્રાહ એક યુવા દેવતણો હતો :
પોતાના દિવ્ય પ્રસ્ફોટ કેરા ભાવાવેશથી પલટાયલું
બનાવ્યું વસુધા કેરું વપુ એણે સુચારુ નિજ ચુંબને.
આવ્યો આનંદને માટે એ અધીર બની જઈ,
બંસી બજાવતો ઊંચે સ્વરે હર્ષોલ્લાસી કોકિલ કૂજને,
મયૂર-પિચ્છનો એનો સાફો વૃક્ષો પર પાછળ ખેંચતો;
એનો ઉચ્છવાસ આહવાન આપતો' તો
સ્નેહોષ્માએ ભરેલું સુખ માણવા,
એની મીટ હતી ઘેરી વિલાસે લીન નીલિમા.
ઓચિંતી સ્ફુરતી રક્તે સૌમ્ય સ્વર્ગીય પ્રેરણા,
|
૮
|
|
પ્રભુના વિષયાનંદ કેરી સહજવૃત્તિ ત્યાં
હતી સમૃદ્ધિએ ભરી;
સૌન્દર્યે પ્રકટીભૂત સ્વરારોહ બધે વ્યાપ્ત થયો હતો,
જીવને હર્ષરોમાંચ માટે આગ્રહ રાખતો :
સરતી ઘટિકાઓને સ્પર્શતી 'તી ગતિઓ અમરાલયી.
ઇન્દ્રિયાનુભવે દિવ્ય સાન્દ્રતા ભાવની હતી,
એણે શ્વસનને યે કૈ રાગરાગી સુખરૂપ બનાવિયું;
દર્શનો ને સ્વરો સર્ગ ગૂંથતાં 'તાં એકા મોહક ચારુતા.
જિંદગી મંત્રથી મુગ્ધ પૃથ્વી-ગોલકની હતી,
માધુર્ય, જ્યોતિ, સંગીત તોફાને જ્યાં ચઢયાં હતાં,
રંગરાગ-મહામોદ રચતા 'તા મહોત્સવો,
ઋચા રશ્મિતણી, સ્તોત્ર સ્વરોનું ચાલતું હતું :
પુરોહિતોતણું વૃન્દ-મંત્રગાન થતું હતું,
ઝૂલતી ધૂપદાનીઓ પર વૃક્ષોતણી ડોલનથી ભર્યો
યજ્ઞ સુગંધનો દેતો ઘડીઓ કાળની ભરી.
ઘેરી લાલ ધરી જવાળા અશોક જળતા હતા,
અકલંકિત ઈચ્છાના ઉચ્છવાસ સરખી શુચિ
શુભ્ર જાઈ-જૂઈ મુગ્ધ વાયુને વળગી હતી,
પિતવર્ણા મંજરી આમ્રવૃક્ષની
પ્રેમોન્મત્ત પિકો કેરા પ્રવહંતા સ્વરને પોષતી હતી,
મધુમંજરિઓ મધ્યે સુવાસમાં
ગુંજાગાને મચી 'તી મધુમક્ષિકા.
કો મોટા દેવના સ્વર્ણ-સ્મિત જેવો પ્રકાશ સૂર્યનો હતો.
સારી પ્રકૃતિ સૌન્દર્ય-ઉત્સવે રાચતી હતી.
દેવોની આ અસામાન્ય ઉચ્ચ મહત્તવ ક્ષણે
પૃથ્વીની ઝંખનાને ને
મહાસુખાર્થના એના થતા તીવ્ર પુકારને
પ્રતિ-ઉત્તર આપતી
આપણી અન્ય ભોમોથી મહત્તા એક ઊતરી.
પૃથ્વીની વસ્તુઓ કેરા અવાજમાં
મૌન એક
નિર્વિકારપણે વ્યક્ત કરતું ગૂઢ શબ્દને,
ભરી ભૂલકણી માટી દેતો એક અંત:સ્રોત મહાબલી :
|
૯
|
|
પ્રદીપ પ્રકટાવાયો એક, એક ઘડાઈ મૂર્ત્તિ પાવની.
માનુષી ને ઈશ કેરા મન વચ્ચે છે જે મોટી અખાત, ત્યાં
સેતુબંધ બની જતું
રશ્મિ મધ્યસ્થ કો એક પૃથ્વીને પરસ્યું હતું;
માનવાકૃતિમાં સ્વર્ગ સંક્રાંત કરતી પ્રભા
અજ્ઞાત સાથ સંયોજી આપતી 'તી આપણી ક્ષણજીવિતા.
ભાન જેને હતું પોતાતણા સ્વર્ગીય મૂળનું
એવો અવતર્યો આત્મા પૃથ્વી કેરા અપૂર્ણ માળખામહીં
ને પાત મર્ત્યતા મધ્યે થયો તેથી એણે રુદન ના કર્યું,
પરંતુ પૃથુ શાંત નેત્રે દૃષ્ટિ કરી સકલની પરે,
આપણાં તમ ને દુઃખ સામે જેણે પુરા યુદ્ધ કર્યાં હતાં
તે પરાત્પર ભોમોથી અહીં પાછી ફરી હતી
ને મર્ત્ય શ્વસનો કેરો ઉપાડયો 'તો બોજ એણે નવેસર,
એણે પાછું ધર્યું હાથે અસમાપ્ત પોતાના દિવ્ય કાર્યને :
મૃત્યુ ને કલ્પ-કાળોમાં થઇ જેનું હતું જીવન ચાલતું
તેણે અગાધ પોતાના હૈયા સાથે
ફરી પાછો કાળનો સામનો કર્યો.
પુરાણો ગાઢ સંબંધ પૃથ્વી કેરી દૃષ્ટિએ આવરાયલો,
ગુપ્ત સંપર્ક જે તૂટી ગયો 'તો કાળની મહીં,
લોહીની જે સગાઈ છે પૃથ્વી ને સ્વર્ગની વચે,
માનવી અંશ આયાસ ભર્યો હ્યાં શ્રમ સેવતો
ને હજીય ન જન્મેલી અસીમા જે શક્તિ છે તેમની વચે
ફરી પાછાં થયાં તાજાં, પ્રાદુર્ભૂત થયાં ફરી.
આરંભાયો ફરી યત્ન ગૂઢ ને ગહને થતો,
વિશ્વલીલાતણી હોડ શરૂ સાહસિકા થઇ.
કેમ કે ઘૂમતા અંધ આ ગોળા પર જ્યારથી
પ્રકાશ પાડતા ચિત્ત સાથે પ્હેલું જીવદ્રવ્ય પ્રકંપિયું
ને જડદ્વ્રવ્યને કોશે પ્હેલવ્હેલો પ્રાણનો હુમલો થયો
ને અચિત્ ઉપરે લાદી લાગણીની જરૂરને,
મૌને અનંતતા કેરા જાગિયો શબ્દ, ત્યારથી
હૈયે પ્રકૃતિના માતૃપ્રજ્ઞા એક કરી કાર્ય રહેલ છે
મહાશ્રમ અને માંગ કેરા હૈયા ઉપરે હર્ષ રેલવા
અને લથડતાં જાતાં બળો ઉપર પ્રાણનાં
પૂર્ણતાનું દબાણ એક આણવા,
|
૧૦
|
|
અંધારાગર્ત પે દિવ્ય લાદવા ભાન સ્વર્ગનું
ને મૂક દ્રવ્યને ભાન પોતામાંના પ્રભુ કેરું કરાવવા.
જોકે આરોહવું ભૂલી જાય નીચે પડેલાં મન આપણાં,
જોકે માનવ સામગ્રી આપણી અવરોધતી
યા તો ભગ્ન થઇ જતી,
છતાંયે સાચવી રાખે મૂત્તિકાને દિવ્યતા અર્પવાતણી
આશા કરંત પોતાનો સંકલ્પ અકબંધ એ;
દાબી શકે ન નિષ્ફલ્ય, એને હાર ન પરાસ્ત કરી શકે,
થકવી ન શકે કાળ, શૂન્ય એને કરી તાબે શકે નહીં,
એનો આવેશ કૈં ઓછો યુગો દ્વારા થયો નથી,
મૃત્યુની કે દૈવ કેરી જીતને એ કબૂલ કરતી નથી.
નવા પ્રયત્નની પ્રત્યે જીવોને એ હરહંમેશ પ્રેરતી;
હરહંમેશ જાદૂએ ભરી એની અનંતતા
જડ નિશ્ચેષ્ટ તત્વોને બલાત્કારે બનાવે છે અભીપ્સતાં;
વેડફી મારવા કોઈ પાસે જાણે હોય આખી અનંતતા
તેમ શાશ્વતની શક્તિ કેરું એ બીજ વેરતી
અર્ધ જીવંત ને ભાંગી ભૂકો થાય એવા ઢાળાતણી મહીં,
રોપે છે સ્વર્ગનો હર્ષ ભાવાવેશી હૈયાના કીચની મહીં,
ખાલી પાશવ ખોખામાં માર્ગણાઓ રેડે એ દેવતાતણી,
મૃત્યુના છદ્મમાં રાખે સંતાડી અમૃતત્વને.
એ ઈચ્છાશક્તિએ એકવાર પાછો
ફરી ધર્યો દેહ આ દુનિયાતણો.
અધિકાર અપાયો'તો જેને સત્ય કેરા અવ્યય ધામથી
તેનું મન બનાવાયું, દૃષ્ટિ માટે
અને કર્મતણા વ્યાખ્યાન કારણે,
અને કરણ યોજાયાં અતિ ઉચ્ચ પ્રકારનાં
કે પૃથ્વીનાં ઇંગિતોમાં થાય પ્રકટ દિવ્યતા.
આ નવા અવતારના
દાબ નીચે રૂપરેખા રચાઈ એક રૂપની
જે પૃથ્વીને જ્ઞાત રૂપોથકી જ્યાદા હતું રુચિરતાભર્યું.
હતું આજ લાગી જેહ વાણી એક ભવિષ્યની
અને સંકેતરૂપ જે,
હતું વૃત્તખંડ એક પ્રકાશતો
મોહિનીએ ભર્યા એક અણદીઠ અખંડનો,
|
૧૧
|
|
તે આવ્યું અંબરે મર્ત્યલોકની જિંદગીતણા,
આછા ઉજાશથી યુક્ત સંધ્યા ઘડી સમે
પાછી આવેલ સોનેરી શશી કેરી
શુભ્ર બીજકલા સમું.
આરંભે પ્રસ્ફુરંત એ
નથી ઘાટ હજી લીધો એવા કો ભાવના સમી
નિ:શબ્દ નીંદરે રક્ષી પોઢી એ નિષ્ક્રિયા રહી,
અંતર્લીના ને નિમગ્ના જડતત્વતણી જંગી સમાધિમાં,
ઊંડી ગુહા સમી ગૂઢ વિશ્વની યોજનાતણું
બાલ હૃદય એ હતી,
દિવ્યા અચેતના કેરા પારણામાં
સૂર્યોની વિશ્વમાં વ્યાપ્ત મુદાની એ ઝુલાવી ઝૂલતી હતી.
કોક આદેશ પામેલી શક્તિ અર્ધ-જાગેલે દેહમાળખે
પોષી રહી હતી મૂક પરમોદાત્ત જન્મના
મહિમાવંત બીજને,
પ્રાણવંતો આ નિવાસ જેને માટે હતો નિર્માણ પામિયો.
પરંતુ શીઘ્ર અંકોડો ચૈત્ય કેરો
નિ:સન્દેહ યોજાઈ રૂપ શું ગયું;
ઝાંખી ગુહામહીં આવી રેલાઈને પ્રભા ધીરે સચેતના,
બીજે રૂપ ધર્યું એક કળી કેરું અતિકોમલ અદભુતા,
ને કળીએ દિવ્ય મોટા પુષ્પને પ્રકાટાવિયું.
તત્કાલ એ જણાતી 'તી સ્થાપતી કો બલિષ્ઠતર જાતિને.
આવી 'તી એ અજાણ્યા ને સંદિગ્ધ ગોલકે અહીં,
ને બાલને હતું યાદ નિજ ધામ ભીતરે દૂર દેશનું,
રક્ષાયેલી રહી 'તી એ નિજાત્માના ઊજળા ઓરડામહીં,
એકલી માનવો મધ્યે સ્થિત દિવ્યતર સ્વીય સ્વભાવમાં.
એની બાલિશ ચેષ્ટાઓમહીં યે લાગતી હતી
પૃથ્વીથી જે રખાઈ છે હજી દૂર તે પ્રભાની સમીપતા,
ભાવો જેમાં ભાગ પાડી શકતી માત્ર શાશ્વતી,
અને વિચાર દેવોને જે સ્વાભાવિક ને સહજ હોય છે.
એના સ્વભાવને એકે ના આવશ્યકતા હતી,
વાયુમંડળમાં એક વીર્યવંત અલાયદા
એ તો આનંદમાં મગ્ન ઊડણો માણતો હતો,
વિશાળવક્ષ ને રંગે રિદ્ધ જેમ પંખી કોઈ નવાઈનું
|
૧૨
|
|
સંતાયેલાં ફળોવાળી ડાળે વિરમતું જઈ
લીન કાનનના લીલા લીલમી મહિમામહીં,
અથવા ઊડતું દિવ્ય ને અગમ્ય ઊંચાં તરુ-શિરો પરે.
સામંજસ્ય ભરી એણે પૃથિવીને કરી અંકિત સ્વર્ગથી.
નર્યા આનંદના ક્ષિપ્ર લય સાથે એકતાર બની જઈ
પોતે પોતાતણી પાસે ગાતા એના પસાર દિવસો થતા;
હતી ધબક પ્રત્યેક પળ હૈયા કેરી સુન્દરતાતણા,
કલાકો બદલાઈને મિષ્ટસૂર
સંતોષસુખની સાથે સ્વરનો મેળ સાધતા,
જે સંતોષ કશા માટે માગણી કરતો ન 'તો,
કિન્તુ જીવન જે દેતું તે લેતો 'તો સર્વ કૈં ઉચ્ચ
ભાવથી,
એના સ્વભાવના જન્મજાત હક્ક સમું ગણી :
આત્મા એનો રહેતો 'તો પિતા એના સવિતાની સમીપમાં,
પ્રાણ અંદરનો એનો નિત્ય હર્ષતણી નિકટમાં હતો.
મૂર્ચ્છામાંથી પ્રકૃતિની ફૂટી પ્રથમ ઊઠતો
જે પ્રાણોચ્છવાસ ફૂટડો,
તે પ્રહર્ષણને માર્ગે આરોહે ગગનો પ્રતિ,
સુખી ઉત્તેજનામાં જ પોતાની એ જીવતો લીનતા ધરી,
પોતાને કાજ પર્યાપ્ત તે છતાંયે વળેલો સર્વની પ્રતિ.
દેખાતો કોઈ સંબંધ એનો જગત સાથ ના,
નથી સંવાદ કો ખુલ્લો વસ્તુઓની સાથમાં આસપાસની.
છે એક એકતા ગૂઢ અને સહજ જેહને
કરણોની જરૂર ના
અને ઊભું રૂપ જે કરતી નથી;
જે છે તે સર્વની સાથે એ મૈત્રીમેળમાં વધે,
નિજ લીનાત્મતામાં એ સંસ્પર્શો સર્વ સંઘરે,
વાના ચુંબનને આપે સંમતિ એ હાસ્યપૂર્વક ઊછાળી,
સૂર્યના ને સમીરના
આઘાતો અપનાવી લે રૂપાંતરિતતા દઈ :
મહાસુખભરી ઝંખા એનાં પર્ણોમહીં મોજ મચાવતી,
એનાં પુષ્પોમહીં કંપે ભાવોત્સાહ જાદૂઈ ઝલકે ભર્યો,
શાખાઓ એહની સેવે અભીપ્સાઓ મૌનવંતી મુદામહીં.
છે સુન્દરતા કેરું નિમિત્ત એક દેવતા
ગૂઢે નિગૂઢ જે રહે,
|
૧૩
|
|
આ સર્વ મોહિની કેરો છે એ આત્મા, અતિથિ અંતરંગ એ,
આ માધુર્યતણી પૂજારણ ને આ સ્વપ્ન કેરી સરસ્વતી.
અદૃશ્ય વિધિએ રે 'તી બચેલી એ
આપણી અનુભૂતિથી
ગભીરતર જોતે એ તરબોળ રહે છે વનદેવતા,
તોફાનો ને શાંતિઓની સંવેદે છે કોઈ એક નવી હવા
અને નિગૂઢ વર્ષાએ અંતર્દેશે કંપાયમાન થાય છે.
આ દિવ્યતર ઊંચેની કક્ષાએ એ બાળામાં નજરે પડયું.
પૃથ્વીના ગાઢ સંબંધો ભેટવા એ જે સમે નમતી હતી
તે સમે યે આત્મ એનો દેવો કેરી દાખતો 'તો ઉદાત્તતા;
ઝૂકતો એ હતો કિંતુ જડ-રાજ્યે જાતને ન ગુમાવતો.
એનું ચકાસતું ચિત્ત અનુવાદ પામેલું કો હતું જગત્ ,
ચમત્કારી-ચંદ્ર-ચારુ કલ્પનાઓ શુભ્ર ને સંકુલાયલી
આદર્શ દેવતાને એ એના સુવર્ણ ધામમાં
અધ્યાત્મ પોષણે સ્વપ્નોતણા પોષી રહી હતી.
એના અંતરમાં એક હતી શક્તિ જે જોઈ શક્તિ હતી
રૂપોને જેમની પ્રત્યે બંધ છે આંખ આપણી,
આપણે સનિધાનો જે સંવેદી શકતા નથી
તેમનું જે ભાન ધરાવતી હતી,
સપાટી પરનાં રૂપો આપણાં જે તેમના કરતાં વધુ
ઊંડાણોનાં સ્વરૂપોને રૂપ દેતા ઇન્દ્રિયજ્ઞાનને
શક્તિ એ ઘડતી હતી.
એની નસોમહીં સૂર્યપ્રભા એક અદૃશ્યા દોડતી હતી
ને સ્વર્ગીય ઝગારાઓ રેલતી એ એના મસ્તિષ્કની મહીં,
જે પૃથ્વી જાણવાને છે શક્તિમાન તેનાથી બૃહતી વધુ
દૃષ્ટિ જગાડતા હતા.
એનું ઊછરતું બાલ્ય સત્યનિષ્ઠા ભરેલા એ પ્રકાશમાં
રૂપરેખા ધરીને રાજતું હતું,
એના આત્માતણા ઊંડા સત્ય કેરી પ્રભાવી પ્રતિરૂપતા
એના બાલ-વિચારો ધારતા રહી
રિદ્ધિમંતા બની પ્રસ્ફુરતા હતા,
અને અજ્ઞાનથી પૂર્ણ દૃષ્ટિ જે માનવીતણી
તેનાથી કંઈ ન્યારી જ દૃષ્ટિએ એ
આસપાસતણા સર્વ લોકોને અવલોકતી.
એને માટે પદાર્થો સૌ હતા રૂપો જીવતી વ્યક્તિઓતણાં,
|
૧૪
|
|
ને બાહ્ય વસ્તુઓ કેરો પ્રતિ સ્પર્શ પ્રબોધતો
સગોત્ર પાસથી એને માટે સંદેશ લાવતો.
એને માટે હતી એકેએક વસ્તુ પ્રતીક કોક શક્તિનું,
હતી ઝબક તેજસ્વી
અર્ધવિજ્ઞાત આનંત્યો કેરા મંડલની મહીં;
વિજાતીય કશું ન્હોતું, કશું નિર્જીવ ના હતું,
અર્થહીન કશું ન્હોતું, ન 'તું કૈં જે ન નિમંત્રણ
આપતું.
કેમ કે એ હતી એક પ્રકૃતિની સાથે એક મહત્તરા.
શાખા ને પુષ્પનો જેમ માટીમાંથી મહિમા છે સમુદભવ્યો,
મનુષ્ય પ્રકટયો જેમ વિચારંતો પશુજીવનમાંહ્યથી,
નવો આવિર્ભાવ તેમ પ્રકાશ્યો બાલિકામહીં.
જ્યોતિ કેરે મને, પ્રાણે ઓજાલય વડે ભર્યા,
દેહે છૂપી દિવ્યતાનું અનુપ્રાણન પામતા
આગામી દેવતા કેરી તૈયાર પ્રતિમા કરી;
પછી તો વરસો વધ્યાં ધીરે ધીરે છંદોના પ્રાસના સમાં,
વૃન્દકાર્યે મચેલા ને સમૃદ્ધ મર્મરે ભર્યા
દિનો પર દિનો ગયા,
એમણે બાલિકા કેરા સંવેદે મધુઓ ભર્યાં
અને અંગે અંગ એનાં ભર્યાં અને
ચંદ્રાનનતણી સિદ્ધિ કરી શોભન પૂર્ણિમા,
ત્યારે સ્વશક્તિને મૌને સ્વયં-રક્ષ્યું એનું
માહાત્મ્ય એકલું
ન્યુન નામે બન્યું ન 'તું.
દબાણ કરતી આવી સપાટીની સમીપતર દેવતા,
સૂર્યે સ્થાન લઇ લીધું બાલ્યકાલ કેરી નીહારિકાતણું
અને સુનીલ એકાકી અંબરે એ રાજમાન થઇ ગયો.
ઊંચે એ ચઢવા માંડયો હાથ લેવા ક્ષેત્ર માનવતાતણું :
એનું નિરીક્ષવા ક્ષેત્ર બળવંતી વળી અંતર્નિવાસિની,
એના આત્માતણા ભાલે જ્યોતિ રમ્યતરા લસી
ને એની ચિંતને લીન દૃષ્ટિ મીઠી અને મંગલ કૈં બની;
વેદિના અગ્નિઓ જેમ જાગી ઊઠે રહસ્યમય મંદિરે
તેમ ગહન સૂતેલા સ્વર્ગ-પૃથ્વી ઉભેના ઉષ્મ પાવકો
દીર્ધપક્ષ્માળ ને દિવ્ય એની આંખોમહીં પામ્યા પ્રબોધતા.
એ સ્ફાટિક સમી બારીઓમહીંથી એક સંકલ્પ શોભતો
જેણે જીવનને માટે આણી આપી વિશાળી એક સાર્થતા.
|
૧૫
|
|
એના ભાવતણો ખુલ્લો નિષ્કલંક મહાપટ
પૂઠે ધારી અભ્યાસી અર્ધચંદ્રની,
ઉદાત્ત જ્ઞાનની એક શક્તિ પ્રકાશમાં રહી
હતી જોતી ક્ષણભંગુર વસ્તુઓ.
ભેદિયો જયનો ચોકી માટેના જાગ-ટાવરે,
અભીપ્સા એહની એવી નીચે બોલાવતી હતી
ભાવી ઉચ્ચ પ્રકારનું;
પહેરો ભરતો મૌન યોધ એક એના સામર્થ્યના પુરે
ગાદી મણિમયી સાવ શુદ્ધ એવા સત્યની રક્ષતો હતો.
પ્રભામંડળથી યુક્ત પીયૂષી ચંદ્રના સમું
હૈયું એનું હતું સાન્દ્રભાવોત્સાહ વડે ભર્યું,
ચાહતું એ હતું સૌને, શબ્દ એ બોલતું નહીં
ને સંકેત સરખો કરતું નહીં,
કિંતુ પ્રહર્ષણે પૂર્ણ, એ પોતાના રહસ્યને
બનાવેલું રાખતું 'તું મૌનધારી વિશ્વ એક મહાસુખી,
ઉત્કટોત્સાહથી પૂર્ણ ને ભર્યું ભાવ-ડોલને.
સગૌરવ ત્વરાયુક્ત હર્ષપૂર્ણ મોજું જીવનશક્તિનું
સ્વર્ગના સ્રોત શું એની મહીં દોડી રહ્યું હતું.
એક સૌન્દર્યના ધામે ઘણા ઉચ્ચ દેવતા વસતા હતા;
છતાં અખિલ ને પૂર્ણ હતો ગોલ બાલા કેરા સ્વભાવનો,
હતો સુરાગ-સંવાદી બહુસૂરીલ ગાન શો,
હતો વિશાલ વૈવિધ્યે ભરેલા વિશ્વના સમો.
જે દેહ ધારતો 'તો આ મહિમા તે સુરાલયી
પારદર્શકતાવાળી જ્યોતિ કેરી મૂર્ત્તિ શો પ્રાય લાગતો.
સૂક્ષ્મદર્શનવેળાએ દીઠેલી વસ્તુઓતણી
ચમત્કારી મોહિની એ સ્મૃતિમાં લાવતો હતો
પરીઓના પરીવાહ પરનો એ સેતુ સ્વર્ણતણો હતો,
વિસ્તરેલી વિલાસંતી શાંતિનું સખ્ય સેવતા
સરોવરતટે એક શશી-સ્પૃષ્ટ તાલવૃક્ષ સમો હતો,
અમરો સંચરે ત્યારે નંદને પર્ણ હાલતાં
તેમનો મર્મરાટ શો,
પોઢયા પ્હાડોતણે માથે પ્રભામંડલ પાવકી,
રાત્રિમાં એકલા એક નિરાળા ને તારામંડિત શીશ શો.
|
૧૬
પ્રથમ સર્ગ સમાપ્ત
|