સર્ગ  પંદરમો

વિશાળતર  જ્ઞાનનાં  રાજયો

 

વસ્તુનિર્દેશ

 

        અકાળ ઊંડાણોમાં ડુબેલો અશ્વપતિનો આત્મા ફરીથી બહારના સ્તરોમાં પાછો આવ્યો. એકવારનું અનુભવેલું બધું સુદૂરનું બની ગયું. સાક્ષી પુરુષની ને એના જગતની ઊર્ધ્વમાં એ અસીમ નીરવતામાં આવી ઊભો ને ભુવનો જેણે રચ્ચાં છે તે શબ્દની રહા જોવા લાગ્યો. વિસ્તરેલી કેવળ જ્યોતિ એની આસપાસ હતી. નિશ્ચલ ને નિરાકાર, નિ:શબ્દ ને નિ:સંજ્ઞ નિર્બાધ ને નિત્યાનંદમાં લીન એક ચેતના એની આસપાસ હતી. ત્યાં આવતો વિચારની પારનો વિચાર, કાન ન સંભાળે એવો નીરવ સ્વર સંભળાતો; જ્ઞાતા જ્યાં જ્ઞાત સ્વરૂપ બની જાય છે એવું ત્યાં જ્ઞાન હતું, પ્રિયા ને પ્રિયતમ જ્યાં એકરૂપ હોય છે એવો ત્યાં પ્રેમ હતો. અનંત પ્રતિના સાંતના સમર્પણનો ત્યાં અંત આવતો.

         અશ્વપતિએ અજ્ઞેયના દરવાજા ઠોક્યા. ત્યાં જે અંતર્મુખી ને બહિર્મુખી દૃષ્ટિ પ્રાપ્ત થઇ તેનાં વડે એણે પરમાત્માના મહિમાના પ્રદેશો દીઠા. ત્યાં પ્રકાશમાન એક આત્માની દીપ્તિમંતી બહુરૂપતનાં દર્શન થયાં. હર્ષ હર્ષને ને પ્રેમ પ્રેમને ત્યાં પ્રત્યુત્તર આપતો હતો. બધા જ ત્યાં પરમાનંદનાં હાલતાં ચાલતાં ધામો હતાં, શાશ્વત ને અનન્ય એવા એકસ્વરૂપમાં રહેતા હતા. પ્રભુના સત્યનાં ત્યાં પ્રસ્ફોટનો થતાં. ત્યાંની વસ્તુઓ એ સત્યની વિશુદ્ધ અધ્યાત્મ-આકૃતિઓ હતી. ત્યાં વિશ્વથી ઊર્ધ્વમાં આવેલી શક્તિઓ જોવામાં આવી. વિશ્વમાં થતાં સર્વ પરિવર્તનોનું મૂળ ત્યાં હતું. ત્યાં અવસ્થિત થતાં રાજા આધ સ્રષ્ટાઓનો ને દ્રષ્ટાઓનો સમોવડો બની ગયો. ત્રિકાળ ત્યાં બાધક ભેદ ઊભો કરતો નહિ, એક જ દૃષ્ટિમાં તે ત્યાં સમાઈ જતો. ત્યાં સૌન્દર્યે સમુખનાં દર્શન દીધાં, સામાન્ય વસ્તુઓની ચમત્કારક્તાની પોથીની ચાવી ત્યાંથી મળી. મૌન જ્યાં ઘૂમરાતાં વિશ્વોના લયપ્રવાહી છંદને ધ્યાનથી સુણે છે ત્યાં તેણે ત્રિવિધ અગ્નિનાં સત્રો સેવ્યાં. સત્યતાનો અણબોલાયેલો સ્વર ત્યાં સંભળાયો. અમોધ શબ્દનું ત્યાં જન્મસ્થાન જોવામાં આવ્યું. અંત:સ્ફુરિત જ્ઞાનના

૯૩


આદિત્યનાં કિરણોમાં એ વસ્યો, વિશ્વસ્વપ્નની સોનેરી કિનારે આરોહ્યો, અવિકારી સત્યને પટે પહોંચ્યો. અવર્ણનીય પ્રકાશની સીમાઓનો એણે સમાગમ સાધ્યો, અનિર્વચનીયના સાન્નિધ્યે એને રોમાંચિત બનાવ્યો.

             એ ઊભો 'તો ઉપરની દિશે જાજવલ્યમાન કોટિઓની પરંપરા હતી. સૃષ્ટિને સેવતી પાંખો, સૂર્યનયન સંરક્ષકો, સુવર્ણ નારસિંહી મૂર્ત્તિ, અનશ્વર ઈશ્વરો ને નીરવ બેઠેલી સર્વજ્ઞતા ત્યાં દૃષ્ટિગોચર થયાં. જે જાણી શકાય એવું હતું તે સર્વને શિખરે એ પહોંચ્યો હતો. એની દૃષ્ટિ સૃષ્ટિના શિખરની તેમ જ પાયાના આધારની પાર પહોંચતી હતી. અંતિમ ગુહ્ય સિવાયનું બધું જ એનું ક્ષેત્ર બની ગયું હતું. અજ્ઞેયે પોતાની કિનારી લગભગ પ્રગટ કરી હતી.

              શાશ્વતીઓ શાશ્વતીઓને સાદ કરતી હતી ને તેનીય પાર સંદેશા નીરવ પાઠવતી. ઊર્ધ્વથીય ઊર્ધ્વે અને નિમ્નથીય નિમ્ને  કોટાનુકોટી શક્તિઓ મળતી ને એકમાં એકરૂપ બની જતી. એ સર્વેએ જીવનની સંવાદિતા સર્જી હતી ને તેમણે સારા અસ્તિત્વની ઉપર સત્તા સ્થાપી હતી. રાજા નિત્યપ્રબુદ્ધ જ્યોતિમાં નિવાસ કરતો હતો.

              અસત્ય જ્યાં કદી જઈ શકતું નહોતું તેવો એ પ્રદેશ હતો. ત્યાં સર્વ  પૃથક્ હોવા છતાંય એક હતા. અવ્યક્તસ્વરૂપનાં મહાસાગરમાં વ્યક્તપુરુષ ત્યાં વિશ્વાત્મામાં સ્થિર રહી ગતિ કરતો. એનાં કાર્યો પ્રભુની પારાવાર શાંતિનાં સાથીદાર હતા. દેહ ત્યાં દેહીને સોંપાયેલો હતો. ત્યાં દૂરનું ને નજીકનું આત્માવકાશમાં એકરૂપ હતું. ક્ષણોના ગર્ભમાં સમસ્ત કાળ રહેલો હતો. એકાત્મકતામાંથી પ્રક્ષિપ્ત જવાલા જેવી ત્યાં દૃષ્ટિ હતી. જીવન ત્યાં આત્માની અદભુત યાત્રા હતું, ને ભાવ વિશ્વવ્યાપી આનંદની લહરીરૂપ હતો.

               બ્રહ્મની શક્તિના ને જ્યોતિના રાજ્યમાં રાજા અનંતતાના ગર્ભમાંથી આવ્યો હોય એવો નવજાત બની ગયો ને અકાલ બાલના જ્ઞાનની વૃદ્ધિ પામ્યો. સર્વની અંદર  એ વિચારતો, ભાવાનુભવ કરતો. એની દૃષ્ટિમાં પ્રભાવ હતો. અપ્રકાશ્યની સાથે એનું આત્માનું સંધાન હતું, મોટાં મોટાં ચૈતન્યવંતાં સત્ત્વો સાથે એનું સખ્ય હતું, અદભુતાકર સત્તાઓ એની સમીપ આવતી, જીવનના પડદા પાછળના દેવો એની સાથે વાર્તાલાપ કરતા. આદ્ય શક્તિએ એને પોતાની ગોદમાં લઇ લીધો હતો. એના મસ્તિષ્કની આસપાસ પરાસ્ત કરી નાખતો પ્રકાશ ફરી વળ્યો હતો. સર્વને આશ્લેષમાં લેતા જ્ઞાને એના હૃદયને બંદીવાન બનાવી દીધું. અધિમનસનાં રહસ્યોનું એણે નિરીક્ષન કર્યું, પરમાત્માનો પરમાનંદ પોતામાં પધરાવ્યો. સૂર્યના સામ્રાજ્યની સીમાઓ પર એ સંચરતો હતો, અલૌકિક સંવાદિતાઓ સાથે એનો લયમેળ હતો, સૃષ્ટિને શાશ્વત સાથ એ સંયોજતો હતો. રાજાના અંતવંત અંશો એમની પરાકાષ્ટાઓ પર્યંત પહોંચ્યા હતા. એનાં કાર્યોમાં દેવોની પ્રવૃતિઓ ઢળાઈ ગઈ, એનાં સંકલ્પે વિશ્વશક્તિનો દોર હાથમાં લીધો.

૯૪


ચૈત્યાત્માની અપ્રમેય એક ક્ષણતણી પછી

હતો જ્યાં ઉતાર્યો પોતે તે અકાળ અગાધોમાંહ્યથી પુન:

આ સપાટીતણાં ક્ષેતત્રો પ્રતિ પાછો ફરેલ એ

સુણતો કાળનાં ધીરાં પગલાંનો એક વાર ફરી ધ્વનિ.

જે એક વાર જોવાયું ને જીવાયું તે સુદૂર હતું હવે;

પોતે જ એક પોતાને માટે એકમાત્ર દૃશ્ય બન્યો હતો.

સાક્ષી પુરુષ ને તેનાં વિશ્વથી ઊર્ધ્વની મહીં

ઊભો એક પ્રદેશે એ હતાં મૌનો અસીમ જ્યાં,

વાટ જોતો શબ્દની જે બોલતો ને વિશ્વોને રચતો હતો.

વિશાળ કેવલા એક જ્યોતિ એની આસપાસ હતી તહીં,

હતી હીરાકના જેવી શુદ્ધિ શાશ્વત દૃષ્ટિની;

રૂપોથી રિક્ત પોઢી 'તી ચેતના એક નિશ્ચલા,

હતી જે મુક્ત નિ:શબ્દ, બાધા જેને લિંગ-નિયમની ન 'તી,

સદા સંતુષ્ટ જે રે'તી અસ્તિમાત્રને ને માત્ર સંમુદાથકી;

એક એવા આત્મ કેરી ખાલી અનંત ભૂમિએ

અસ્તિત્વમાત્ર પોતાની શાંતિમાં વસ્તું હતું.

મનના ક્ષેત્રમાંથી એ નીકળીને આરોહ્યો ઊર્ધ્વમાં હતો,

રાજ્ય પ્રકૃતિની રંગ-છાયાઓનું હતું પરિત્યજયું;

વસ્યો 'તો એ નિજાત્માની વર્ણહીન વિશુદ્ધિમાં.

અનિર્ધારિત આત્માની હતી એ એક ભૂમિકા

જે બની શકતી શૂન્ય, યા પૂર્ણાંક સરવાળો સમસ્તનો,

અવસ્થા એક જેમાં સૌ શમતું ને શરૂ થતું.

કેવલરૂપનાં રૂપો ક્લ્પતું જે તે બધું એ બની જતી,

વિલોકી શકતો આત્મા વિશ્વોને સ્થિત જ્યાં રહી

તે તુંગતુંગ ને મોટું શૃંગ વિરાટ એ હતી,

પ્રશાંતિનો હતી પ્રાદુર્ભાવ, મૂક ધામ એ જ્ઞાનનું હતી,

હતી સર્વજ્ઞતા કેરું એ અવસ્થાન એકલું,

સનાતનતણી શક્તિ માટે નીચે

કૂદવાને રાખેલું પાટિયું હતી,

આનંદમયને ધામે તલભોમ હતી શુચિ.

વિચાર પાર પ્હોંચે છે તે વિચાર અહીંયાં આવતો હતો,

શ્રવણો આપણા જેને સાંભળી શકતા નથી

તે અવાજ અહીં નીરવ હોય છે,

હોય છે જ્ઞાન જેનાથી જ્ઞાતા જ્ઞાતસ્વરૂપ જાય છે બની, 

૯૫


અહીં છે પ્રેમ  જેનામાં

પ્રેમી પ્રેમપાત્ર સાથે એકરૂપ બની જતો.

અવસ્થિત હતા સર્વ મૂળની પૂર્ણતામહીં,

નિજ વૈશ્વિક કર્મોના દીપ્તિમંત સ્વપ્નને સરજી શકે

તે પૂર્વ ચુપકીદીમાં ને કૃતાર્થા પૂર્ણતાની મહીં હતા;

અધ્યાત્મ-જન્મનો જન્મ આ ઠેકાણે થતો હતો,

અનંત પ્રતિના સાંત કેરા સર્પણનું અહીં

સમાપન થતું હતું.

હજારો માર્ગ કૂદીને શાશ્વતીમાં જતા હતા

યા તો પ્રાકટય પામેલા

પ્રભુના મુખની ભેટે ગાતા દોડભેર જતા હતા.

જ્ઞાતે મુક્ત કર્યો એને સીમાબદ્ધ કરતી શૃંખલાથકી,

બારણાંનો જઈ ઠોક્યાં એણે અજ્ઞેયરૂપનાં.

પછી ત્યાંથી

નિજ શુદ્ધ વિરાટોમાં આત્મા કેરી જે અંતર્દૃષ્ટિ હોય છે

તેની સાથે તદાકાર બહિર્દૃષ્ટિ બનાવીને અમાપિતા

આત્મા કેરા પ્રદેશોનો જોયો એણે મહાવૈભવ દીપતો,

એનાં અસીમ કાર્યોનો મહિમા ને અજાયબી,

શક્તિ જોઈ અને ભાવોદ્રેકે એની શાંતિમાંથી છલંગતો,

જોયો પ્રહર્ષ જે એની ગતિમાં છે ને છે એનાં વિરામમાં,

પારી જિંદગી કેરી દીપ્ત-મીઠી જોઈ એણે ચમત્કૃતિ,

એક એનો એ જ સર્વમય અદભુત રૂપ જે

તેના દર્શનની એની અવિભક્ત જોઈ પકડ, જે હતી

કોટી નિર્દેશથી ભરી,

એનાં ખૂટે નહીં એવાં કર્મ જોયાં કાલરહિત કાલમાં,

જોયું આકાશ જે પોતે છે પોતાની અનંતતા.

ગુણકાંક મહાભવ્ય એક ભાસ્વંત આત્મનો,

હર્ષ દ્વારા હર્ષને પ્રેમ દ્વારા દેતો ઉત્તર પ્રેમને,

હતા જંગમ આવાસો સઘળા ત્યાં પ્રભુની સંમુદાતણા;

એક્સ્વરૂપમાં તેઓ રહેતા 'તા અદ્વિતીય સનાતન.

પ્રભુના સત્યના મોટા પ્રસ્ફોટો છે બલો તહીં,

ને પદાર્થ છે વિશુદ્ધ એનાં અધ્યાત્મ રૂપ ત્યાં;

આત્મા નથી છુપાઈ ત્યાં રહેતો નિજ દૃષ્ટિથી,

છે સચેતનતા સર્વ સુખો કેરો સમુદ્ર ત્યાં,

૯૬


ને સારી સૃષ્ટિ છે એક ક્રિયા જ્યોતિતણી તહીં.

નિજાત્માના ઉદાસીન મૌનમાંથી

ઓજ ને શાંતિનાં એનાં ક્ષેત્રો તરફ વળ્યો,

ને જોઈ શક્તિઓ ત્યાં જે વિશ્વ માથે ખડી હતી,

કર્યા પસાર વિસ્તારો રાજ્ય કેરા પ્રમોદાત્ત ભાવના,

ને સૃષ્ટ વસ્તુઓ કેરા શૃંગોને ચહ્યું,

સર્વસમર્થ ઉત્પતિસ્થાન વિશ્વ-વિવર્તનું.

જહીં અંતરના ભવ્ય ભાવ મધ્યે છે વિચાર ગ્રહાયલો.

શાંતિના સિંધુની પાર તરી જ્યાં  લાગણી જતી,

અને દર્શન આરોહે કાળની પ્હોંચ પાર જ્યાં

ત્યાં પોતાનાં ગૂઢ શૃંગો પ્રતિ જ્ઞાને એને આહવાન આપિયું.

આદિ સર્જક દ્રષ્ટાઓતણો એહ સમોવડો,

સર્વને પ્રકટાવંતી જ્યોતિના સહચારમાં

સંચર્યો એ પ્રદેશોમાં થઇ પાર પાર આવેલ સત્યના,

અંતવર્તી ને અસીમ સત્ય છે જે એક બહુ બન્યા છતાં.

હતું અંતર ત્યાં ભીમકાય વિસ્તાર સ્વાત્મનો;

મનની કલ્પનાઓની મિથ્થા દૃષ્ટિમાંથી મુક્ત થઇ જતાં

વિભક્ત કરતા કાળ કેરા ત્રિવિધ વિક્રમો

બાધાઓ રચતા ન'તા;

અનિવાર્ય અને ચાલુ રહેતો સ્રોત્ર એહનો

લાંબા પ્રવાહની એની આવિર્ભાવો કરનારી પરંપરા

આત્મા કેરી એકમાત્ર સુવિશાળ દૃષ્ટિમાં આવતી હતી.

વિશ્વે વ્યાપેલ સૌન્દર્ય મુખડું બતલાવતું;

આ લોકે રૂપના જાડા પડદાની પૂઠળે સચવાયલા,

અદૃશ્ય, ગહને લાધા અર્થો અશ્વપતિ કને

અમર્ત્ય નિજ સંવાદી મેળને પ્રકટાવતા,

ચાવી બતાવતા એને સામાન્ય વસ્તુઓતણા

આશ્ચર્યમય ગ્રંથની.

ઉદ્ધારંતી શક્તિ કેરાં પ્રમાણો બહુતાભર્યાં

તેમના એકતા દેતા ધર્મ સાથે પ્રકટીને ખડાં થયાં,

રેખાઓ પ્રકટી વિશ્વ કેરા ભૂમિતિકારના

શિલ્પની પ્રક્રિયાતણી,

અને સંમોહનો જાળ જગ કેરી ટકાવતાં,

ને જાદૂ જે રહેલો છે સાદી આકૃતિઓ તળે

૯૭


તે બધાયે પામ્યાં પ્રકટરૂપતા.

શિખરો પર જ્યાં મૌન નિ:સ્પંદ હૃદયે સુણે

ધ્યાનથી ઘૂમરી લેતાં વિશ્વોનાં છંદ-ડોલનો,

ત્યાં તેણે યજ્ઞનાં સત્રો સેવ્યાં ત્રિવિધ અગ્નિનાં.

બે મહાખંડને પ્રાંતે ઘોર ઘેરી નિદ્રાના ને સમાધિના

હમેશાં વણબોલાયો શબ્દ એણે સાંભળ્યો સત્યતાતણો

જગાડંતો દૃષ્ટિના ગૂઢ સાદને,

શોધી કાઢ્યું જન્મસ્થાન અણચિંત્યા અને અમોઘ શબ્દનું

ને અંતર્જ્ઞાનના એક સૂર્ય કેરાં કિરણોમાંહ્ય એ વસ્યો.

મેળવી મુક્તિ બંધોથી મૃત્યુના ને સુષુપ્તિના

વૈશ્વિક મનના વિધુત્સાગરોનો અસવાર બની ગયો,

ને મહાબ્ધિ કર્યો પાર એણે આદિમ નાદનો;

દિવ્ય જન્મે લઇ જાતા છેલ્લા પગથિયા પરે

ચાલ્યો એ સાંકડી ધારે ધારે નિર્વાણની,જહીં

પાસે ઉચ્ચ કિનારીઓ હતી શાશ્વતતાતણી,

અને મારક ને ત્રાતા અગ્નિઓ મધ્ય સંસ્થિતા

આરોહ્યો સ્વર્ણની શૈલશ્રેણી સંસાર-સ્વપ્નની;

પહોંચ્યો એ મેખલાએ અવિકારી રહે છે તેહ સત્યની,

ભેટો એને થયો સીમાઓનો અવર્ણ્ય જ્યોતિની,

રોમાંચિત થયો સાન્નિધ્યે અનિર્વચનીયના.

પોતાથી ઊર્ધ્વમાં એણે પાયરીઓ જોઈ ભવ્ય ભભૂકતી,

પાંખો લેતી જોઈ પાંખો સૃષ્ટિના અવકાશને,

સૂર્યાક્ષ રક્ષકો જોયા, જોયું સ્વર્ણ નારસિંહ-સ્વરૂપને

મજલા ભૂમિકાઓના જોયા, જોયા નિત્ય રાજંત ઈશ્વરો.

સર્વજ્ઞતાતણા સેવાકાર્યે આસીન ત્યાં હતી

પ્રજ્ઞા નીરવતાયુક્ત મહાનિષ્ક્રિયતામહીં;

ન'તી એ કરતી ન્યાય, માપતી ના, જાણવા મથતી ન;તી,

કિંતુ કાન દઈને એ સુણતી'તી સર્વદર્શી વિચારને,

સુણતી 'તી ટેક પારપારના કો એક પ્રશાંત સૂરનો.

જ્ઞેય સર્વતણે શૃંગો એ પહોંચી ગયો હતો:

સૃષ્ટિના શીર્ષ ને પાયા પાર એની ગઈ 'તી દૃષ્ટિની ગતિ;

ભભૂકંતાં ત્રણે સ્વર્ગે નિજ સૂર્યો આણી દીધાં પ્રકાશમાં,

ને તમોગ્રસ્ત પાતાલે કર્યું ખુલ્લું પોતાના ઘોર રાજ્યને.

છેલ્લા રહસ્યને છોડી અન્ય સર્વ  ક્ષેત્ર એનું બન્યું હતું,

૯૮


કિનાર નિજ અજ્ઞેયે પ્રાયઃ પ્રકટિતા કરી.

આનંત્યો આવવા માંડ્યા ઉભરીને ઊંચે એના સ્વરૂપનાં,

એને બોલાવવા લાગ્યાં જગતો ગુપ્ત જે હતાં;

શાશ્વતીઓ શાશ્વતીઓને સાદ કરતી હતી

અશબ્દ નિજ સંદેશા એથી યે પાર ભેજતી.

ઊંડાણોના ચમત્કારમાંથી ઉપર આવતી,

અતિચેતન ઊંચાણો છે જે ત્યાંથી ભભૂકતી,

તીરછી ઘૂમરીઓમાં તેજીલી ગતિએ જતી

થતી સંયુક્ત કૈં કોટિ શક્તિઓ ને એકરૂપ બની જતી.

માપ ના નીકળે એમ વહેતું 'તું સૌ એક સિંધુની પ્રતિ :

જીવતાં સઘળાં રૂપો એનાં અણુ-ગુહો બન્યાં.

સર્વ જીવનનો મેળ સાધનારી શક્તિ વિશ્વસમસ્તની 

સારા અસ્તિત્વને હાવે રાખતી 'તી નિજ મોટા નિયંત્રણો;

એ રાજાભવ્યતા કેરો અંશ એક રાજા અશ્વપતિ બન્યો.

યતેચ્છ એ રહેતો 'તો ન વિસ્મરંત રશ્મિમાં.

 

જ્યાં ના અસત્ય કો આવી શકે એવા એ ઊંચેના પ્રદેશમાં,

જ્યાં બધા ભિન્ન છે ને જ્યાં સઘળું એકરૂપ છે,

અવ્યક્તરૂપના મોટા અકૂલ સાગરે તહીં,

વિશ્વાત્મામાં સ્થિરીભૂત વ્યક્તિરૂપ અધિરૂઢ થઇ જતો;

રોમાંચિત થતો વિશ્વ-શક્તિ કેરાં મહાબલ પ્રયાણથી,

એનાં કર્મો હતાં સાથી પ્રભુકેરી અપરંપાર શાંતિનાં.

જોડે ગૌણ લગાડેલો મહિમા ને પ્રતીક એક આત્મનું,

એવું શરીર સોંપાયું ચૈત્ય પુરુષને હતું,

શક્તિનું એ હતું એક બિંદુ અમરતાભર્યું,

વિશ્વવ્યાપી નિરાકાર ને વિશાળા તરંગાતા વહેણમાં

હતું સમતુલા માટે એ રખાયેલ ઢીમચું,

ઉજળી જગતી કેરી સામગ્રી કામમાં લઇ

પરાત્પરતણી શક્તિ કંડારી કાઢતી 'તી જેહ પૂર્ણતા

ત્યાં ઢાંકણાતણી ધાર ચેતનાવંત એ હતું,

પોતામાં કરતું 'તું એ મૂત્ત તાત્પર્ય વિશ્વનું.

ત્યાં ચૈતન્ય હતું ગાઢો વણાટ સાવ એકલો;

ચિદાકાશમહીં એક હતાં દૂર-અદૂરનાં,

સર્વકાળતણો ગર્ભ ક્ષણો ત્યાં ધારતી હતી.

૯૯


વિચારે પડદો ચીર્યો પરચૈતન્યનો હતો

દૃષ્ટિના સૂરમેળોને ભાવ ચક્રાકારે ચલાવતો હતો,

અને એકાત્મતામાંથી પ્રક્ષેપાતી હતી અર્ચિષ દૃષ્ટિની;

હતું જીવન આત્માની યાત્રા આશ્ચર્યથી ભરી,

વિશ્વના પરમાનંદ કેરી એક લહરી લાગણી હતી.

પરમાત્માતણા ઓજ અને જ્યોતિતણા સામ્રાજયની મહીં

અનંતતાતણા ગર્ભમાંથી કોક આવેલો હોય તેમ તે

આવ્યો પામી નવો જ્ન્મ  શિશુ ને અણસીમ, ને

અકાળ બાળની પ્રજ્ઞા એનામાં વધતી ગઈ;

બૃહત્તા એ હતો એક જે જરાવારમાં સૂર્ય બની ગઈ.

એક મોટી અને જયોતિર્મયી નીરવતા હતી

એના હૃદયને મંદ સ્વરે કૈંક કહી રહી;

એનું જ્ઞાન હતું એક અંતર્દૃષ્ટિ   અગાધ પકડાયલી.

ને બહિર્દૃષ્ટિ એની ના છેદાતી 'તી સંક્ષિપ્ત ક્ષિતિજો  વડે:

વિચાર કરતો 'તો એ સર્વમાં,,સર્વમાં સંવેદતો હતો,

એની મીટમહીં શક્તિ ભરી હતી.

એકથ્ય સાથમાં એની કથાઓ ચાલતી હતી

વિશાળતર ચૈતન્યયુક્ત જીવો એના મિત્રજનો હતા,

એની પાસે આવતાં 'તાં સ્વરૂપો વધુ સૂક્ષ્મ ને

વધુ મોટા પ્રમાણનાં;

પ્રાણના પડદા પૂઠે રહી દેવો

એની સાથે સંવાદો કરતા હતા.

એનો આત્મા પડોશી છે બન્યો શૃંગપ્રદેશોનો નિસર્ગના.

પોતના બહુમાં એને લીધો છે આધ શક્તિએ;

એના મસ્તિષ્કને ઘેરી લેતી જ્યોતિ પરાભવ પમાડતી,

આશ્લેષે સર્વને લેતા જ્ઞાને એનું હૈયું છે કબજે કર્યું:

ઉઠયા વિચાર એનામાં

જેમને પૃથિવી કરું મન ધારી શકે ન કો,

એનામાં રમવા લાગ્યાં મહાબલો

વહ્યાં જે ન હતાં મર્ત્ય શિરાઓની મહીં કદી:

અધિમાનસનાં લાગ્યો રહસ્યો એ નિરિક્ષવા,

પ્રહર્ષ પરમાત્માનો એણે અંતરમાં ધર્યો.

સૂર્ય-સામ્રાજયની સીમા પરે વિચરનાર એ

તાલમેળે રહેતો 'તો સૂરતાઓ સાથે સર્વોચ્ચ ધામની;

૧૦૦


સનાતનતણા લોક સાથે એણે સંયોજી સૃષ્ટિની કડી,

અંશો એના અંતવંત નિજ પૂર્ણ સ્વરૂપની

સમીપ સરતા ગયા,

દેવોની હિલચાલોને માટે એનાં કર્મ છે ચોકઠાં બન્યાં,

એના સંકલ્પને હાથે છે લેવાઈ લગામ વિશ્વ-શક્તિની.  

૧૦૧


 

પંદરમો  સર્ગ  સમાપ્ત

 

બીજું  પર્વ  સમાપ્ત