નિવેદન

 

          શ્રી અરવિન્દની ' સાવિત્રી '  ના ગુર્જર અનુવાદનું આ ચોથું પુસ્તક ૧૫ મી ઓગષ્ટ ૧૯૭૪ ને દિવ્ય દિને ભાવિકોના હાથમાં મૂકતાં આનંદ થાય છે. ભગવત્કૃપાએ આ અવસર આપણને આપ્યો છે ને આપણે સર્વપ્રથમ એને આપણા પ્રેમપ્રણામો કૃતજ્ઞતાપૂર્વક સમર્પીશું.

           શ્રી અરવિન્દની અંત:પ્રેરણાથી આ 'સાવિત્રી પ્રકાશન ' શૂન્યમાંથી ઊભું થયું છે, શ્રી અરવિન્દના શ્વાસોચ્છવાસથી સજીવ બન્યું છે અને શ્રી અરવિન્દે માનવ દેહમાં મહર્લોકની જે મહાજ્યોતિને સંમુર્ત્ત કરી છે તેની પ્રતિ આપણા અભીપ્સુ આત્માને પ્રેમથી પ્રેરી ને દયાથી દોરી રહ્યું છે. એની સાથે આપણી એકાકારતા દિન દિન વૃદ્ધિ પામતી જાઓ અને આપણી અલ્પ બુદ્ધિને ભલે ને જે અગમ્ય લાગે, તો પણ જે આપણા અંતરાત્માને પ્રભુતાથી પોષવા સમર્થ છે તેનું અધ્યાત્મ-કાર્ય આપણામાં ગૂઢાગૂઢ પ્રકારે નિરંતર ચાલતું રહો એવું આપણે પ્રાર્થીશું.

            'સાવિત્રી' સામાન્ય પ્રકારનું મહાકાવ્ય નથી તે તો તદ્દન સ્પષ્ટ છે. એ છે ત્રિલોકવ્યાપી ને ત્રિકાલગત પરમાત્મસત્યનું પરમ દર્શન અને પરા વાણીએ આલેખેલું અમર કાવ્ય. એ છે વૈકુંઠી વૈભવોએ ભરેલો વેદવાણીનો વિશ્વકોષ, અભીપ્સુઓ માટેનો અમૃતનો ઉત્સ, જિજ્ઞાસુઓ માટેનો જ્ઞાનનો ખજાનો, જ્યોતિને ઝંખનારાઓ માટેનો મહસોનો  મહાસાગર, પરમ પ્રેમના ઉપાસકો માટેનો પ્રેમનો પારાવાર, ગૂઢ વિદ્યાઓનો ગહન કૂપ, સુખશર્મનું નંદનવન, શાશ્વતી શાંતિઓનું સ્વર્ગસુહામણું સદન, ચિદંબરોની ચાવી, વિષોને ઘોળી પીનાર નીલકંઠનો સ્ફટિક-શુચિ કૈલાસ, આનંદોનો અમરોચ્છવાસ, કલ્યાણોની કાળહૃદયમાંથી ખોદી કાઢેલી ખાણ, આર્ત્તોનું આશ્વાસન, અને પૃથ્વી લોકમાં પ્રભુનાં પાવન પગલાંનું મહામંડાણ.

             મા ભગવતીએ જિજ્ઞાસુ આશ્રમબાળકોને આ વિષે જે કહ્યું છે તેમાંનું થોડું અહીં પ્રસાદી રૂપે આપીશું : 

              " ખરી વાત તો એ છે કે 'સાવિત્રી' નું સમસ્ત સ્વરૂપ એક ઓધને રૂપે ઊંચામાં ઊંચા પ્રદેશથી ઊતરી આવ્યું છે, અને શ્રી અરવિન્દની પ્રતિભાએ એને એક સર્વોચ્ચ સુભવ્ય શૈલીમાં પંક્તિબદ્ધ રચનારૂપે વ્યવસ્થિત કર્યું છે. કેટલીક વાર તો


પૂરેપૂરી પંક્તિઓનો એમની આગળ આવિષ્કાર થયો છે ને એમણે એમને એવી ને એવી અકબંધ રાખી છે, અને શક્ય તેટલા ઊંચામાં ઊંચા શિખર પરથી પ્રેરણા મેળવવાને માટે એમણે અશ્રાંત પરિશ્રમ સેવ્યો છે. અને શું એમણે સર્જન કર્યું છે ! અવશ્ય, એમણે એને એક અપૂર્વ સત્યનું સર્જન બનાવી દીધું છે. 'સાવિત્રી' અનુપમ કૃતિ છે, એમાં બધું જ આવી ગયેલું છે, અને તે એવા સરળ ને સુસ્પષ સ્વરૂપમાં કે ન પૂછો વાત !  સંપૂર્ણ સુમેળવાળી કડીઓ, કાચ જેવી સ્વચ્છ ને સદાકાળ માટે સત્ય. વત્સ ! મેં ઘણીયે વસ્તુઓ વાંચી છે, પણ 'સાવિત્રી' ની સાથે સરખામણીમાં મૂકી શકાય એવી એકેય મને મળી નથી. ગ્રીકમાં, લેટિનમાં, ને ફેન્ચ ભાષામાં તો અવશ્ય મેં ઉત્તમોત્તમ કૃતિઓનો અભ્યાસ કર્યો છે, જર્મન ભાષાની તેમ જ પશ્ચિમના ને પૂર્વના દેશોની બધી મહાન કૃતિઓનો અભ્યાસ કર્યો છે, ને તેમાં એમનાં મહાકાવ્યોનુંય પરિશીલન કર્યું છે, પણ હું ફરીથી કહું છું કે મને 'સાવિત્રી'ના જેવું કશુંય ક્યાંય પણ જોવા મળ્યું નથી. એ બધી સાહિત્યિક કૃતિઓ નિ:સાર, નીરસ, પોલી અને ઊંડી સત્યતા વગરની મને જણાઈ છે. થોડાક ને અત્યંત વિરલ અપવાદો એમાં છે ખરા, પરંતુ, 'સાવિત્રી' જે છે તેના અલ્પ અંશો જેવા જ એ છે. 'સાવિત્રી' કેવી ભવ્ય, કેવી વિરાટ, કેવી સત્યતાથી સુસંપન્ન છે !  શ્રી અરવિન્દે જેનું સર્જન કર્યું છે તે એક અમર ને સનાતન વસ્તુ છે. ફરીથી પાછી હું તમને કહું છું કે આ જગતમાં 'સાવિત્રી' નો જોટો નથી. 'સાવિત્રી' માં જે સત્યવાનનું દર્શન આવેલું છે ને જે દર્શન એની પ્રેરણાનું હૃદય છે ને જે એના મૂળ તત્વરૂપે રહેલું છે તેને એકવાર બાજુએ મૂકીએ અને માત્ર એનાં પધોનો જ વિચાર કરીએ તોપણ તે અદ્વિતીય જણાશે, ઉચ્ચમાં ઉચ્ચ શિષ્ટ સાહિત્યની ક્ક્ષાએ પહોંચેલાં જણાશે. માનસ જેની કલ્પના ન કરી શકે એવું કંઈક શ્રી અરવિન્દે સર્જ્યું છે. કેમ કે 'સાવિત્રી'માં સર્વ કાંઈ આવી જાય છે, સર્વ કાંઈ."

        આવી આ 'સાવિત્રી' ગુજરાતના ગૂઢ આત્માને સ્પર્શવા, ઊર્ધ્વ પ્રતિ ઉદબોધવા, અને અમૃતનાં અયનોએ લઇ જવા આવી છે. શ્રી કૃષ્ણનું ગુજરાત એને અપનાવી લેશે ને ?

 

૧૫  ઓગષ્ટ,  ૧૯૭૪

 - પૂજાલાલ