|
પ્રથમ સર્ગ
અજ્ઞેયની ખોજ
વસ્તુનિર્દેશ
જગત ગમે તેટલું આપે તો પણ તે ઓછું જ પડે છે, કેમ કે એની શક્તિ અને એનું
જ્ઞાન કાળે આપેલી બક્ષિસો છે, ને આત્માની પવિત્ર તૃષાને તે છિપાવી
શકતી નથી. એકસ્વરૂપનાં એ બધાં માહાત્મ્યવંતાં રૂપો છે ને એનો કૃપાના
ઉચ્છવાસથી જ આપણાં જીવનો ટકી રહેલાં છે. એ એક જ આપણું પોતાનું એકમાત્ર સત્ય
છે, પરંતુ એની ક્રિયાઓથી આવૃત હોઈ એ આપણે માટે અગમ્ય છે, ગૂઢ સ્વરૂપ છે,
નીરવ છે ને સ્પષ્ટ દેખાય કે સમજાય નહિ એવો છે.
રાજાની આગળથી વસ્તુઓને મનોહર બનાવનાર એનું સાન્નિધ્ય લોપ પામી ગયું હતું.
પોતાના કારણથી રહિત બનેલું જગત જીવ્યા કરતું હતું પણ તે પ્રિયતમના ગયા
પછીના પ્રેમની માફક અજ્ઞેયમાં જ્ઞાનમાત્રનો અંત આવ્યો. શક્તિ
સર્વશક્તિ-માનમાં પાછી સંકેલાઈ ગઈ. અંધકારની એક ગુહા શાશ્વત જ્યોતિને રક્ષી
રહી હતી. અશ્વપતિના પ્રયત્નપરાયણ હૃદયમાં એક નીરવતા જામી. જગતની કામનાઓના
અવાજોથી મુક્ત થઇ તે અનિર્વચનીય પ્રતિ વળ્યો. એક મહાસમુદાય ને શાંતિ
પોતાનામાં અને સર્વમાં સંવેદાતી હતી, છતાં તે હાથ આવતી નહિ; પાસે જતાં તે
દૂર સરકી જતી ને તેમ છતાં તે એને બોલાવતી જ રહેતી.
એ એકના વિનાનું સર્વ તુચ્છ બની ગયું હતું; એનું સાન્નિધ્ય નજીવીમાં નજીવી
વસ્તુનેય દિવ્ય બનાવી દેતું. એ દિવ્ય એકથી સર્વ કંઈ ભરપૂર હતું છતાં તે
સ્પર્શગમ્ય બનતું નહોતું. કંઈ કોટિક ભુવનોને એ સર્જતું, પ્રલય પમાડતું. એ
લાખો નામો ને રૂપો ધારણ કરતું, છતાં એ કોણ હતું તેની રાજાને ખબર ન
પડી. એનાં આગેકદમને એક જંગી સંદેહ છાયાગ્રસ્ત બનાવી દેતો હતો, છતાં એ
જેમતેમ કરીને ચાલતો રહ્યો. સમજાય નહીં એવાં બળો એની ઉપર દબાણ કરતાં હતાં
અને મદદ પણ આપતાં હતાં. ચડતો ચડતો રાજા એક એવે શિખરે આવ્યો કે જ્યાં
સર્જાયેલું કશું જ રહેતું નહોતું. જ્યાં બધી આશાને ને ખોજને અટકી
પડવું પડે છે, એવી એક અસહિષ્ણુતા ને અનાવૃત સત્યની સમીપમાં એ આવી ઊભો.
૧૦૪
ત્યાં અપાર પરિવર્તનપૂર્ણ શૂન્યાકારતા હતી. ત્યાં પોતે અત્યાર
સુધીમાં જે કંઈ બનેલો હતો, ને હવે પછી જેમાં વિકાસ પામવાનો હતો તે સર્વને
પાછળ મૂકવાનું હતું, યા તો જેનું કશું નામ નથી તે તત્ માં તેને રૂપાંતર
પમાડવાનું હતું.
વિચારની ગતિનો અંત આવ્યો, સંકલ્પની ચેષ્ટા અટકી પડી, અજ્ઞાને ઊભી કરેલી
ઈમારતો ધબી ગઈ અને વિશ્વના આધાર રૂપ જે આત્મા હતો તે સુદ્ધાં
મૂર્ચ્છનામાં પડયો. સર્વ કંઈ સુખપૂર્ણ શૂન્યમાં શમી ગયું. વિશ્વનું મન
કલ્પી શકે એવું કશુંય બાકી ન રહ્યું. સ્થળ અને કાળ લોપ પામવાને તૈયાર
થયાં. અમર આત્મા અને ઈશ્વરી સત્ -તા અજ્ઞેયમાંથી ઉદભવેલી કપોલકલ્પિત કથા
જેવાં બની ગયાં. તત્ માંથી સર્વ ઉદભવતું, તત્ માં સર્વ શમી જતું, પરંતુ તે
तत् શું હતું તે કોઈ વિચાર કે દૃષ્ટિ કહી શકતાં
નહોતા.
અવકાશના ભાન વિનાની એક બૃહત્તા વ્યાપેલી હતી. કાળથી વિચ્છેદાયેલી એક
નિત્યતાએ, એક અદભુત ને અવિકારી શાંતિએ જગતને ને જીવને નિર્વાસન આપ્યું
હતું.
આખરે રાજાની ખોજને એક અદ્વિતીય સત્યતાએ ઉત્તર આપ્યો. એની સામે એક ભાવહીન,
શબ્દહીન, અગાધ શાંતિમાં પ્રવિલીન અભેદ રહસ્યમયતાથી ભરેલી એ આવીને ઊભી થઇ.
એના બૃહત્ સ્વરૂપમાં ન હતી. ક્રિયા કે ન હતી ગતિ. જીવનનો પ્રશ્ન જીવનના હોઠ
ઉપર જ ત્યાં અંત પામતો. ભુવનોનો આયાસ પોતાના અજ્ઞાનની ખાતરી થતાં ત્યાં
વિરમી જતો. જાણવાની જરૂરવાળું ત્યાં મન નહોતું, પ્રેમની જરૂરવાળું
ત્યાં હૃદય નહોતું. એની અનામિતામાં વ્યક્તિરૂપ વિલય પામી જતું. એ હતું તે
પોતે જ પોતાનું સત્ય હતું, અરૂપ, અલક્ષણ અને અવાક્ ; પોતે જ પોતાને પોતાના
અકાળ આત્માથી જાણતું, ન સર્જાયેલું ને ન જન્મેલું. એને લીધે સૌ જીવતું,
પોતે કોઈનાથી જીવતું નહીં. એ હતું અમેય, જ્યોતિર્મય અને રહસ્યમય, અવ્યક્તના
પડદાઓ પૂઠે રક્ષાયેલું, પરિવર્તન પામતા વિશ્વના વ્યવસાયથી ઊર્ધ્વમાં,
સર્વોચ્ચ ને નિર્વિકાર, સૌનું મૌન કારણ, ગૂઢ અને અગમ્ય, અનંત ને સનાતન,
અચિંત્ય અને એકાકી.
|
|
અત્યંત અલ્પ છે સર્વ જે આપી શકતું જગત્ :
એનાં શક્તિ અને જ્ઞાન કાળના ઉપહાર છે,
ને છીપાવી શકે ના એ પવિત્રા આત્મની તુષા.
જોકે મહાત્મ્યવંતાં છે રૂપો આ એકરૂપનાં,
ને કૃપોચ્છવાસથી એના આપણાં જીવનો ટકે,
સમીપતર જોકે છે આપણી એ સક્ષાત્ સમીપતાથકી,
છતાંયે આપણે જે કૈં છીએ તેનું સાવ સંપૂર્ણ રૂપ એ; |
૧૦૫
|
|
પોતાની જ ક્રિયાઓથી આચ્છાદાઈ લાગતું 'તું સુદૂર એ,
અગમ્ય, ગૂઢ, નિ:શબ્દ અને અસ્પષ્ટતાભર્યું.
જેનાથી વસ્તુઓ સર્વ મનોહારી બની જતી
તે સાન્નિધ્ય થઇ લુપ્ત ગયું હતું,
એ જેનાં ચિહ્ ન આછાં તે મહિમાનો અભાવ લાગતો હતો.
નિજ કારણથી રિક્ત બનાવાયું જગ જીવી રહ્યું હતું,
મુખ પ્રીતમનું દૂર થતાં જેમ પ્રેમ તેવા પ્રકારથી.
પ્રયાસ જાણવા કેરો લાગતો 'તો મન કેરો વૃથા શ્રમ;
અજ્ઞેયરૂપમાં અંત આવતો સર્વ જ્ઞાનનો:
સત્તા ચલાવવા કેરો યત્ન મિથ્થા ગર્વ સંકલ્પનો હતો;
કાળ કેરો તિરસ્કાર પામેલી ક્ષુદ્ર સિદ્ધિ શું
સામર્થ્થ સૌ જતું પાછું ફરી સર્વસમર્થમાં.
અંધકાર-ગુહા એક રક્ષે શાશ્વત જ્યોતિને.
પ્રયાસ કરતા એને હૈયે એક ઠરી નીરવતા ગઈ;
વિશ્વની કામના કેરા સાદોમાંથી મુક્તિ એ મેળવી વળ્યો
અનિર્વાચ્ચતણા કાલાતીત આહવાનની પ્રતિ.
સત્ -તા એકા અંતરંગી, પરિચેય ને નામથી,
સંમુદા ને શાંતિ એક વિશાળી ને વશવર્તી બનાવતી,
સ્વમાં ને સર્વમાં સંવેદાતી તો ય પકડે નવ આવતી
આવતી પાસ ને લુપ્ત થતી એના આત્માની માર્ગણાથકી,
જાણે ના હોય હંમેશ લલચાવી પારપાર લઇ જતી.
નજીક આવતાં પાછી હઠી જાતી,
દૂરવર્તી એને બોલાવતી ફરી.
એના આનંદને છોડી કશું બીજું સંતોષી શકતું ન 'તું:
અનુપરિસ્થિતિમાં એની સૌથી મોટાં કર્યો નીરસ લાગતાં,
એના સાન્નિધ્યથી સૌથી નાનાં દિવ્ય બની જતાં.
એ જ્યારે ત્યાં હતી ત્યારે હૈયા કેરા ગર્તનાં પૂરણો થતાં;
કિંતુ ઉદ્ધારતી જયારે દેવતા એ પાછી ચાલી જતી હતી
ત્યારે અસ્તિત્વનું લક્ષ્ય શૂન્યકારમાં.
અસ્માર્ત ભૂમિકાઓની વ્યવસ્થાબંધ પાયરી,
પૂર્ણતા કરણો કેરી દેવતાઈ પ્રકારની
અનિત્ય ક્ષેત્રને માટે ટેકારૂપે પલટાવાયલી હતી.
કિંતુ સામર્થ્થ એ કોણ હતું તેની જાણ એને હજી ન 'તી.
અસ્પર્શગમ્ય ને તેમ છતાં જે કૈં છે તેને ભરનાર એ
|
૧૦૬
|
|
કોટિક ભુવનોને એ રચતું ને મિટાવી નાખતું વળી,
હજારો નામ ને રૂપ ધારતું ને પાછાં ગુમાવતું હતું.
ધારતું એ હતું વેશ ઓળખાય નહીં એવા વિરાટનો,
કે એ ચૈત્યાત્મમાં સૂક્ષ્મ સાર રૂપે રહ્યું હતું:
ભવ્યતા દૂરની એને ભીમકાય બનાવતી
યા અસ્પષ્ટ રૂપમાં રાખતી હતી,
નિગૂઢ ગાઢતામાં એ પુરાયેલું હતું માધુર્યથી ભર્યું:
કદાચિત્ લાગતું 'તું એ કલ્પનાની કૃતિ કે કાય-કંચુક,
કે કદાચિત્ પ્હાડ જેવી પોતની જ છાયા શું ભાસતું હતું.
રાક્ષસી એક સંદેહ એની આગેકૂચને છાવરી રહ્યો.
એકાકી અમરાત્માને રાજા કેરા જેનું રિક્તત્વ પોષતું
તે તટસ્થ અને સૌને ટકાવંતા ખાલીખમ મહીં થઇ,
કો ગૂઢ પરમ પ્રત્યે પ્રલોભાતો,
સમસ્યારૂપ છે એવાં બળોની સાહ્ય પામતો,
ને તેમનાં દબાણોથી નિરુપાય બની જતો,
અભીપ્સા સેવતો, અર્ધ-ડૂબતો, ને ઊર્ધ્વે ઉદ્ ધૃત આવતો,
અપરાજેય આરોહ્યો એ વચ્ચે અટકયા વિના.
એક અસીમતા સંજ્ઞાહીન અસ્પષ્ટ સર્વદા
હતી ત્યાં ધ્યાનમાં લીન, જેની પાસે જવાનો માર્ગ ના હતો,
અંતવંતી વસ્તુઓને દંડીને જે શૂન્યરૂપ બનાવતી,
ને અસંમેયને રાજા સામે સંસ્થાપતી હતી.
પછી આરોહણે એના સુપ્રચંડ આવી અવધ એક ત્યાં:
કૂટે એક પહોંચાયું જ્યાં જાયેલું કો જીવી શકતું ન 'તું,
જહીં પ્રત્યેક આશાએ અને શોધે અટકી જ જવું પડે
એવી સીમારેખ એક આવી પ્હોંચી
અસહિષ્ણુ અને ખુલ્લી સત્યતાની સમીપમાં,
મીડું એક બન્યું જેની મહીં ગર્ભ
સીમાતીત પરિવર્તનનો હતો.
દિગ્મૂઢ જે બનાવી દે એવી એક કિનાર પે,
બધા યે જ્યાં છળવેશ સરી પડે,
ને પદત્યાગ પોતાનો કરીને જ્યોતિની મહીં
માનવીના મનને જ્યાં જવું પડે,
યા શુદ્ધ સત્યની ઝાળે ઝંપલાવી
ફૂદા પેઠે પંચત્વ પામવું પડે,
|
૧૦૭
|
|
ત્યાં ઊભો એ, બળાત્કારે કરવી જ્યાં પડે ઘોર પસંદગી.
આ પૂર્વે જે હતો પોતે ને જે સર્વ પ્રત્યે વાધી રહ્યો હતો,
તે સૌને છોડવાનું છે હવે પૂઠે, યા રૂપાંતર એહનું
અનામી
तत्-સ્વરૂપે છે સાધવાનું અવશ્ય ત્યાં.
એકાકી, સંમુખે એક અસ્પર્શગમ્ય શક્તિની
જે વિચારતણા ગ્રાહ માટે કૈં આપતી ન'તી,
આત્મા એનો શૂન્ય કેરા સાહસાર્થે સામે મોઢે જતો હતો.
રૂપનાં જગતો દ્વારા પરિત્યક્ત કરતો 'તો પ્રયત્ન એ.
ફૂલપૂર્ણા વિશ્વવ્યાપી અવિધા ત્યાં ડૂબીને તળિયે ઠરી;
યાત્રા વિચારની લાંબાં લેતી ચક્કર દૂરનાં
પોતાના અંતના સ્થાને જઈ અડી
ને કર્તૃ ભાવ સંકલ્પ નિષ્પ્રભાવ બનીને અટકી પડયો.
સત્-તા કેરી પ્રતીકાત્મ પ્રણાલીઓ સાહ્ય કૈં કરતી ન'તી,
ઈમારતો રચી'તી જે અજ્ઞાને તે ભોંયભેગી થઇ ગઈ,
ને વિશ્વ ધારતો આત્મા સુધ્ધાં ઓછો થતો થતો
ધુતિમંતી અપર્યાપ્ત સ્વસ્થામાં મૂર્છામગ્ન બની ગયો.
સૃષ્ટિ સૌ વસ્તુઓ ઊંડે અગાધે ઓસરી જતાં,
નાશ પામંત પ્રત્યેક આધાર પાર સંચરી,
અને સમર્થ પોતાના મૂળ સાથે આવી આખર યોગમાં,
પૃથક્-સ્વરૂપ સત્તાનો રહ્યો વિલય સાધવો
યા તો મનતણી પ્હોંચી શકે અભ્યર્થના ન જ્યાં
ત્યાં તેની પારના સત્ય-રૂપે જન્મ નવીન પામવો ફરી.
મહિમા રૂપરેખાનો, માધુર્ય તાલમેળનું,
નકારાયેલ ચારુત્વ સમ તુચ્છ સ્વરોતણા
બ્રહ્યાત્માના નગ્ન રૂપ મૌનમાંથી બહિષ્કૃત બની બધું
મૃત્યુ પામી ગયું સૂક્ષ્મ સુખપૂર્ણ અભાવમાં.
સ્રષ્ટાઓએ ગુમાવ્યાં ત્યાં પોતનાં નામ-રૂપને,
પ્રયોજીને રચ્યાં 'તાં જે મહાભુવન એમણે
તે ચાલ્યાં, લઇ લેવાયાં ને એકેક વિલોપાઈ ગયાં બધાં.
વિશ્વે દૂર કરી દીધું રંગરંગ્યું પોતાનું અવગુંઠન,
ને સૃષ્ટ વસ્તુઓ કેરી
મહાકાય સમસ્યાનો અકલ્પ્ય અંત આવતાં
દેખાયો દૂરથી દૃષ્ટ દેવ વિશ્વસમસ્તનો;
ચરણો દૃઢ મંડાયા
|
૧૦૮
|
|
હતા એના સુપ્રચંડ પાંખો ઉપર પ્રાણની,
અંતરાભિમુખી ભેદભરી એની મીટ હીરકની હતી.
ઉકેલ નવ પામેલાં
કાળચક્રો મંદ પાછાં નિજ મૂળ ભણી વળ્યાં
અદૃશ્ય અબ્ધિમાંથી એ ફરી ઉપર આવવા.
એના સામર્થ્યમાંથી જે ઉદભવ્યું'તું તે હવે સૌ મટી ગયું;
વૈશ્વિક મન કલ્પે છે તેમાંનું કૈં રહ્યું ના અવશેષમાં.
થઇ શાશ્વતતા સજ્જ પ્રવિલીન થઇ જવા,
રંગારોપણના જેવી લાગતી શૂન્યની પરે,
અવકાશ હતો એક સ્વપ્નના ફફડાટ શો
આવતો 'તો અંત જેનો ગહનોમાં અભાવનાં,
આત્મા જે મરતો ના ને સ્વરૂપ દેવરૂપનું
અજ્ઞેયમાંહ્યથી હોય પ્રક્ષેપાઈ
એવી મિથ્થા કથાઓ લાગતાં હતાં;
तत्માંથી ઉદભવ્યું સર્વ બોલાવતું
तत् મહીં વિરમીજવા.
કિંતુ तत् તે હતું શું તે ન કો વિચાર, દૃષ્ટિ વા
વર્ણવી શકતાં હતાં.
બાકી માત્ર રહેતું 'તું નિરાકાર રૂપ એકલ આત્મનું,
એકવાર હતું કૈંક તેની આછી છાયા કેવળ ભૂત શી,
નિ:સીમ સાગરે મગ્ન થાય છે તે પહેલાં અનુભૂતિ જે
કરે છે લોપ પામીને શમનારો તરંગ, તે,
જાણે છેક કિનારીએ ય શૂન્યની,
જ્યાંથી જન્મ્યો હતો પોતે તે મહાસિંધુરાજની
એને સંવેદના ખાલી રહી હો' અવશેષમાં.
અવકાશતણા ભાનમાંથી મુક્ત બૃહત્તા ચિંતને હતી,
કાપી મૂકી કાળમાંથી છૂટી પાડી દીધેલી એક નિત્યતા,
અવિકારી શાંતિ એક લોકોત્તર વિલક્ષણા
નીરવ ઈનકારંતી નિજમાંથી જગને અથ જીવને.
નિતાંત રૂક્ષ ને સાથી વિનાની એક સત્યતા
એના આત્માતણી ભાવાવેશે ભરેલ શોધને
અંતે ઉત્તર આપતી:
ભાવહીન શબ્દહીન ને નિમગ્ન અગાધ શાંતિની મહીં,
કો કદી ભેદવાનો ના
એવી એક ગુહ્યતાને પોતાનામાં સાચવી રાખતી હતી,
|
૧૦૯
|
|
રહસ્ય, અસ્પર્શગમ્ય, ચિંતનમગ્ન એ
નિજ મૂક મહાઘોર સ્થૈર્ય એની સામે ધારી રહી હતી.
વિશ્વ સાથે ન 'તી એને સગાઈ કો પ્રકારની:
એના વિરાટમાં એકે ક્રિયા ન્હોતી, હિલચાલે હતી નહીં:
એના મૌનતણો ભેટો થતાં પ્રશ્ન
જિંદગીનો હોઠે એના શમી જતો,
સંમતિ નવ પામેલો પરમોચ્ચ પ્રકાશની
અજ્ઞાનના ગુના માટે ગુનેગાર
વિશ્વકેરો પ્રયાસ વિરમી જતો:
મન નામે હતું ના ત્યાં
અને સાથે ન 'તી એની જાણવાની જરૂરતે,
હતું હૃદય ના પ્રેમ કરવાની અપેક્ષા રાખનાર કો.
વ્યકિતસ્વરૂપ આખું યે નાશ પામ્યું એની અનામતામહીં.
બીજું કોઈ હતું ના ત્યાં,
ન 'તું કોઈ ભાગીદાર કે ન 'તું કો સમોવડું;
પોતે જ એક પોતાને માટે વાસ્તવમાં હતો.
શુદ્ધ અસ્તિત્વ એ હતો,
વિચાર ને મનોભાવ એને ના બાધતા હતા,
હતો એ એક ચૈતન્ય ન બંટાતી અમરા સંમુદાતણું,
અળગો એ રહેતો 'તો પોતા કેરી કેવલાનંતતામહીં,
એકલો ને અદ્વિતીય, અવર્ણનીય એકલો.
આત્મા એક નિરાકાર, અલક્ષણ, અશબ્દ એ,
અકાળ નિજ આત્માથી આત્માને અવબોધતો,
નિજ નિશ્ચળ ઊંડાણોમહીં નિત્ય પ્રબદ્ધ એ,
સર્જતો એ નથી, પોતે સર્જાયેલો નથી, એ જન્મતો નથી,
એક એના વડે સર્વ જીવતા ને પોતે જીવે ન કોઈથી,
અપ્રમેય પ્રભાવંત રહસ્ય એ
રહે આવરણોએ એ રક્ષ્યું અવ્યક્તરૂપનાં,
વિશ્વના પલટો લેતા મધ્યરંગતણી પરે
સર્વોપરી વિરાજંતો, નિર્વિકાર, એનો એ જ સદૈવનો,
અબોધગમ્ય ને ગૂઢ મૌન કારણ રૂપ એ
અનંત, સર્વકાલીન ને અચિંત્ય એક કેવલ રાજતો.
|
૧૧૦
પ્રથમ સર્ગ સમાપ્ત
|