સર્ગ  ચોથો

દર્શન  અને  વરદાન

 

વસ્તુનિર્દેશ

 

           પછી ઓચિંતુ એક પવિત્ર હલનચલન શરૂ થયું. શૂન્યની નિર્જીવ નીરવતામાં અંતરમાં કોઈ એક પ્રેમલ પદરવ સંભળાયો. રાજાનું હૃદય એક ગૂઢ હૃદયના સંપર્કમાં આવ્યું, એક અગોચર સ્વરૂપે એના શરીરને ઘેરી લીધું, ને એના આત્માએ તેમ જ દેહે રોમાંચ અનુભવ્યો, રાજા પોતે આખોય પરમાનંદમાં નિમગ્ન બની ગયો. પોતે જેને આરાધતો હતો તે ભગવતી એના અંતરમાં પ્રવેશી, ને હૃદયાલયમાંથી જ્ઞાનનાં વચનો વદી :

            " ઓ શક્તિના પુત્ર !  તું સૃષ્ટિનાં શિખરોએ ચઢયો છે, તું સનાતનનાં બારણાંએ એકાકી ઉભો છે. તેં જે મેળવ્યું છે તે તારું છે, પણ એથી અધિક માગતો નહીં. અજ્ઞાનના માળખામાંથી અભીપ્સા રાખનારા ઓ આત્મા !  અચિત્ માંથી ઉદભવેલા ઓ અવાજ ! મૂંગા માનવ હૃદયો માટે તું કેવી રીતે બોલવાનો હતો ?  અંધ ધરાને દ્રષ્ટાના  દર્શનનું ધામ શી રીતે બનાવવાનો હતો ?  સંવેદન વિનાના ગોલકનો ભાર શી રીતે હળવો કરવાનો હતો ?

              મનની પહોંચ પારની હું રહસ્યમયતા છું, સૂર્યોના પરિશ્રમનું લક્ષ્ય છે, જીવનના નિમિત્તરૂપ અગ્નિ છું, માધુર્ય છું. મારા અવતરણને ઉદબોધિત કર નહિ. અનંતનો ભાર સહન કરવાને માનવ અશક્ત છે. સમય પૂર્વે જન્મ પામેલું સત્ય પૃથ્વીને ભાંગી નાખશે. નિશ્ચલના ઉદાસીન આનંદમાં તું તારા હૃદયને મગ્ન બનાવતો નહિ. જગતમાં મૃત્યુ હોય ત્યાં સુધી તારો આત્મા બધાંથી અળગો પડીને શાંતિમાં શી રીતે રહી શકશે ?  મુશ્કેલી અપનાવી લે, દેવોને યોગ્ય કર્મ કર. એકમાત્ર મનુષ્ય જ અચેતન જગતમાં પ્રબુદ્ધ થયેલું પ્રાણી છે. પ્રકૃતિનું ઘર એ અતિથિના આગમનથી ક્ષુબ્ધ થઇ ગયું છે. પ્રભુનો એ એક સ્ફુલિંગ છે, અજાણી

૧૪૬


 સુંદર શક્તિઓ પાછળ એ પડેલો છે. દૂરની ગૂઢ જ્યોતિને એ ઢૂંઢે છે, પણ એની પ્રભુ પ્રતિની પ્રવૃત્તિની સામે દારુણ દૈત્ય બળો આવી ઊભાં રહે છે. સમજી શકાય નહિ એવી શક્તિઓથી એ સંચાલિત થાય છે.અને પોતાના મહિમાનું કે ધ્યેયનું જ્ઞાન નથી. પોતે ક્યાંથી અને કયા ઉદ્દેશથી હ્યાં આવ્યો છે તે એ ભૂલી ગયો છે. એનો આત્મા અને સ્વભાવ એકબીજા સાથે ઝગડે છે. એનું જીવન આંધળાના ગોળીબાર જેવું છે. વિરોધોનો બનેલો એ એક કોયડો છે. માણસ જેની ઉપર રાજય કરવા આવ્યો છે તે એની ઉપર રાજય ચાલવે છે. એ પોતાના સ્વરૂપને શોધે છે, પરંતુ પોતે જ એનાથી ભાગે છે. જગતને એ દોરવા માગે  છે, પણ એ પોતાની જાતને દોરી શકતો નથી. એ પોતાના આત્માને ઉગારી લેવા માગે છે, પણ પોતાના જીવનને ઉગારી શકતો નથી. એના આત્માએ આણેલો પ્રકાશ એનું મન ગુમાવી બેઠું છે. જ્ઞાન એને આકર્ષે છે, પણ જ્ઞાનનું મોં એણે કદી દીઠું નથી. એની વિદ્યા એક જબરજસ્ત અજ્ઞાનથી ઘેરાયેલી છે. પોતે જડ દ્રાવ્યના હજારો બંધોથી બંધાયેલો છે, છતાં એ  દેવ બનવાને ઉધત થયેલો છે. એનો આત્મા એણે પોતે બનાવેલાં રૂપોમાં અટવાઈ ગયેલો છે.અમરો એના જીવનમાં પ્રવેશતા રહે છે, ભમતારામ મહેમાન માફક પ્રેમ આવે  છે, ઘડી માટે  સૌન્દર્ય એને ઘેરી લે છે, અપાર આનંદ આવી ચઢે છે, અમર માધર્યની આશાઓ લલચાવને જતી રહે છે. પૃથ્વીમાતા પોતાનામાં ગૂઢ રહેલું દેવત્વ માનવમાં પ્રકટ કરવાની ઈચ્છા રાખે છે, નિસર્ગના પાયા ઉપર સ્વર્ગનો  કીમિયો થયેલો જોવા માગે છે.

            હે રાજા ! યુગોએ જેને જન્મ આપ્યો છે તે જ્યોતિને તજી દઈ એને મરવા દેતો નહિ. માનવજાતના અંધ અને દુઃખી જીવનને સહાય કર. તારા આત્માની સર્વસમર્થ પ્રેરણાને આધીન થા. મારો પ્રકાશ તારા સાથમાં રહેશે, મારી શક્તિ તારું બળ બની જશે : ઊંચાનીચા થઇ રહેલા દૈત્યને તારા હૃદયનું સંચાલન કરવા દેતો નહિ. અધૂરું ફળ અને આંશિક જયલાભ માગતો નહિ. તારા આત્માને બૃહત્ બનાવવા માટેનું વરદાન માગ, માનવ જાતિને ઉંચે ચઢાવવાના આનંદ માટે માગણી કર. અંધ નિર્માણ અને વિરોધી શક્તિઓને માથે એક નિશ્ચલ મહાસંકલ્પ ઊભો છે, એની સર્વશક્તિમત્તાને  તારાં કર્મનું ફળ સોંપી દે. રૂપાંતર પમાડનારી પ્રભુની ઘડી આવશે ત્યારે બધી વસ્તુઓ બદલાઈ જશે."

             ભગવતીનો મધુર, મંગલ ને મહા-ઓજસ્વી સ્વર વિરમ્યો. શાશ્વત શાંતિની અનંત નિઃસ્પદતામાં અશ્વપતિના હૃદયે ઉત્તર આપ્યો : " એક વાર તારા મહિમા-વંતા મંગલ મુખનાં દિવ્ય દર્શન કર્યા પછી મર્ત્ય જીવનની મંદતા ભરી ક્ષુદ્રતામાં, મા !  હું શી રીતે રહી શકીશ ?  સાચે જ, તું તારાં સંતાનોને નિઘૃણ નિર્માણ જોડે બાંધી દે છે. મા !  ક્યાં સુધી અમારો આત્મા અંધકારની રાત્રિ સામે લડતો રહેશે ?  પરાજય અને મૃત્યુની ઝૂંસરી વેઠી લેશે ?  અને જો મારે અહીં નીચેની ભૂમિકાઓમાં

૧૪૭


તારું કાર્ય કરવાનું જ હોય તો તારો દૂરનો પ્રકાશ કેમ ફાટી નીકળતો નથી ?  અમારામાં અત્યલ્પ બળ છે, કુદરતનાં આવરણોમાં થઈને અત્યલ્પ પ્રકાશ અમારી પાસે આવે છે, અત્યલ્પ આનંદને માટે અથાગ અમારે સહેવું પડે છે. અમારામાંથી  કોઈ વિશ્વવિશાલ દૃષ્ટિવાળો ઉદય પામે, પરમ સત્યનું સુવર્ણ પાત્ર બને, પ્રભુનું દિવ્ય શરીર ધારણ કરવાને સજાય, દ્રષ્ટા, પ્રેમી અને અધિરાજ બનીને એ વિરાજમાન થાય, તેને માટે મહાયાતનાઓ સહેતા અમે ઘોર પ્રયત્ન કરી રહ્યા છીએ. તો હે સત્યમયી !  હે ચૈતન્યમયી ! હે આનંદમયી પરમેશ્વરી ! વિલંબ ન કર, તારી શક્તિના એક શુભ્ર ને સાન્દ્ર ભાવને મૂર્તિમંત બનાવ, તારા એક જીવંત સ્વરૂપને પૃથ્વી ઉપર તારું કાર્ય કરવાને મોકલ, તારી અખિલ અનંતતાને એક શરીરમાં  સઘન બનાવ. "

          રાજાની પ્રાર્થના પ્રતિરોધ કરતી રાત્રિમાં શમી. પરંતુ એક સંમતિ આપતો સ્વર પ્રગકટ થયો. ભગવતીના મુખ ઉપર એક અદભુત પ્રકાશ તરવરવા લાગ્યો ને અમરના આનંદે એના અધરોષ્ઠ પર અક્ષરરૂપ લીધું :

           " હે દૈવતવંતા અગ્રદૂત ! તારો પ્રાર્થાના-પોકાર મેં સાંભળ્યો છે. પ્રકૃતિના પોલાદી નિયમને તોડી નાખનાર એક ઉતરી આવશે. આત્માની એકલ  શક્તિથી એ નિસર્ગના નિર્માણને પલટાવી નાખશે. એનામાં સર્વ સામર્થ્થો ને માહાત્મ્યો એકરૂપતા લેશે. પૃથ્વી ઉપર સૌન્દર્ય સ્વર્ગીય પગલે સંચાર કરશે. એના અલકોની અભ્રમાલામાં નિત્યાનંદ નિદ્રા લેશે, એનાં અંગોમાં અમર પ્રેમ પ્રભાવંતી પાંખો ફફડાવશે, એના હીરક હાસ્યમાં સ્વર્ગના સ્રોત્ર મર્મરતા લહેરાશે, એના ઓઠ પ્રભુનો મધપૂડલો બની જશે, એની છાતીએ સ્વર્ગનાં પુષ્પ પ્રફુલ્લશે, એનું બળ વિજેતાનું તરવાર હશે,એનાં નયનોમાંથી સનાતનની સંમુદા દૃષ્ટિદાન દેશે. મૃત્યુની ઘોર ઘડીમાં એક અલૌકિક બીજ વવાશે, સ્વર્ગના નંદનની કલમ પૃથ્વી-લોકે ચઢશે, પ્રકૃતિ મર્ત્ય પગલાંની પાર પહોંચી જશે ને એક અચલ સંકલ્પે સારી ભવિતવ્યતા બદલાઈ જશે."

             આ અભય વચન ઉચ્ચારી ભગવતી અલોપ થયાં. રાજા જાગ્રત અવસ્થાને પ્રાપ્ત થયો. ક્લ્પોનાં ક્ષેત્રોમાં સનાતન શોધે નીકળેલો સાધક પુનઃ પ્રબળ ભાવે મહાન કાર્યો કરવાને ઊભો થયો.

              રહસ્ય અદૃશ્ય સૂર્યોમાંથી આવેલો એ ક્ષણભંગુર જગતના ભાગ્યનું ભવ્ય નિર્માણ કરતો હતો. માનવ રૂપે ઉત્ક્રાંત થયેલા પ્રાણીઓમાં એ એક દેવ હતો. એણે પોતાનું વિજયી મસ્તક સ્વર્ગોની પ્રત્યે ઊંચું કર્યું. જડ તત્વના જગત ઉપર એણે આત્માનું સામ્રાજ્ય સ્થાપ્યું. પ્રાણના પ્રભુએ-અશ્વપતિએ પૃથ્વીગોલકના અલ્પ ક્ષેત્રમાં પોતાનાં પ્રભાવશાળી ચંક્રમણો શરૂ કર્યાં.

૧૪૮


ઓચિંતો તે પછી એક પવિત્ર ક્ષોભ ઉદભવ્યો.

શૂન્યના પ્રાણથી હીન મૌનની વચગાળમાં

એકાંતતા તથા સીમામુકત વિસ્તારની મહીં

પ્રિય કો પગલાં કેરો હોય તેવો આવ્યો અવાજ કંપતો,

સુણાતો અંતરાત્માના દઈ કાન સુણતા વિસ્તરોમહીં;

સ્પર્શે એક કરી દીધો હર્ષે વ્યગ્ર એના સારા સ્વભાવને.

પ્રભાવ એક આવ્યો 'તો મર્ત્ય ગોચરતા કને,

એના તલસતા હૈયા પાસે એક હતું હૈયું અસીમ ત્યાં,

વીંટળાઈ વળ્યું એક ગૂઢ રૂપ એના પાર્થિવ રૂપને.

એના સંપર્કથી સર્વ ભાગી છૂટ્યું મૌનની સીલમાંહ્યથી;

રોમહર્ષ લહ્યો આત્મા અને દેહે ધારીને એકરૂપતા,

અવર્ણ્ય એક આનંદ કેરી પકડની મહીં

અંકોડા-બદ્ધ એ થયા;

મન, પ્રાણ તથા અંગેઅંગ લીન પરમાનંદમાં થયાં.

જાણે અમૃતવર્ષાએ તેમ મત્ત બની જઈ

એના સ્વભાવના ભાવોલ્લાસે સભર વિસ્તરો

દામિનીએ દીપતીતી તેની પ્રત્યે વહી ગયા

મહસોએ ભર્યા મધે ગાંડાતૂર બની જઈ.

ઊભરાતા ચંદ્ર પ્રત્યે નિઃસીમ સિંધુના સમું

એનું સર્વ બની ગયું.

દિવ્યતાનું દાન દેતો સ્રોત એક રાજા કેરી શિરાતણો

બની સ્વામી ગયો હતો,

એના દેહતણા કોષો જાગ્યા 'તા આત્મભાનમાં,

પ્રત્યેક નસ આનંદસૂત્ર દીપ્ત બની હતી,

માંસ-મજ્જા મહાહર્ષે હતાં ભાગ પડાવતાં.

અજ્ઞાત ધૂંધળી નિમ્ન ચેતનાની ગુહાઓ દીપિતા બની

ને એ જેને ઝંખતી 'તી

તે પદધ્વનિ આવે છે એવું જાણી બની પુલકિતા ગઈ,

ઝબૂકતી શિખાઓએ ને પ્રાર્થંતી જીહવાઓએ ભરાઈ એ.

નિદ્રામાં લીન ને મૂક ને અચેતનથી ભર્યું

છતાં શરીર સુધ્ધાં યે રાજા કેરું દેવી કેરા પ્રભાવને

ઉત્તરો આપતું હતું.

આરાધતો હતો જેહ એકાને એ તે એનામાં હતી હવે :

દેખાયું અગ્નિ શું શુદ્ધ ઓજ:શક્તિ ભરેલું એક આનન,

૧૪૯


શોભતી 'તી સ્વર્ગીય અલકાવલી,

એના અમર શબ્દોએ પ્રેરાયેલા અધરો સ્ફૂરતા હતા;

પ્રજ્ઞાની પાંદડી જેવાં પોપચાંઓ

ઢળ્યાં 'તાં સંમુદાનાં લોચનો પરે.

સંગે મરમરનો સ્તૂપ મનનોનો,એવું ભાલ પ્રકાશતું,

દૃષ્ટિનું એ હતું એક ગુહાગૃહ

ને બે શાંતિ ભરી આંખો સીમાતીત વિચારની

સ્વર્ગ પ્રત્યે નિહાળતી

મોટી સાગર શી મીટે માનવીની આંખોમાં અવલોકતી,

ને એણે ત્યાં દેવ જોયો ભાવિમાં જે પ્રાકટય પામનાર છે.

ઊમરના મને એક આકાર નજરે પડયો,

હૃદયાલયમાં એક સર્વશ્રેષ્ઠ પ્રજ્ઞાની સ્વર ઊચર્યો,

" ઓ હે ! શક્તિતણા પુત્ર ! શિખરો સૃષ્ટિના અધિરોહતા,

નથી કોઈ જીવ તારો સાથીદાર પ્રકાશમાં;

એકલો એક તું ઊભો રહેલો છે દ્વારો આગળ શાશ્વત.

છે જે તેં મેળવ્યું તે છે તારું, કિંતુ વધુ કૈં માગતો નહીં.

અજ્ઞાન-માળખે, આત્મા ! અભીપ્સા સેવનાર હે !

અચિત્ ના લોકથી ઊઠી આવનારા હે !

મૂંગા છે જેમનાં હૈયાં તે મનુષ્યો માટે તું કેમ બોલશે ?

શી રીતે અંધ પૃથ્વીને દેખતી આત્મ-દૃષ્ટિનું

નિકેતન બનાવશે ?

કે કરી હળવો દેશે ભાર ભૂ-ગોળનો જેને ન ભાન કૈં ?

મનની પ્હોંચની પાર કેરી છું હું નિગૂઢતા,

છું હું લક્ષ્ય સૂર્યોના શ્રમકાર્યનું;

મારો પાવક ને મારી મધુતા છે નિદાન જિંદગીતણું .

કિંતુ અત્યંત મોટો છે ભય મારો અને આનંદ માહરો.

 જગાડતો નહીં માપ પારના અવતારને,

વિરોધી કાળને કાને ગુહ્ય મારા નામને નવ નાખતો;

અત્યંત દુર્બલાત્મ છે મનુષ્ય, તે

ભાર અનંતનો ધારવાને માટે સમર્થ ના.

અતિશે જલદી જન્મ થયો જો હોય સત્યનો

તો તે અપૂર્ણ પૃથ્વીને કદાચિત્ ખંડશ: કરે.

સર્વદર્શી શક્તિ માટે

રહેવા દે કામ એનો માર્ગ કાપી કરીને કરવાતણું :

૧૫૦


તારી એકલ ને મોટી પ્રાપ્તિમાં થા નિરાળો રાજમાન તું,

નિજ એકાંત ને ભવ્ય જિંદગીથી જગની સાહ્ય સાધતો.

જવાલાનું નિજ હૈયું તું વિશાળા ને ઉદાસીન જ સર્વથા

નિશ્ચલ-બ્રહ્યના મોટે સુખે લીન કરે ન હું ન માગતી.

નિવૃત્ત થઇ વર્ષોની ફલહીન પ્રવૃત્તિથી

ભુવાનોનું તજી દે કાર્ય ઘોરપરિશ્રમી.

પડીને અળગો જીવોથકી લીન થાય કેવલ એકમાં

તે હું તારી પાસેથી માગતી નથી.

હોય પૃથ્વી પરે મૃત્યુ હજી અણજિતાયલું,

ને કાળ દુઃખદર્દોનું હોય ક્ષેત્ર તદા, કહે

તેજસ્વી તુજ આત્માને કેમ આરામ ગોઠશે ?

લદાયેલી શક્તિ કેરા ભારમાં ભાગ પાડવા

જીવરૂપે જન્મ તારો થયો હતો;

સ્વ-સ્વભાવતણી આજ્ઞા માન, પૂર્ણ કર નિર્માણ ભાગ્યનું :

આપત્તિ અપનાવી લે, ને સ્વીકાર સુરોને શોભતો શ્રમ,

ધીરી ચાલે ચાલનારો સર્વજ્ઞ હેતુ સાધવા

કર જીવનધારણા.

મનુષ્યજાતિમાં ગ્રંથિ સમસ્યાની છે ગાંઠીને રખાયલી.

 ચિંતતાં ને પ્રયોજંતાં તુંગોથી એક વીજળી

ચાસતી જિંદગી કેરી હવાને ને

પથરેખા જેની લુપ્ત થઇ જતી,

એવો મનુષ્ય છે એક જાગનારો અચેત વિશ્વની મહીં,

ને વૃથા એ કરે યત્ન પલટાવી નાખવા વિશ્વ-સ્વપ્નને.

અર્ધ-ઉજ્જવલ કો પાર થકી એનું આવવાનું થયેલ છે,

અજાણ્યો એક કો છે એ મનોહીન વિરાટ વિસ્તરોમહીં;

છે મુસાફર એ એના વારંવાર બદલાતા નિવાસમાં

ઘણી અનંતતાઓનાં પગલાંઓ પડે છે આસપાસ જ્યાં

વેરાન અવકાશે છે તંબૂ એણે તાણેલો જિંદગીતણો.

દિવ્યલોકતણી દૃષ્ટિ ઊર્ધ્વમાંથી સ્થિર એને નિહાળતી,

ગૃહે પ્રકૃતિના છે એ મહેમાન અશાંતિ ઉપજાવતો,

સફારી પલટયે જાતા કિનારાઓ કેરી વચ્ચે વિચારના,

અજાણી ને મનોહારી શક્તિઓના શિકારે નીકળેલ એ,

દૂરસ્થ ગૂઢતાયુક્ત જ્યોતિ માટે રખડયા કરનાર એ,

માર્ગો પર વિશાળા એ છે નાનો શો સ્ફુલિંગ પરમેશનો.

૧૫૧


એના આત્માતણી સામે સંઘબદ્ધ સર્વ ભીષણ મોરચે,

પ્રભાવ આસુરી એક

અવરોધી રહ્યો એની ઈશારાભિમુખ દૃષ્ટિને.

દયા વગરનું શૂન્ય ' ખાઉ ખાઉ ' કરે છે આસપાસમાં,

તમિસ્રા શાશ્વતી એને ફંફોસે નિજ હસ્તથી,

અતકર્ય શક્તિઓ એને ચલાવે છે પ્રવંચતી,

દૈત્ય જેવા દુરારાધ્ય દેવતાઓ પડે એના વિરોધમાં.

એક અચેત આત્માએ અને એક સુપ્તજાગ્રત શક્તિએ

એક જગત છે રચ્યું

જે વિયુક્ત થયેલું છે પ્રાણીથી ને વિચારથી;

કાળી આધાર-ભોમોનો એક કાલિનાગ તે

યદ્દચ્છા ને મૃત્યુ કેરા નાફેર કાયદાતણી

રક્ષા કરી રહેલ છે;

કાળને ને ઘટના મધ્ય જતા એના લાંબા મારગની પરે

કોયડો ધરતી સામે છાયામૂર્ત્તિ નારસિંહી તલાતલી,

ધૂસરી, ભીમ પંજાઓ ગળી જાતી રેતી ઉપર રાખતી,

આત્માને હણતા શબ્દે થઇ સજ્જ એનો માર્ગ નિહાળતી :

એના રસ્તાતણી આડે રાત્રિ કેરી છાવણી છે નાખયલી.

ચિરસ્થાયી કાળમાં છે એનો દિવસ તો પળ;

મિનિટો ને કલાકોનો છે એ ભોગ બની ગયો.

પૃથ્વી ઉપર આક્રાંત અને સ્વર્ગ કેરી એને ન ખાતરી,

અહીંયાં ઊતર્યો છે એ દુખિયારો અને ઉત્કૃષ્ટ તે છતાં,

સંયોજતી બની એક કડી અર્ધદેવ ને પશુ મધ્યની,

પોતાના મહિમાનું ના ભાન એને ને નથી ભાન લક્ષ્યનું;

પોતે કેમ અને ક્યાંથી આવ્યો છે તે એને યાદ રહ્યું નથી;

એનો આત્મા અને એનાં અંગો વચ્ચે લડાઈ છે;

વ્યોમોને સ્પર્શવા જાતાં

એની  ઊંચાઈઓ નીચી અતિશે જાય છે પડી,

પિંડ એનો દટાયો છે પશુના પંકની મહીં.

એના સ્વભાવનો ધર્મ અસંબદ્ધ ને વિચિત્ર વિરોધ છે.

વિરોધી વસ્તુઓ કેરો કોયડો છે બનેલો ક્ષેત્ર એહનું :

મુક્તિ એ માગતો કિંતુ બંધનોમાં રે'વું એની જરૂર છે,

છે આવશ્યકતા એને અંધકારતણી જોવા માટે થોડા પ્રકાશને

થોડોક હર્ષ લ્હેવાને માટે એને શોક કેરી જરૂર છે;

૧૫૨


વધુ મોટા જીવનાર્થે મૃત્યુ એને જરૂરનું.

બધી બાજુ જુએ છે એ ને વળે છે પ્રત્યેક સાદની પ્રતિ;

જેની સહાયથી પોતે ચાલે એવી

એની પાસે નથી નિશ્ચિત જ્યોતિ કો;

એનું જીવન છે ગોળીબાર શું આંધળાતણા,

રમી સંતાકૂકડીએ રહેલ એ;

શોધે સ્વરૂપને કિંતુ ભાગી જાય સ્વરૂપથી;

ભેટો સ્વરૂપનો થાતાં માને છે કે

એ પોતાથી જુદી જ કોક વસ્તુ છે.

બાંધતો એ સદા રે'તો, કિંતુ એને મળતી સ્થિર ભૂમિ ના,

હમેશાં ચાલતો રે'તો, કિંતુ ક્યાંય ન પ્હોંચતો;

જગને દોરવા માગે, દોરી ના જાતને શકે;

માગે ઉદ્ધારવા આત્મ, જિંદગીને ઉદ્ધારી શકતો ન એ.

એના મને ગુમાવી છે જ્યોતિ જેને લાવ્યો છે આત્મ એહનો;

શીખ્યો છે જે બધું એ તે

શંકાસ્પદ બની જાય જરીક વારમાં ફરી;

સ્વ-વિચારોતણી છાયા એને સૂરજ લાગતી,

પછી છાયા બની જાય બધું ને ના સત્ય જેવું કશું રહે :

જાણતો એ ન પોતે શું કરે છે તે, ને વળે છે કઈ દિશે,

સંજ્ઞાઓ એ બનાવી દે સત્યવસ્તુતણી અજ્ઞાનની મહીં.

સત્યના તારલા સાથે ગ્રથી દીધો છે એણે ભૂલભ્રાંતિને

પોતાની મર્ત્યતાતણી.

લસંત નિજ મોરાંથી આકર્ષે છે એને પ્રજ્ઞાવતી મતિ,

મો'રાં પાછળનું મોઢું કિંતુ એણે આવલોક્યું નથી કદી :

જંગી અજ્ઞાન છે એની વિદ્યાની આસપાસમાં.

દ્રવ્યમય જગત્ કેરા વાચાવિહીન રૂપમાં

વિશ્વની ગૂઢતાને એ ભેટવાને માટે નિયુક્ત છે થયો,

પ્રવેશ કાજનું એનું પારપત્ર જૂઠું છે ને જૂઠું વ્યક્તિસ્વરૂપ છે,

પોતે જેહ નથી તેહ થવા કેરી એને ફરજ છે પડી;

જે પરે કરવા રાજ્ય આવેલો છે પોતે તેહ અચિત્ તણી

આજ્ઞા એહ ઉઠાવતો

ને સ્વાત્માની સિદ્ધિ માટે ગરકી એ જાય છે જડતત્વમાં.

નીચી કોટીતણાં સ્વીય હંકારાતાં રૂપોથી જાગ્રતા થઇ

ભૂમાતાએ સમર્પી છે એના હસ્તોમહીં સ્વકીય શક્તિઓ

૧૫૩


ને તે ભારે ન્યાસને એ સાચવીને રહેલો છે મુસીબતે;

માર્ગો ઉપર પૃથ્વીના મન એનું માર્ગ-ભૂલ્યો મશાલચી.

પ્રકાશિત કરી પ્રાણ વિચારાર્થે

અને જીવદ્રવ્યને વેદનાર્થ એ

પરિશ્રમ કરે ધીરા ને શંકાઓ સેવનારા દિમાગથી,

ને તર્કબુદ્ધિને ઝોલે ઝૂલતા પાવકોતણી

એહ સાહાય્ય મેળવી

પોતા કેરા વિચારને

અને સંકલ્પને માગે છે એ દ્વાર ચમત્કારી બનાવવા,

જેમાં થઇ જગત્ કેરા અંધકારે થાય પ્રવેશ જ્ઞાનનો

ને સંઘર્ષ તથા દ્વેષ કેરે દેશે રાજ્ય સ્થપાય પ્રેમનું.

મન જે સ્વર્ગ ને પૃથ્વી વચ્ચે સાધી સમાધાન શકે નહીં

ને હજારો પાસથી જે બદ્ધ છે જડતત્વ શું

એવો એ આત્મને ઊંચે લઇ જાય સભાન દેવતા થવા.

જ્ઞાનનો મહિમા તાજ બની એને માથે હોય વિરાજતો,

શુક્ર ને જાતિકોષોની આ કૃતિને,

આ જીવદ્રવ્ય ને વાયુમાંથી જન્મી

ચમત્કારી કૃતિને કીમિયાગરી

ઊંચે ચડાવવા માટે

મન ને આત્મનું રશ્મિ હોય અદભુત ઊતર્યું,

ને દોડે-સમર્પણે છે જે પ્રાણીઓનો સમોવડીયો

તે ત્યારે યે

તુંગતા સ્વ-વિચારોની અમરાત્મ શિખરો પ્રતિ ઊંચકે,

તે સમે યે માનવોનો મધ્યમાર્ગ એનું જીવન રાખતું;

મૃત્યુને ને દુઃખને એ સોંપી દે સ્વશરીરને

ને સોંપાયો હતો એને જે પદાર્થ

તેનો ભાર અતિશે એ પરિત્યજે.

શંકા રાખે ચમત્કારો પ્રતિ પોતે ચમત્કારો કરે છતાં,

ન માનનાર મસ્તિષ્કે અને ભોળી માન્યતાએ ભર્યા ઉરે

નિગૂઢ શક્તિઓ જેની રહે વંધ્ય એવો કો એક જીવ એ,

આરંભાયું હતું જ્યાંથી ત્યાં તજી દે જગતને અંત પામવા,

પૂરું કર્યા વિના કાર્ય કરે છે એ દાવો સ્વર્ગીય લાભનો.

આમ એણે ગુમાવી છે સૃષ્ટિ કેરી કેવલાત્મક પૂર્ણતા.

અર્ધે રસ્તે રોકતો એ સિતારો નિજ ભાગ્યનો :

૧૫૪


વિશ્વ-જીવન છે એક વિશાળો ને વ્યર્થ પ્રયોગ જેહની

અજમાયેશ આવે છે ચાલતી ચિર કાળથી,

છે સંકલ્પન એ ઉચ્ચ સુષ્ઠુ સેવાયલું નહીં

ને પડાતું પાર સંદિગ્ધ રીતથી,

પોતાનું લક્ષ્ય ના જોતું ઠોકરાતું ગતિ આગળ એ કરે,

વાંકાચૂંકા ગ્રહે માર્ગ અજાણી ને જોખમી ભૂમિની પરે,

જે ચાલની પડી હોય ટેવ તેની સદા આવૃત્તિઓ કરે,

લાંબા પ્રયાણને અંતે

પીછેહઠ કરી કરી પાછું પડી હંમેશ જાય એ,

ને નિશ્ચિત નતીજો ના  એવા સૌથી મુશ્કેલ વિજયો પછી

પરાવર્તિત થાય એ,

નહિ નિર્ણય પામેલી છે એ રમત એક જે

ખેંચાતી જ રહે અંત ન આવતાં.

બંધ બેસે નહીં એવા મહાવિપુલ વસ્ત્રમાં

એક ઉજ્જવલ ઉદ્દેશ તે છતાંયે છૂપું સ્વમુખ રાખતો,

એક જબ્બર અંધત્વ

ઠેસો ખાતું આશ રાખી રહે આગળ ચાલતું

જ્યોતિર્મયી યદ્દચ્છાની બક્ષિસોથી પોતાનું બળ પોષતું.

નિષ્ફળ નીવડી કામ આપે માનવ શસ્રના

તેથી નાસીપાસ દેવ નિદ્રા સેવે પોતાના બીજની મહીં,

પોતે રચેલ રૂપોમાં અટવાયેલ આત્મ એ.

પ્રભુ જેને રહ્યો દોરી તેની નિષ્ફળતા નિષ્ફળતા નથી;

સર્વ મધ્ય થઇ ચાલી રહી ધીરી

આગેકૂચ રહસ્યમયતા ભરી:

અવિકારી શક્તિએ છે વિકારી વિશ્વ આ રચ્યું;

સ્વયંસિદ્ધ થતું પારપારનું કૈં

પગલાંઓ માંડે છે માનવી પથે;

જીવને નિજ માર્ગોએ હંકારીને લઇ જતો,

જાણે છે પગલાં એનાં અને એનો માર્ગ અપરિહાર્ય છે,

ને  નિષ્ફળ જશે કયાંથી લક્ષ્ય જયારે પ્રભુ છે પથદર્શક ?

માનવી મન થાકે કે દેહ છેહ દે ગમે તેટલો છતાં

રદ એને કરી નાખી  સચેતન પસંદગી

ઈચ્છા એક અવશ્ય સિદ્ધ થાય છે :

લક્ષ્ય પાછું હઠે છે ને સીમાહીન વિશાલતા

 ૧૫૫


અમેય એક અજ્ઞાતે નિવર્તી સાદ પાડતી.

વિશ્વ કેરી મહામોટી યાત્રાનું અવસાન ના,

શરીરી જીવને માટે નથી વારો વિરામનો.

જીવ્યા જ કરવાનું છે સદા એણે

કાળ કેરી બૃહત્ વક્રરેખાને આંકતા રહી.

બંધ-દ્વાર પારમાંથી અંત:સ્રોત્ર એક આવે દબાવતો

જીવ માટે નિષેધતો વિશ્રાંતિ ને સુખારામ જગત્ તણો,

સ્વરૂપ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ અટકી શકતો નથી.

દોરી જનાર છે એક જ્યોતિ, એક શક્તિ છે સાહ્યકારિણી;

ન લક્ષાતી, ન લ્હેવાતી એ એનામાં છે જોતી ને પ્રવર્તતી;

પોતે અજ્ઞાન, પોતાનાં ઊંડાણોમાં સર્વચૈતન્યવંતને

રૂપબદ્ધ કરંત એ,

પોતે માનવ, એ ઊંચે માંડે દૃષ્ટિ

અતિમાનુષ છે એવાં શિખરોની દિશા ભણી :

પરાપ્રકૃતિ સોનું લઈને એ ઉધારમાં

કરે છે માર્ગ તૈયાર અમૃતત્વે લઇ જતો.

મહા દેવો માનવીની પરે નજર નાખતા,

ચોકીદારો બનેલ એ

આજ કેરાં અશક્યોને પાયા માટે ભવિષ્યના

દે પોતાની પસંદગી.

સ્પર્શે શાશ્વતના એની કંપમાન ક્ષણભંગુરતા બને,

પડે અના અંતરાયો પદહેઠ અનંતના;

એના જીવનમાં થાય પ્રવેશ અમરોતણો :

એના સાન્નિધ્યમાં આવે એલચીઓ અદૃષ્ટના;

મર્ત્ય હવાતણા પાસે દોષયુક્ત મહિમા દિવ્ય-વૈભવી,

પ્રેમ પસાર થાયે છે એના હૃદયમાં થઇ,

મહેમાન અટંત એ,

એને સૌન્દર્ય ઘેરી લે ઘડી માટે એક જાદૂગરી ભરી,

આવિર્ભાવક આનંદ એક મોટો આવી એને મળી જતો,

અલ્પકાલીન વૈશાલ્યો એને મુક્ત બનાવે નિજ જાતથી,

આંખો સામે સદા રે'તા મહિમાની દિશાએ લલચાવતી

અમર્ત્ય માધુરી કેરી આશાઓ, તે પ્રલોભાવી તજી જતી.

અદભુત અગ્નિઓ આવિર્ભાવકારી

કરી પાર એહના મનને જતા,

૧૫૬


વિરલાં સૂચનો એની વાણીને ઊર્ધ્વ ઊંચકે

ને એ ક્ષણેકને માટે

નિત્ય કેરા શબ્દ કેરી સગોત્રા જાય છે બની; 

એના મસ્તિષ્કમાં લેતું ચકરાવા છદ્મનાટક જ્ઞાનનું,

ને અર્ધ-દિવ્ય ઝાંખીઓ દ્રારા એને કરી વ્યાકુળ નાખતું.

કોઈ કોઈ વાર હસ્ત પોતાના એ નાખે અજ્ઞાતની પરે;

કોઈ કોઈ વાર એનો શાશ્વતીની સાથે વ્યહવાર ચાલતો.

એક અદભુત ને ભવ્ય પ્રતિમૂર્ત્તિ-સ્વરૂપમાં

જન્મ એનો થયો હતો,

અને અમરતા, આત્મ-અવકાશ ચિદંબરી,

પવિત્ર પૂર્ણતા, છાયા વિનાની પરમા મુદા

છે ભવ્ય ભાવિનિર્માણ આ દુઃખગ્રસ્ત જીવનું.

મનુષ્યમાં નિહાળે છે પૃથ્વી-માતા પાસે આવી પહોંચતું

તે રૂપાંતર કે જેનો પૂર્વાભાસ

નિજ મૂક અને દીપ્ત ઊંડાણોમાં થતો હતો,

છે એક દેવ એ એનાં રૂપાંતરિત અંગથી

પ્રકટી બ્હાર આવતો,

સ્વર્ગનો કીમિયો છે એ પાયા પર નિસર્ગના.

રાજા ! તું છે વિશેષજ્ઞ

સ્વયંભૂ ને સદા ચાલુ રહેલા રાજવંશનો,

જુગોએ જન્મ આપ્યો છે જ્યોતિને જે

તેને ના મરવા દેતો ત્યાગ તેનો કરી દઈ,

માનવીની અંધ દુઃખી જિંદગીને હજી યે કર સાહ્ય તું :

નિજાત્માની વિશાળી ને સર્વસમર્થ પ્રેરણા

આધીન અનુવર્ત તું.

સાક્ષી રૂપે હતો એ ત્યાં મંત્રણામાં પ્રભુની રાત્રિ સાથની,

અમર્ત્ય શાંતિમાંથી એ દયાભાવે નીચે આવ્યો હતો નમી,

ને જે ઈચ્છા દુઃખપૂર્ણ બીજ છે વસ્તુઓતણું

તેનું ધામ બન્યો હતો.

આપ સંમતિ તું તારા ઉચ્ચ આત્મસ્વરૂપને,

કર સર્જન, લે સહી.

જ્ઞાનથી વિરમંતો ના, શ્રમ તારો સુવિશાળ બનાવ તું,

ગોંધી ના રાખતો તારી શક્તિને તું સીમાઓમાં ઘરાતણી;

અંત વગરના લાંબા

૧૫૭


કાળ કેરા કાર્ય સાથે તારું સમકક્ષ બનાવ તું.

ખુલ્લાં શાશ્વત શૃંગોની પર યાત્રા કરંત તું

હજીય પગલાં પાડ બેતારીખ મુશ્કેલ માર્ગની પરે

રૂક્ષ જેની વક્રરેખા યુગચક્રો સાથે સંયોગ સાધતી,

દીક્ષાધારી દેવતાઓ મનુષ્યાર્થે કાઢતા માપ જેહનું.

મારો પ્રકાશ તારામાં હશે, મારું બળ તારું બની જશે.

અધીર દૈત્યને તારા હૈયા કેરો હાંકનાર બનાવ ના

અધૂરું ફળ ના માગ, પુરસ્કાર અપૂર્ણ ના.

માહાત્મ્ય આત્મને દેતું વરદાન એક કેવળ માગજે;

એક કેવળ આનંદ વાંછજે તું સ્વજાતિનો ઉત્કર્ષ સાધવાતણો.

અંધ નિર્માણને માથે અને માથે વિરોધી શક્તિઓ તણા

સ્થિર ને બદલાયે ના એવો એક  ઉચ્ચ સંકલ્પ છે ખડો;

એની સર્વશક્તિમત્તા માટે તારા કર્મનું ફળ છોડ તું.

રૂપાંતર પમાડંતી પ્રભુની પળ આવતાં

બદલાઈ બધું જશે."

 

મહાનુભાવ ને મિષ્ટ ઓજસ્વી એ સ્વર મૌન શમી ગયો.

વિરાટે ચિંતને મગ્ન અવકાશે કશું હાવે હાલતુંચાલતું ન 'તું :

ધ્યાનથી સુણતા વિશ્વે છાઈ નિઃસ્પંદતા ગઈ,

શાશ્વતાત્માતણી શાંતિ કેરી મૂક હતી વ્યાપ્ત વિશાલતા.

કિંતુ અશ્વપતિ કેરું હૈયું એની પ્રતિ ઉત્તરમાં વધું,

વિરાટોના મૌન મધ્યે હતો પોકાર એક એ :

" તારા મુખતણા દિવ્ય મહિમાનાં અને સુંદરતાતણાં

વિશ્વના છદ્મની પૂઠે જેને દર્શન છે થયાં,

તે હું શી રીતે સંતુષ્ટ રહીશ મર્ત્ય કાળથી

ને પૃથ્વીની વસ્તુઓના મંદતાપૂર્ણ તાલથી ?

પોતાનો પુત્રકોને તું બાંધી જે સાથ રાખતી

તે નિર્માણ સાચે જ સુક્ઠોર છે !

અમે જેઓ છીએ પાત્રો મૃત્યુનિર્મુક્ત શક્તિના

ને શિલ્પીઓ મનુષ્યોની જાતિના દેવરૂપના,

ક્યાં સુધી તેમના આત્મા રાત્રિ સાથે ઝઝૂમશે,

પરાજય સહેશે ને મૃત્યુ કેરી વહેશે ક્રૂર ઝુંસરી ?

અથવા હોય જો મારે કરવાનું કાર્ય તારું ધરાતલે

માનવી જિંદગી કેરા દોષમાં ને ઉજાડમાં

૧૫૮


ઝાંખા પ્રકાશમાં અર્ધ-ભાનવાળા માનુષી મનના રહી,

તો તારી દૂરની કોઈ જ્યોતિ કેમ ધસીને આવતી નથી ?

સેંકડો ને હજારો કૈં વર્ષો આવી પસાર થઇ જાય છે.

ધૂસરી ગમગીનીમાં ક્યાં છે રશ્મિ તારા આગમનોતણું ?

તારા વિજયની પાંખો કેરો ક્યાં ગગડાટ છે ?

થતા પસાર દેવોનાં પગલાંનો

ધ્વનિમાત્ર અમને સંભળાય છે.

પશ્ચગામી અને ભાવી-દર્શિની દૃષ્ટિની કને

આલેખાયેલ છે એક માનચિત્ર નિગૂઢ નિત્યને મને,

આવૃતિઓ કરે કલ્પો એના એ જ એમના ચકરાવની,

યુગો પુનઃ રચે સર્વ અને નિત્ય આસ્પૃહા રાખતા રહે.

અમે જે સૌ કર્યું છે તે ફરી પાછું હજીયે કરવુ પડે.

બધું તૂટી પડે છે ને બધું થાય નવું ફરી

ને એનું એ જ એ રહે.

વ્યર્થ વિવર્તતી જાતી જિંદગીમાં જંગી વિપ્લવ આવતા,

નવા-જાયા જમાનાઓ જૂના જેમ ઢબી જતા,

જાણે કે જગ આ જેને માટે છે સરજાયલું

તે બધું ના પડે પાર તહીં સુધી

શોકગ્રસ્ત સમસ્યાએ સ્વાધિકાર રાખેલો હોય સાચવી.

અત્યારે જે અમારામાં જન્મ પામેલ છે બળ

તે આત્યંતિક અલ્પ છે,

અત્યંત મંદ છે જ્યોતિ

જે આવે છે ચોર જેમ પડળોને કરી પાર નિસર્ગનાં

ને આનંદેય અત્યલ્પ જે આપી એ ખરીદી અમ દુઃખ લે.

જેને ના ભાન પોતાના માયાનાનું એવા જાડયભર્યા જગે

વિચારોના સકંજામાં જન્મના ચક્રની પરે

અમારી જિંદગી જતી,

અમારો જે નથી એવા કો આવેગ કેરાં શસ્ત્ર બની જઈ

અર્ધ-જ્ઞાન અને શ્રાંત થઇ શીઘ્ર જનારાં અર્ધ-સર્જનો

કરવા સિદ્ધ પ્રેરાતા અમે રક્ત હૈયાનું મૂલ્યમાં દઈ.

વિનાશવંત અંગોમાં પરાભૂત આત્મા અમર, એ અમે

બાધા-બાધ્યા, હઠાવાતા છતાંયે શ્રમ સેવતા;

મટી જતા, હતોત્સાહ થતા, થાકી લોથપોથ થઇ જતા

તે છતાં યે જિંદગીને ટકાવતા.

૧૫૯


યાતના વેઠતા કાર્યપ્રયાસો કરતા અમે

કે મનુષ્ય વિશાળતર દૃષ્ટિઓ,

ઉદારતર હૈયાનો ઊભો થાય કો અમ મધ્યથી,

સંમૂર્ત્ત સત્યનું સ્વર્ણપાત્ર કોક સમુદભવે,

દિવ્ય પ્રયત્નનો કોક ઊભો થાય પ્રબન્ધક,

પ્રભુની પાર્થિવી કાયા ધારવા હોય સજ્જ જે,

પ્રસાદો જે પહોંચાડે અને આણે સંદેશો પ્રભુનો અહીં,

પ્રેમનો રાખનારો જે હોય, જે હોય રાજવી.

જાણું છું કે સૃષ્ટિ તારી નિષ્ફલા ના બની શકે.

કેમ કે ધુમ્મસોમાં યે મર્ત્ય કેરા વિચારનાં

અચૂક પગલાં ગૂઢ પડતાં તુજ હોય છે,

અને જોકે યદ્દચ્છાના વાઘાઓને અવશ્યંભાવિતા ધરે,

છતાં યે દૈવની અંધ ચલોમાંહ્ય એ રાખે છે છુપાયલી

તર્કસંગતતા મંદ અને શાંત પગલાંની અનંતનાં

ને અનુલ્લંધ્ય રાખે છે તેની ઈચ્છા કેરી ક્રમિક સાંકળી.

ઊંચે આરોહતી શ્રેણી રૂપે સારી જિંદગી છે સ્થપાયલી

ને ઉત્ક્રાંતિ પામનારો નિયમે યે દ્દ્રઢ છે વજૂના સમો;

છે જે આરંભ તે માંહે અંત સજ્જ કરાય છે.

આ વિચિત્રા ને વિવેકહીના પેદાશ પંકની,

પશુ ને પરમાત્માની વચ્ચેનો મધ્યમાર્ગ આ

શિરોમુકુટ ના તારી ચમત્કારક સૃષ્ટિનો.

જાણું છું કે એક આત્મા

વ્યોમ જેવો વિશાળો ને સમાવેશ કરનારો સમસ્તનો,

એક પ્રકૃતિ શું, એક સ્વર્ગ શું તુંગતા પરે,

અને અદૃશ્ય ઉત્સોના પરમાનંદથી ભર્યો

અચેત જીવકોષોમાંહી પ્રવેશશે,

દેવ એક આવશે નિમ્ન ભોમમાં

અને નિપાતથી એનું માહાત્મ્ય અદકું હશે.

શક્તિ એક થઇ ઊભી મારી ઘેરી નિદ્રાની કોટડીથકી.

કાળની લંગડાતી ને ધીરી છોડી દઈ ગતિ,

મર્ત્ય દૃષ્ટિતણો છોડી દઈ નિમેષ ચંચલ,

અતિમાત્ર જ્યોતિમાં જ્યાં મનીષી નીંદરે પડયો

ને સર્વસાક્ષિણી એક આંખ છે જ્યાં અસહિષ્ણુ જલી રહી

હૃદયેથી મૌનના ત્યાં નિર્માણ-શબ્દ આવતો

૧૬૦


સુણ્યો એણે અંતહીન ક્ષણે શાશ્વતતાતણી

ને નિહાળ્યાં કાર્ય એણે કાળ કેરાં અકાળથી.

મનનાં જડસાં સૂત્રો ઉલ્લંઘાઈ ગયાં બધાં,

પરાભવ ગયો પામી અંતરાય મર્ત્યના અવકાશનો :

પ્રાકટય પામતી મૂર્ત્તિ આવનારી વસ્તુઓ બતલાવતી.

ભૂતકાળ થયો દીર્ણ શિવના ઘોર તાંડવે,

વિશ્વો તૂટી પડયાં હોય એવા એક કડાકો કારમો થયો;

જવાળાથી ને મૃત્યુ કેરી ગર્જનાથી આક્રાંત પૃથિવી થઇ,

પોતાની જ બુભુક્ષાએ બનાવાયેલ વિશ્વને

નાશ પમાડવા માટે મૃત્યુ એહ શોર મચાવતું હતું;

ખણણાટ થતો 'તો ત્યાં પાંખો કેરો પ્રણાશની :

હતો અસુરનો સિંહનાદ મારા શ્રવણો મધ્ય ગાજતો,

કવચે સજ્જ રાત્રીને યુદ્ધાહવાન અને તુમુલ નાદ એ

કંપમાન બનાવતા.

દેદિપ્યમાન મેં દીઠા અગ્રગામી સર્વસામર્થ્યવંતના,

વળતી જીવન પ્રત્યે તે કિનારી ઉપરે સ્વર્ગલોકની,

અંબરે નિર્મિતા સીડી જન્મની, તે પરે થઇ

તેઓ નીચે ટોળે ટોળે ઊતરી આવતા હતા;

દિવ્ય વૃન્દતણા અગ્રદૂત તેઓ પ્રભાત-તારકાતણા

પંથોમાંથી નીકળીને પ્રવેશતા

નાની શી કોટડીમાંહે મર્ત્યભાવી આપણી જિંદગીતણી.

જોયા મેં તેમને પાર કરતા યુગકાળની

ઝાંખી શી સાંધ્ય જ્યોતિને

સૂર્યચક્ષુ હતા તેઓ બાળકો કો ચમત્કારી ઉષાતણા,

હતા મહાન સ્રષ્ટાઓ,

વિશાળ તેમના ભાલે હતી શાંતિ વિરાજતી,

વિશ્વ કેરા મહાકાય બાધાબંધોતણા એ ભંજકો હતા,

હતા નિર્માણની સાથે કુસ્તીના કરનાર એ

ઈચ્છા કેરાં એનાં દંગલની મહીં,

મજૂરી કરનારાઓ હતા તેઓ ખાણોમાં દેવલોકની

અપ્રકાશ્યતણા તેઓ હતા સંદેશવાહકો,

હતા અમરતા કેરા તેઓ શિલ્પવિધાયકો.

આવ્યા 'તા તે માનવીના અધ:પતિત લોકમાં,

હજીય અમરાત્માની મહાદીપ્તિ તેમને વદને હતી,

૧૬૧


પ્રભુ કેરા વિચારોની સાથે સંબંધમાં હજી

અવાજો એમના હતા,

બ્રહ્યજ્યોતિ વડે દેહો હતા સુંદર એમના,

લાવ્યા તેઓ હતા શબ્દ ચમત્કારી,

હતા લાવ્યા રહસ્યમય અગ્નિને,

પ્રમત્ત હર્ષનો પ્યાલો મદના દેવતાતણો

તેમના હાથમાં હતો,

સમીપે આવતા 'તા એ આંખો સામે વધુ દિવ્ય મનુષ્યની,

અજાણ્યું સ્તોત્ર આત્માનું ગવાતું 'તું એમના અધરો પરે,

કાળની પરસાળોમાં સુણાતો 'તો એમના પદનો ધ્વનિ.

જ્ઞાન, માધુર્ય, સામર્થ્થ અને પરમ શર્મના

હતા તેઓ ઉચ્ચકક્ષ પુરોહિતો,

આવિષ્કાર સૌન્દર્ય કેરા સૂર્ય-પ્રભ પંથોતણા હતા,

તરવૈયા હતા પ્રેમ કેરાં હાસ્ય કરતાં દીપ્ત પૂરના,

ને પ્રહર્ષણના સ્વર્ણ-દ્વારી નૃત્યગૃહના નર્તકો હતા,

એમને પગલે એક દિન દુઃખી દુનિયા પલટી જશે

ને ન્યાય્ય ઠરશે જ્યોતિ છે જે પ્રકૃતિને મુખે.

જોકે પારપાર ઊર્ધ્વે હજુએ છે ભાગ્ય વાર લગાડતું,

ને જેમાં શક્તિ હૈયાની આપણી ખરચાઈ છે

તે કાર્ય છે ગયું વ્યર્થ એવું જોકે જણાય છે,

છતાં યે આપણે જેને માટે દુઃખ સહેલ  છે

તે સર્વ સિદ્ધિ પામશે.

પૂર્વે પશુ પછી જેમ માનવીનું આવાગમન છે થયું,

બરાબર થશે તેમ મર્ત્ય કેરી અદક્ષા ગતિની પછી,

વૃથા શ્રમ, પસીનો ને રક્ત ને અશ્રુઓ પછી

ઉચ્ચ વારસ આ દિવ્ય અવશ્યમેવ આવશે :

જેને વિચારવાની યે

માંડ માંડ હામ ભીડી શકે છે મન મર્ત્યનું

તેનું એ જ્ઞાન પામશે,

ને હૈયું મર્ત્યનું જેને માટે સાહસ ખેડવા

શક્તિમાન નથી, તેને એ કરી પાર પાડશે.

માનવી જિંદગી કેરા શ્રમનો વારસો લઇ

દેવોનો ભાર પોતાની પર એહ ઉપાડશે,

પૃથ્વી કેરા વિચારોને મળવાને

૧૬૨


સામર્થ્ય સ્વર્ગનું ભૂનાં હૈયાંઓને મજબૂત બનાવશે,

કૃત્યો પૃથ્વીતણાં કૂટ અતિમાનુષ સ્પર્શશે,

પૃથુતા પામશે દૃષ્ટિ પૃથ્વી કેરી અનંતમાં.

ભારે, ન બદલાયેલું ભારકારી છે અપૂર્ણ જગત્ હજુ;

જુવાની કાળની ભવ્ય ગઈ ચાલી ને છે નિષ્ફળ નીવડી;

વર્ષો ભારે અને લાંબાં શ્રમકાર્ય આપણું ગણતું રહે,

ને હજી માનવાત્માની પર મારી મુદ્રાઓ મજબૂત છે,

ને પુરાતન માતાનું હૈયું છે થાકથી ભર્યું.

છૂપા પોતાતણા સૂર્યે સંરક્ષાયેલ સત્ય હે !

બંધ સ્વર્ગોમહીં એનાં ઊંડાણોમાં પ્રકાશતાં,

સંકેલાયેલ ચીજોની પર એનાં જે મહાબલ ચિંતનો

ચાલી રહેલ છે તેના અવાજ હે !

હે ઋતજ્ઞાનની દીપ્તિ ! માતા હે વિશ્વલોકની !

હે વિધાત્રી !  કલાકાર વધૂ હે શાશ્વતાત્મની !

કીમિયો કરતા તારા કર સાથે કર ઝાઝો વિલંબ ના,

કાળની એક સોનેરી પટ્ટિકા પર એહને

દાબી એને રાખતી ના નિરર્થક,

જાણે કે પ્રભુની પ્રત્યે

નિજ હૈયું ખોલવાની હામ કાળે ભીડવી નવ જોઈએ.

ઊર્ધ્વે જગતથી મુક્ત અને અપ્રાપ્ય તું, છતાં

વિશ્વની પ્રમુદા કેરા પ્રભવ પ્રસ્ફુરંત હે !

ઢૂંઢતા માણસો જેને બ્હાર ને ના જેને કદીય પામતા

એવા હે પરમાનંદમૂર્ત્તિ ગુપ્ત રહેલી ગહરાઈમાં !

મંત્રપૂતા જીભવાળી રહસ્યમયતા અને

દેવી ઓ હે કલાતણી !

તારી શક્તિતણો શુભ્ર ભાવાવેશ મૂર્ત્તિમંત બનાવ તું,

તારું સ્વરૂપ કો એક ઉચ્છવસંતું પાઠવ પૃથિવી પરે.

તારી શાશ્વતતાથી તું ભરી દે ક્ષણ એકને,

તારી અનંતતાને દે વસાવી એક દેહમાં, 

લો એક મનને વીંટી સર્વજ્ઞાન જ્યોતિના સાગરોમહીં,

એક માનવ હૈયામાં તારો સર્વપ્રેમ એકલડો સ્ફુરો.

અમર્ત્ય મર્ત્ય પાયોએ પગલાંઓ પૃથિવી પર પાડતી

સ્વર્ગનું સર્વ સૌન્દર્ય સમૂહાવ અંગોમાં અવનીતણાં ! 

૧૬૩


હે સર્વશક્તિમત્તા !  તું આવરી લે પ્રભુ કેરા પ્રભાવથી

ક્રિયાઓ ને ક્ષણો સર્વ મર્ત્ય સંકલ્પશક્તિની,

શાશ્વત બળથી એક ઘટિકાને મનુષ્યની

દે ઠસોઠસ તું ભરી,

એક સંકેતથી નાખ પલટાવી સારા ભવિષ્ય કાળને.

શિખરો પરથી એક મહાશબ્દ સુણાવ તું

અને એક મહાકૃત્યે તાળાં ખોલ ભાગ્યનાં બારણાંતણાં."

 

વિરોધ કરતી રાત્રીમહીં એની પ્રાર્થના તળીયે ઠરી

હજારો ઇનકારંતાં બળો દ્વારા દબયલી, 

જાણે કે પરમે ઊંચે ચડવા એ હોય અત્યંત દુર્બલા.

કિંતુ સંમતિ દેનારો વિશાળો ત્યાં શબ્દ એક સમુદભવ્યો;

આત્મા સૌન્દર્યનો આવિર્ભાવ પામ્યો અવાજમાં :

પ્રકાશ તરવા લાગ્યો

ચમત્કારી દર્શનીયા મૂર્ત્તિ કેરા મુખની આસપાસ ત્યાં,

આનંદ અમરાત્માનો

રૂપધારી બન્યો એના અધરોષ્ઠતણી પરે.

" પોકાર મેં સુણ્યો તારો, અગ્રદૂત બલિષ્ઠ હે !

ઊતરી આવશે એક અને તોડી નાખશે લોહ-કાયદો,

કેવળ બ્રહ્યને બળે

પલટાવી નાખશે એ ભાગ્યરેખા નિસર્ગની.

આવશે મન એક જે

હશે સીમા વિનાનું ને સમાવેશ વિશ્વનો કરવા ક્ષમ,

સંચાલિત થતું ભાવાવેશોએ દેવલોકના

ઉત્સાહી શાંતિઓ કેરું ઉર મધુરું તીવ્ર આવશે.

સર્વે મહાબલો, સર્વે મહત્તાઓ એ એકે એકઠી થશે,

પૃથ્વી ઉપર સૌન્દર્ય ચાલશે સ્વર્ગલોકનું,

એના અલકની અભ્ર-જાલિકામાં પરમાનંદ પોઢશે,

ને પોતાને વાસ-વૃક્ષ પરે જેમ, તેમ તેને ક્લેવરે

અમર પ્રેમ પોતાની પ્રોજ્જવલંતી પાંખોને ફફડાવશે.

અશોક વસ્તુઓ કેરું એક સંગીત ગૂંથશે

એની મધુર મોહિની,

એના સ્વરતણી સાથે સિદ્ધોની વીણાઓ સૂર મિલાવશે,

એના હાસ્યે સ્વર્ગ કેરા સ્રોત્રો મર્મરતા થશે,

૧૬૪


એના ઓષ્ઠ બની જશે મધપૂડા મહેશના,

એનાં અંગો હેમ-કલશો બની જશે ઈશની સંમુદાતણા,

અને એના સ્તનો પુષ્પો પ્રહર્ષનાં

હશે નંદન-ધામનાં

નિજ નીરવ હૈયે એ જ્ઞાનપ્રજ્ઞાન ધારશે,

એની પાસે હશે શક્તિ વિજેતાની તરવાર સમોવડી,

ને એનાં નયનો દ્વારા શાશ્વતાત્માતણી પરમ સંમુદા

મીટ માંડી વિલોકશે.

મુહુર્તે મૃત્યુના ઘોર વવાશે એક બીજ, ને

માનવી ભોમમાં શાખા સ્વર્ગ કેરી બની આરોપિતા જશે;

જશે પ્રકૃતિ ઓળંગી પોતા કેરું પગલું મર્ત્ય કૂદકે,

એક નિશ્ચલ સંકલ્પે પલટો ભાગ્ય પામશે."

 

અનંત જ્યોતિમાં જેમ થાય જવાલા અલોપ કો,

નિજ પ્રભવામાં જાય શમી અમરભાવથી

તેમ અલોપતા પામી મહાદીપ્તિ અને શબ્દ શમી ગયો.

પ્રતિધ્વનિ મુદા કેરો એક્દાનો નજીકનો,

સંવાદિતા સરી કોક દૂરની ચુપકી પ્રતિ,

સમાધિ-લયને કાને સંગીત વિરમી જતું,

સ્વરાવરોહ આહૂત સ્વરારોહો દ્વારા દૂર-સુદૂરના,

સંકેલાયેલા રાગોમાં સ્વર એક પ્રકંપતો.

અભિલાષ ભરી પૃથ્વીથકી એનું રૂપ પાછું વળી ગયું,

ત્યકત ગોચારતા કેરી પરિત્યાગી સમીપતા

આરોહી એ ગયું પાછું અપ્રાપ્ય નિજ ધામમાં.

ક્ષેત્રો અંતરનાં ખાલી પડયાં એકલ દીપતાં;

ખાલી ખાલી ચિદાકાશ અસામાન્ય બન્યું બધું,

ઉદાસી રણવિસ્તાર સમુ્જજવલિત શાંતિનો.

પછી પ્રશાંતિની દૂર ધારે એક રેખા સંચાલિતા થઇ :

સ્નેહોષ્માગ્રી સસંવેદ મૃદુ ઉર્મિ ધરાતણી,

તેજીલો, બહુસૂરીલો મર્મરાટ અને હાસ્યતણો ધ્વનિ

આવ્યાં અવાજનાં ગૌર પગલાં ભરતાં સરી.

મૌનના ઉરના ઊંડા મહિમાનાં બારણાં ઊઘડી ગયાં;

સાવ સંપૂર્ણ ને ચેષ્ટા વિનાની સ્પંદહીનતા

મર્ત્ય વાયુતણા શ્વાસોચ્છવાસને શરણે ગઈ,

૧૬૫


સ્વર્ગો સમાધિનાં પાર વિનાનાં એ પિગાળતી

એ સમાપ્ત થઇ જાગ્રત ચિત્તમાં.

રહસ્યમયતા પૂઠે શબ્દહીન સુષુપ્તિની,

દૃષ્ટિથી દૂર આવેલાં પોતાનાં નિર્જનો પરે

ઢાળી દીધાં ઢાંકણાંઓ શાશ્વતીએ નિજ, સંપર્ક-પારનાં.

ભવ્ય વિરામ ને મોટો મોક્ષ પૂરા થઇ ગયા.

ખરતા કોઈ તારાથી હોય તેમ ભાગતી નિજ પાસથી,

ઉતાવળે સરી જાતિ ભૂમિકાઓ કેરી જ્યોતિમહીં થઇ

આત્મા એનો કાળ કેરું નિજ ધામ સમલવા

આવ્યો નીચે સુષ્ટ ચીજોતણા મોટા બજારમાં,

જ્યાં મચેલો હતો વેગ ને કોલાહલ લોકનો.

સ્વર્ગોનાં અદભુતો કેરો રથ એક વિશાળી નિજ બેઠકે

વહી જાનાર દેવોને ને તેજસ્વી ચક્રો ઉપર ચાલતો,

એવો અશ્વપતિ હવે

ધસ્યો અધ્યાત્મ દ્વારોમાં થઈને દીપ્ત દીપ્તિએ.

મૃત્યુલોકતણા કોલાહલે એને સત્કાર્યો નિજ મધ્યમાં.

એકવાર ફરીથી એ સ્થૂલ દૃશ્યોમહીં સંચારતો થયો,

ઊંચે ઉઠાવતાં એને શિખરોથી સૂચનો આવતાં હતાં,

ને ઘલામેલમાં મગ્ન માથું જયારે વચમાં વિરમી જતું

ત્યારે પ્રકૃતિની તાગ વિનાની ઊર્મિને અડી

આવનારા વિચારોનો સ્પર્શ એને થતો હતો,

જે વિચારો કરી સ્પર્શ જતા પાછા ઊડી ગુપ્ત તટો ભણી.

કલ્પના ક્ષેત્રમાં શોધ કરનારો એ સનાતન સાધક,

ઘેરાયેલો ઘડીઓના અસહિષ્ણુ દબાણથી

પ્રૌઢ ને ઝડપી કાર્યો માટે પાછો બલવાન બની ગયો.

જાગેલો ને રાત્રિ કેરા અજ્ઞ ગુંબજની તળે,

તારાઓના લોક એણે અસંખ્ય અવલોકિયા,

અતૃપ્ત પૂરનો પ્રશ્ન કરતો શબ્દ સાંભળ્યો,

રૂપ દેનાર ને માપ લેનાર મન સાથમાં

પરિશ્રમ નિષેવિયો.

ગૂઢ અદૃશ્ય સૂર્યોના દેશોમાંથી આવ્યો 'તો પર્યટંત એ,

ગૂઢ અદૃશ્ય સૂર્યોના દેશોમાંથી આવ્યો 'તો પર્યટંત એ,

ભંગુર વસ્તુઓ કેરા ભાગ્યને સિદ્ધિ અર્પતો,

ઉત્ક્રાંત પશુનું રૂપ લેનારો એક દેવતા,

એણે ઊંચું કર્યું માથું વિજેતાનું સ્વર્ગનાં ભુવનો પ્રતિ,

૧૬૬


આત્માના રાજ્યને સ્થાપ્યું જડતત્વતણી પરે

ને સીમાએ બદ્ધ એના જગત્ પરે,

અપાર સાગરોમાંના જેમ એક નકકૂર શૈલની પરે.

સંદિગ્ધ પૃથિવી-ગોલ કેરા અલ્પાલ્પ ક્ષેત્રમાં

પ્રાણના પ્રભુએ પાછાં

પોતા કેરાં મહાશક્ત મંડલોને શરૂ કર્યાં.

૧૬૭


 

ચોથો  સર્ગ   સમાપ્ત

 

ત્રીજું  પર્વ  સમાપ્ત

 

'સાવિત્રી' નો  પ્રથમ  ખંડ  સમાપ્ત