|
સર્ગ બારમો
આદર્શનાં સ્વર્ગો
વસ્તુનિર્દેશ
આદર્શ દૂરથી હરહંમેશ સંકેત કરતો હતો. અદૃષ્ટના સ્પર્શથી જાગૃત થયેલો
વિચાર પ્રાપ્ત કરેલી વસ્તુઓની સીમા છોડી નવું નવું શોધી કાઢવા માટે અશ્રાંત
ભાવે પ્રબળ પ્રયત્ન કરતો હતો. એને પગલે પગલે એક નવું જગત પ્રકટ થતું હતું.
અમર ને અજન્મા જ્યોતિ માટે એ ઝંખતો હતો, માર્ગે નવાં નવાં અદભુતો ને નવા
નવા આનંદો આવતાં હતાં. શાશ્વતના ધામે ઉતાવળે પગે જતા યાત્રીનાં
પગલાનું સંવેદન પામવા માટે એક દેવનો આત્મા જાણે નિસરણીનું પગથીયું બની જતો.
સીડી ઝળહળતી હતી. અને બન્ને છેડે આદર્શનું એક સ્વર્ગ આવેલું હતું. એની એક
બાજુએ રંગ પર મનોહર રંગ, એવાં અમર ગુલાબનાં રાજ્યો રમણીયતાથી મુગ્ધ કરતાં
હતાં. મર્ત્ય શરીરમાં પુરાયેલા આત્માની ઉપરની દિશે સ્વર્ગીય શાંતિનાં
પરચૈતન્યધામો હતાં, નીચે અચિત્ નાં અંધકારગ્રસ્ત વિષાદભર્યાં રાજ્યો હતાં,
ને તેમની વચ્ચે ને આપણા જીવનની પૂઠે એ અમર ગુલાબ હતું. પ્રકૃતિના
સમર્પાયેલા ઊંડા હૃદયમાંથી આરોહી એ પ્રભુને પદે પ્રફુલ્લતા પામતું હતું.
અહીંય માનવ હૃદયમાં એની કળી ફૂટે છે અને પછી કોઈ સ્પર્શે, સાન્નિધ્યે, કે
શબ્દે સારું જગત એક મંગલ મંદિર બની જાય છે, ને પછી તો બધું જ પ્રભુના
પ્રભુનો આવિષ્કાર કરે છે. આપણાં ગુપ્ત કેન્દ્રો ફૂલની જેમ સ્વર્ગીય વાતાવરણ
પ્રતિ ખુલ્લાં થઇ જાય છે અને આદર્શ પ્રેમનો, આદર્શ સુખનો અને આદર્શ
સૌન્દર્યનો અનુભવ કરે છે.
અહીં જે કળી રૂપ હતું તે બધું ત્યાં પુષ્પિત ભાવ પામેલું છે. ત્યાં અગ્નિના
ધામની રહસ્યમયતાછે, વિચારની દૈવી ભભક છે, સોનેરી મહાસુખ છે, સ્વર્ગીયતાની
આનંદમગ્નતા છે. ત્યાં છે અદભુત સ્વરો, સૂર્યોનાં હાસ્ય, પ્રભુના પરમાનંદનાં
કલરવ કરતાં વમળ-વ્હેણ, સ્વર્ણશુભ્ર ચંદ્રની દ્રાક્ષાવલ્લી, આપાણ
૬૫
મર્ત્ય જીવનની જવલ્લે મુલાકાત લેતી ઝલક ને મધુરતા ત્યાં
છે, અમર મહામુદાઓ ત્યાં આપણી બને છે. એક જ દાંડી પર ઝૂલતાં કોટિક ક્મલોની
માફક ભુવન પર ભુવન ત્યાં અણદીઠી દિવ્યતાના આવિર્ભાવ પ્રત્યે ઊંચે આરોહે છે.
સનાતન સીડીની બીજી બાજુએ છે અમર અગ્નિનાં ઓજસ્વી રાજ્યો. એકવાર આ અગ્નિ
પ્રજવલિત થયો તો તે પછી એ કદી બુઝાતો નથી. દિવસ અને રાત્રી આ અગ્નિને
નિગૂઢભાવી શાશ્વત જ્યોતિએ લઇ જાય છે. અદૃશ્ય પરમાત્માના સિંહાસન સમીપ એમ એ
સપ્રયત્ન પહોંચી જાય છે.
પતિતતા ન પામેલાં પ્રકાશમાન મહાબલો, અજન્મા ને અવિકારી વિશુદ્ધ શુભો,
પરમસત્યના મહિમાનાં શિખરો, આ સૌ વિશાળતર વાયુમંડળમાં આપણા આત્માઓને બોલાવે
છે. કાળ અને નિર્માણના માર્ગો પાર ઈશ્વરીય મનના આછા નીલમ આકાશમાં થઇ,
અનંતના સુવર્ણમય આવિર્ભાવની દિશામાં તેઓ અંગુલિ-નિર્દેશ કરે છે. પણ માનવ બળ
માટે આ આરોહ બેહદ મુશ્કેલ છે. માત્ર શાશ્વતની શક્તિ જ એ માટેનું સાહસ આરંભી
શકે છે, કેમ કે એ જ આપણા પ્રેયમાત્રનું આવશ્યક બલિદાન આપી શકે છે. માણસનું
પોતાનું બળ કેવળ દુર્બળતા છે, અપૂર્ણતાઓ એનો પીછો લીધેલો છે, અંધતા એને
જોવા દેતી નથી, કીચડ એને ખૂંપાવે છે, અશુદ્ધિ મોટી બધા બને છે.
આદર્શના ધન્ય ભુવાનોમાં આમાંનું આડે આવતું નથી. ત્યાં સત્ય અને સંકલ્પ, શુભ
અને શક્તિ એકબીજાની સાથે એકરૂપતામાં રહેલાં છે. ત્યાં મનુષ્ય દિવ્યતાનો
સહભાગી બની જાય છે.
રાજા અશ્વપતિ ઈચ્છાનુસાર આ આદર્શનાં રાજ્યોમાં સંચર્યો, તેમનું સૌન્દર્ય
સ્વીકાર્યું, તેમનો મહિમા પોતાનોં બનાવ્યો, પણ ત્યાં થોભ્યો નહિ, એ તો આગળ
ચાલ્યો કેમ કે ત્યાં જે જ્યોતિ હતી તે અધૂરી હતી, ત્યાં પ્રત્યેક વિચાર
પોતાનું આગવું રાજ્ય રચી એની ઉપર અમલ ચલાવવા માગતો હતો. ત્યાં વિચારોનાં
મિલનમંડળોય હતાં, પૂર્ણતાની ચાવી ને સ્વર્ગ માટેનું પારપત્ર પણ હતું. પણ
તેમ છતાં ત્યાં સૌ પોતપોતાનું અલગ અસ્તિત્વ રાખવા માંગતા હતા. એકબીજામાં
ઓતપ્રોત થવાનું ને પરસ્પર લીન થઇ જવાનું તેઓ પસંદ કરતા નહોતા.સમસ્ત વિશ્વના
વિરાટ આત્મામાં પોતાના આત્માને ઢાળવા ને અખિલ એકરૂપ બની જવા કોઈ માગતું
નહોતું.
રાજા તો પરમને પામવા માગતો હતો, તેથી તે ત્યાંના નિવાસ માટેનો મળેલો અધિકાર
છોડી વધારે દિવ્ય ભુવનોની દિશામાં આગળ વધ્યો. જ્યાં એક સર્વ-સામાન્ય
જ્યોતિમાં સઘળી જ્યોતિઓ એકાકાર બની જાય છે, એક આનંદમાં જ્યાં બધા આનંદો
અંતર્લીન થઇ જાય છે, એક મહિમામાં જ્યાં સૌ પોતાના મહિમાનાં દર્શન કરે છે,
જ્યાં સર્વે ઉચ્ચ અને અભીષ્ટ અને સૌન્દર્યમય શક્તિઓ એકાત્મતા અનુભવે છે
ત્યાં જવા એણે પગલાં ભર્યાં. કાળના માર્ગોને વટાવીને એ
૬૬
ઊર્ધ્વમાં સંચર્યો, મૌનની ને સહસ્રગુણ શબ્દની પાર પહોંચવા
એ ઊપડયો, અનશ્વર સત્યનો જ્યાં નિત્ય નિવાસ છે,અભેદ જ્યાં સહજ ધર્મ છે
તે સનાતનમાં જવા એ ઊપડયો, જ્યાં જ્યોતિનાં બાળકોનું નિકેતન છે, જ્યાં
આત્માની એકતામાં જ સર્વે સહજ ભાવે રહે છે ત્યાં જવાને માટે એણે યાત્રાનો
પંથ લીધો.
|
|
આદર્શ હરહંમેશ દૂરમાંથી હતો સંકેત આપતો.
સ્પર્શે અદૃષ્ટના જાગી સીમા પ્રાપ્ત વસ્તુઓની વિવર્જતો,
જોશભેર નવું શોધી કાઢનારો, ન થાકતો,
પ્રત્યેક પગલે એક પ્રભાવંતા લોકોને પ્રકટાવતો,
અભિલાષા વિચાર રાખતો હતો.
અજ્ઞાત શિખરો માટે જ્ઞાત શૃંગો તજી જતો,
સાવેગ ઢૂંઢતો 'તો એ એકાકી ને અસાક્ષાત્કૃત સત્યને,
જ્યોતિ એ ઝંખતો 'તો જે મૃત્યુને ને જન્મને જાણતી ન 'તી.
પ્રત્યેક ભૂમિકા આત્માતણા દૂરવર્તી આરોહની હતી
રચેલી હ્યાં હમેશાં લહ્યા જાતા એક અખંડ સ્વર્ગની.
પ્રત્યેક પગલે યાત્રા કેરા અદભુતરૂપ એ
આશ્ચર્યની અને મોટી મુદા કેરી માત્રા અવનવી હતી,
આત્માની જબરી સીડી પર રૂપ લેતું પગથિયું નવું,
રત્નજોતે ઝબૂકતું ડગ મોટું ભરતું 'તું વિશાળ ત્યાં
જાણે કો જલતો જીવ હતો એક સ્ફુરંત ત્યાં
નિજ જવાલા વડે દેતો આધાર અમરાશને,
જાણે પ્રદીપ્ત કો દેવે અર્પ્યો 'તો નિજ આત્મને
કે શાશ્વતતણે ધામે ત્વરાથી અધિરોહિતા
યાત્રીનાં પગલાં કેરો લહે પોતે પદધ્વનિ.
પ્રકાશમાન પ્રત્યેક સીડી કેરા બન્નેય અંત-ભાગમાં
આદર્શ મનનાં સ્વર્ગો નજરે પડતાં હતાં,
સ્વપ્નને સેવતી નીલ ચમકે અવકાશની
જાણે કે ચંદ્રને લગ્ન વિભાસી વ્યોમના પટા.
એક બાજુ રંગ કેડે તરતા રંગ શાં હતાં
ઝગારા મારતાં રાજ્યો મનોહારી રમ્ય પાટલપુષ્પનાં,
જ્યાં વિમુગ્ધ થતો આત્મા મહિમામાં અને આશ્ચર્યભાવમાં,
જ્યાં અંતદર્શને હૈયું પ્રકંપંતું પ્રહર્ષણે,
અને સુન્દરતા-દત્ત જ્યાં આનંદ આપોઆપ થતો હતો. |
૬૭
|
|
મર્ત્યતાના ખોળિયામાં પુરાયેલા આત્માની ઊર્ધ્વની દિશે
સ્વર્ગીય શાંતિનાં રાજ્યો અતિચેતનવંત છે,
ને નીચે છે અચિત્ કેરો નિરાનંદ ગર્ત અંધારથી ભર્યો,
આપણી જિંદગી પૂઠે, વચગાળે,
મૃત્યુપાશમુક્ત પાટલપુષ્પ છે.
જીવ જેના શ્વાસ લે છે તે આચ્છાદી હવાની આરપાર એ
વિશ્વ સૌન્દર્ય કેરું ને હર્ષનું છે કલેવર,
અંધ દુઃખિત લોકે ના દીઠેલું, ના અનુમાનેલ જે વળી,
ને જે પ્રકૃતિના ઊંડા સમર્પાયેલ હાર્દથી
આરોહી પ્રભુને પાયે સદા માટે પ્રફુલ્લતું.
જિંદગીના યજ્ઞભાવી રહસ્યોનાં પોષણો પામતું જતું.
માનવી હૃદયોમાં હ્યાં પણ એની જન્મ પામેલ છે કળી;
એટલે સ્પર્શથી એક, એક સાન્નિધ્યથી યા એક બોલથી
પલટાઈ જતું વિશ્વ એક મંદિર-ભૂમિમાં
અને અજ્ઞાત પ્રેમીને પ્રકાશે આણતું બધું.
સ્વર્ગીય હર્ષ ને સૌખ્ય ફાટી ઊઠંત તે સમે
અંત:સ્થ દિવ્ય સત્તાને થાય આધીન જિંદગી
ને સમર્પી દે સહર્ષ નૈવેધે નિજ સર્વને,
ને ચૈત્યાત્મા ઊઘડે છે પરમાનંદની પ્રતિ.
આવે અનુભવે એક મહાસુખ કદીય જે
પૂરેપૂરું પડી બંધ શકે નહીં,
પ્રફુલ્લિત થઇ ઊઠે ઓચિંતાંની
રહસ્યમયતા ગુપ્ત કૃપાતણી
ને સોનેરી બનાવી દે લાલ ઈચ્છા આપણી ધરતીતણી.
આશાઓ આપણી મેલી અને આવેગપૂર્ણ જે
તેમના કર્મકાંડથી
પોતાના મુખને ઢાંકી રાખનારા જે મોટા દેવ, તે બધા
નિજ નામ અને મૃત્યુ વિહીન નિજ શક્તિઓ
પ્રત્યક્ષ પ્રકટાવતા.
ચંડ નિ:સ્પંદતા એક જગાડે છે ઘોરતા જીવકોષને,
ઉગ્રાવેગ જગાડે છે આત્મભાવ ધારી રહેલ પિંડનો,
ને જે માટે આપણાં છે જીવનો સરજાયલાં
તે ચમત્કાર પામે છે સિદ્ધિ અંતે કો અદભુત પ્રકારથી.
જવાલા એક પડે દૃષ્ટે શ્વેત નીરવ ગુંબજે,
|
૬૮
|
|
પડે દૃષ્ટે મુખો અમર જ્યોતિનાં,
જન્મ-મૃત્યુ ન જાણે તે પડે દૃષ્ટે અંગો ઉજ્જવલતા ભર્યાં,
સૂર્ય કેરાં પનોતાંને પય પાનાર સુસ્તનો,
ને પાંખો કરતી ભીડ સમુત્સાહી મૌનો મધ્ય વિચારનાં
ને આંખો અવલોકંતી અધ્યાત્મ-અવકાશમાં
દૃષ્ટિગોચર થાય છે.
સ્વર્ગીય શક્તિનાં કેન્દ્રો આપણાં આવરાયલાં
પ્રફુલ્લે ફૂલની જેમ સ્વર્ગના વાયુમંડલે;
ઊર્ધ્વના રશ્મિએ રોમહર્ષ લ્હેતું મન સ્તંભિત થાય છે,
અનિત્ય દેહ સુદ્ધાંયે માણવાને ત્યારે સમર્થ થાય છે
આદર્શ પ્રેમ ને દોષ વિનાના સુખશર્મને,
હાસ્ય વિમુકિત પામેલું રૂખડા ને કારમા કાળગ્રાહથી,
અને સૌન્દર્ય ને નૃત્યલય કાળ-હોરાના ચરણોતણો.
આ, ઉચ્ચ ભૂમિકાઓમાં, અમરોની જાતનું જાય છે બની;
અહીં છે જે કળી રૂપે તે ત્યાં પુષ્પિત છે બન્યું.
જ્વાલાના ધામ કેરી છે રહસ્યમયતા તહીં,
દેવોપમ વિચારનો
ને સોનેરી સંમુદાનો ભભૂકો ભાસમાન ત્યાં,
આદર્શમયતા ભાવલીન છે ત્યાં દિવ્ય સંવેદનાતણી;
સ્વરો અદભુત છે ત્યાં ને હાસ્ય ત્યાં સૂર્યદેવનું,
છે નિનાદંત આવર્ત સરિતોમાં પ્રભુ કેરા પ્રહર્ષની,
સ્વર્ણ-સુધાકરી દ્રાક્ષાવલ્લીઓના છે ભેદ ગૂઢ મંડપો,
છાયા ઝબકતી એક જેની ભાગ્યે આવે હ્યાં મર્ત્ય જીવને
તે સૌ આગ્નેય ઉત્સાહ અને માધુર્ય છે તહીં.
જોકે ત્યાં કાળના હર્ષો જોવાને મળતા છતાં
હૈયે દબાયેલો સ્પર્શ અમૃતાત્મા કેરો અનુભવાય ત્યાં
અને સુણાય છે બંસીતણા સૂર અનંતના.
પ્રારંભના પ્રબોધો હ્યાં પૃથ્વી ઉપર હોય છે,
દિવ્ય હવામહીં હોય છે પળો પ્રવિકંપતી,
જમીને ઝંખતી એની કાળ કેરાં થાય સૂર્યમુખી સુમો
માંડતા મીટ પોતાની સ્વર્ણ-શાશ્વતતા પરે :
પરંતુ પરમાનંદો છે ત્યાં નાશ ન પામતા.
એક નાલ પરે કોટિ કમલો ડોલતાં લયે
રંગીન ને મુદામગ્ન એક ભુવનની પછી |
૬૯
|
|
બીજું ભુવન આરોહે
દૂરવર્તી કો અદૃષ્ટ પ્રભુ-પ્રાકટ્યની પ્રતિ.
સર્વકાલીન સીડીની બીજી બાજુ પરે હતાં
અમર્ત્ય અચિંનાં રાજ્યો રાજમાન મહૌજસે,
બ્રહ્યનાં પૂર્ણ કૈવલ્યો પામવાની અભીપ્સાને નિષેવતાં.
વિશ્વનાં શોક ને દુઃખ અને અંધારમાંહ્યથી,
દફનાવેલ છે પ્રાણ ને વિચાર જહીં તે ગહનોથકી
એકાકિની ચઢે ઊંચે અગ્નિજવાલા દેવોના ધામની પ્રતિ.
પવિત્ર ગુપ્તતાઓમાં આચ્છાદિત નિસર્ગની
મનની વેદીમાં સર્વકાળ એ પ્રજવળ્યા કરે,
સમર્પાયેલ દેવોના આત્મા એના પુરોહિતો,
ને એની યજ્ઞશાળા છે માનવીની મનુષ્યતા.
એ એક વાર પેટાયા પછી એના પાવકો ઓલવાય ના.
પૃથ્વીના ગૂઢ માર્ગોએ યાત્રા કરંત અગ્નિ એ
મર્ત્ય ગોલાર્ધની મધ્ય થઇ આરોહણો કરે,
દિવા-રાત્રતણી દોડે લાગેલાઓ ઉઠાવી એહને જતા
ને એ પ્રવેશતો અંતે ગૂઢ શાશ્વત જ્યોતિમાં
અને શુભ્રત્વ સાધીને, મહાયાસ કરી કરી,
દેખી શકાય ના એવા રાજ્યસિંહાસને ચઢે.
સોપાનો છે લોક એના એક ઊંચે આરોહનાર શક્તિનાં :
રાક્ષસી રૂપરેખાઓ ને સીમાઓ મહાસુર પ્રમાણની,
ધામો અભ્રષ્ટ ને ભ્રાજમાન ઓજસ્વિતાતણાં,
વિશુદ્ધ વણજન્મેલા અવિકારી શુભના લોક સ્વર્ગના,
તુંગતાઓ ભવ્યભવ્ય સત્ય કેરા જરાથી મુક્ત રશ્મિની
પ્રતીકાત્મક આકાશે હોય તેમ દૃષ્ટિગોચર થાય છે,
આવાહે છે આપણા એ આત્માઓને વિશાળતર વાયુમાં.
શિખરો પર પોતાનાં ઊંચકી એ જાય નિર્નિદ્ર અર્ચિને
નિગૂઢ પારપારે છે તેહનાં સ્વપ્ન સેવતાં,
દૈવના ને કાળ કેરા માર્ગો પાર કરી જતાં,
ઈશ-માનસના આછા નીલમી વ્યોમમાં થઇ
સૂચિસ્વરૂપ શૃંગોથી પોતાનાથી ઊંચે નિર્દેશ એ કરે
આવિષ્કાર પ્રતિ સ્વર્ણવર્ણ કોક અનંતના.
પ્રભુ કેરી પહાડીમાં ગગડાટ પડઘા હોય પડતો
|
૭૦
|
|
તેવો આશ્ચર્યકારી છે અવિશ્રાંત સાદ પ્રચંડ તેમનો :
પર છે આપણાથી એ ને એ આપણને થવા
પર આપણથી આહવાન આપતાં,
આદેશ આપતાં ઊંચે અવિરામ આરોહ્યે જ જવાતણો.
વસે એ શિખરો દૂર દૂર જયાં ન પહોંચતો
ઉત્કંઠાએ ભર્યો પ્રસર આપણો,
છે એવા તુંગ કે મર્ત્ય બળ ને મર્ત્ય તુંગતા
કામે ત્યાં આવતા નથી,
આત્માનો નગ્ન સંકલ્પ પ્હેલવાની પ્રયત્નથી
ઉગ્ર આનંદને વેગે પરાણે ત્યાં ચઢી શકે.
માગે છે આપણી પાસે કઠોર અસહિષ્ણુ એ
એવા જારી પ્રયાસો કે જેને માટે
મર્ત્ય શક્તિ આપણી અસમર્થ છે,
ને જેને વળગી રે'વા નથી શક્તિ આપણાં હૃદયો મહીં,
કે ટકવી રાખવાને માટે દેહ સમર્થ ના:
બળ શાશ્વતનું એકમાત્ર છે જે આપણામાં રહેલ તે
આ આરોહણના ઘોર સાહસે છે સમર્થ હામ ભીડવા
ને સૌથી પ્રિય છે જે હ્યાં આપણું તે સર્વનું બલિદાન છે
સમર્થ હામ ભીડવા.
આપણું માનુષી જ્ઞાન સૂર્ય-વિશાળ સત્યની
ઝાંખી એક વેદિકાએ જલાયેલી મોંમબત્તી સમાન છે;
માનવીનો સદાચાર આવે ના બંધબેસતું
એવું એક વસ્ત્ર જાડા વણાટનું,
ને કાષ્ટ-પ્રતિમાઓને શુભ કેરી એ વાઘા છે સજાવિયા;
આવેશપૂર્ણ ને અંધું, લોહીલોહાણ કીચે ખરડાયલું,
ઓજ એનું ઠોકરાતું જતું એક અમર્ત્ય શક્તિની ભણી.
આપણા ઉચ્ચમાં ઉચ્ચ બળ પૂઠે પડી એક અપૂર્ણતા;
અંશો ને ઝંખવાયેલાં પ્રતિબિંબો આપણે ભાગ આવતાં.
સુખિયાં ભુવનો છે તે જેમણે પાત આપણો
નથી અનુભવ્યો, અને
જ્યાં સંકલ્પ અને સત્ય એકરૂપ રહેલ છે
ને છે જ્યાં શક્તિની સાથે શુભની એકરૂપતા;
ભૌતિક મન કેરા ના દારિધે છે દરિદ્ર એ,
રાખે છે સાચવી તેઓ પ્રભુનાં શ્વસનોતણી
|
૭૧
|
|
સ્વાભાવિક બલિષ્ટતા,
સાન્દ્રતાઓ ક્ષિપ્ર એની નરી સહજતા ભરી;
પારદર્શક ને મોટો છે અરીસો પ્રભુનો આત્મરૂપ ત્યાં,
ને મહાસુખની એની સર્વોદાત્ત સત્તા છે સ્વાત્મનિર્ભરા
જ્યાં અમર્ત્ય સ્વભાવોનો પોતાનો ભાગ હોય છે,
વારસો, સહભાગીઓ છે તેઓ દિવ્યતાતણા.
ઈચ્છાનુસાર આદર્શ કેરાં રાજ્યોમહીં થઇ
રાજા સંચરતો હતો,
સૌન્દર્ય અપનાવંતો એમનું ને
મહત્તાયે એમની ધારતો હતો,
આશ્ચર્યમય ક્ષેત્રોના એમના વૈભવોમહીં
ભાગીદાર બની જતો,
છતાં ના તેમની ભવ્ય દીપ્તિઓના પ્રભાવની
નીચે આવી જતો થંભી, કિંતુ આગળ ચલતો.
સૌ ત્યાં સાન્દ્ર પ્રભારૂપ હતું, કિંતુ હતું આંશિકમાત્ર
તે.
ફિરસ્તાની પાંખોવાળો ઉન્નત-શિર ભાવ ત્યાં
હતો પ્રત્યેકની મહીં,
એકીકરણ એ સર્વ જ્ઞાનનું કરતો હતો
એક મહાવિચારથી,
સોનેરી એક તાત્પર્ય અર્થે સર્વ કર્મને સમજાવતો,
સઘળી શક્તિઓને એકમાત્ર શક્તિ હેઠળ આણતો
ને એક સર્જતો લોક જેમાં એક એનું જ રાજ્ય ચાલતું,
પૂર્ણ આદર્શને માટે ધામ સંપૂર્ણતાતણું .
નિજ જીત અને શ્રદ્ધા કેરા પ્રતીકરૂપ જે
અનિર્વાણ હતી જવાળા યા પુષ્પ મ્લાન ના થતું,
એ ઉચ્ચ રાજ્યના ખાસ હકના ચિન્હરૂપ, તે
દ્વારે આવેલા યાત્રીને કર્યાં અર્પિત એમણે.
માર્ગનો મહિમાવંતો ફિરસ્તો એક ઓપતો
આત્માની ખોજને એક આદર્શરૂપ ભાવનું
માધુર્ય ને મહા-ઓજ આપતો ઉપહારમાં,
સત્યનો ઉત્સ આત્મીય ને શક્તિ શિખરાયિતા
એ પ્રત્યેક માન્યામાં આવતો હતો,
લેખાતો 'તો હાર્દ વિશ્વતણા તાત્પર્યનું અને
|
૭૨
|
|
ગણાતો 'તો પૂર્ણતાની ચાવી, પારપત્ર સ્વર્ગતણું વળી.
છતાં હતા પ્રદેશો ત્યાં મળતા જ્યાં ભાવો કેવળરૂપ એ
ને મહાસુખનું ચક્ર રચતા 'તા હાથ શું હાથ મેળવી;
આશ્લેષે જ્યોતિના જ્યોતિ વિરાજતી,
થતો અગ્નિ હતો સંલગ્ન અગ્નિ શું,
કિંતુ એકાત્મમાં વિશ્વ કેરા આત્મા પોતાનો પણ પામવા,
અનેકગુણ લેવાને હર્ષ અનંતતાતણો
અન્યમાં કોઈ ના કાય નિજ લુપ્ત બનાવતો.
રાજા અશ્વપતિ ત્યાંથી
વધારે દિવ્યતા કેરા લોકે આગળ સંચર્યો :
ત્યાં સાધારણ માહાત્મ્યે, પ્રકાશે, પ્રમુદામહીં
હતાં સંયોગ પામેલાં ઉચ્ચ રમ્ય અને કામ્ય બધાં બલો,
નિજ ભૂલ્યાં હતાં ભેદ, રાજ્ય ભૂલ્યાં હતાં પૃથક્,
બન્યાં 'તા બહુસંખ્યાળી એક અખિલતા નરી.
વિખુટા પડતા કાળ-માર્ગોથી પાર ઊર્ધ્વમાં
ને મૌનની તથા તેના સહસ્રગુણ શબ્દની
પાર કેરા પ્રદેશમાં,
અવિકારી અનુલ્લંધ્ય પૂર્ણપાવન સત્યમાં
વિયોજાય નહીં એવી નિત્યની એકતામહીં
શાશ્વતીનાં પ્રભાવંત બાળકોનો નિવાસ છે
જ્યાં બધું છે એક એવા આત્મા કેરા વિશાળા શૃંગની પરે.
|
૭૩
બારમો સર્ગ સમાપ્ત
|