નિવેદન

 

          " સાવિત્રી પ્રકાશન " નું આ ત્રીજું પુસ્તક સહૃદયોના સત્કાર માટે સમર્પતાં આનંદ થાય છે. આપણે હવે અડધે રસ્તે પહોંચી ચૂક્યા છીએ. હવે પછીનાં ત્રણ પુસ્તકોમાં" સાવિત્રી" ની બારેક હજાર પંક્તિઓ અનુવાદ રૂપે આવશે.

           રાજા અશ્વપતિના વિશ્વવ્યાપી યોગની તપોયાત્રા અચિત્ થી આરંભીને એક પછી એક ઊર્ધ્વની ભૂમિકાઓમાં ફરી વળી હતી અને વિશ્વના હૃદયના ગહન ચૈત્યાત્માના જગતમાં પણ એણે પ્રવેશ કર્યો હતો. સુરાસુરોનાં જગતો એણે એ પહેંલાં જોઈ નાખ્યાં હતાં અને પરમાત્માનો કૃપાસ્પર્શ હતો તેથી ત્યાંનાં જોખમોમાંથી રાજા બચી ગયો હતો. પછી તેણે નિરંજન નિરાકારનો અનુભવ કર્યો અને વિશ્વ પારની અવસ્થાઓય પોતાની બનાવી. સત્-અસત્ ને ઉભયથી પર એ પહોંચ્યો. ત્રિકાળદૃષ્ટિવંતો એ મુક્ત-નિર્મુક્ત બની ગયો. પરમજ્ઞાન એણે પ્રાપ્ત કર્યું.

            પરંતુ અશ્વપતિ જેને માટે આ લોકમાં અવતર્યો હતો તે આ લોકમાં અમૃત-જીવનની સિદ્ધિ, પ્રભુનીય માતા એવી આદ્ય શક્તિની કૃપા વિના સંભવતી ન હતી. તેથી એનો ઊંડો અંતરાત્મા પ્રાર્થનાપૂર્વક ભગવતીની વાટ જોતો હતો. આખરે એને એ મહાદેવના દિવ્ય દર્શન થયાં ને ભગવતીએ એને એના જન્મકર્મની સિદ્ધિ થાય એવું વરદાન આપ્યું અને એ કાર્યને માટે પોતાની એક અલૌકિક તેજ:શક્તિ પ્રકટ થશે એવું અભયવચન આપ્યું.

              રાજાએ પોતાની અભૂતપૂર્વ તપસ્યા અંતે ભગવતીના આદેશને અપનાવી લીધો અને પૂર્ણ પ્રેમભક્તિથી માને ચરણે આત્મસમર્પણ કરી દીધું. યોગપુરુષ અશ્વપતિ પછી માના આદેશને અનુરૂપ જીવનકાર્ય આરંભે છે.

              "સાવિત્રી" સર્વતોભદ્ર રહસ્યોનું મહાકાવ્ય છે, શ્રી અરવિંદના યોગાનુભવોનું ને અગોચર દિવ્ય દર્શનોનું મહાકાવ્ય છે. એનામાં વેદોની ગહનતા રહેલી છે, અને ગહન દ્વારા ગહનમાં પ્રવેશ કરી શકાય છે,  તેથી "સાવિત્રી" ના હાર્દને પામવા માટે, એના અતલતલ કૂપોમાં છલકાતાં અમૃતનાં પ્રાણપ્રદાયી પાન કરવા માટે ઊંડે, જેટલું ઊંડે ઉતારાય તેટલું ઊંડે ઉતારવાની જરૂર રહે છે. ત્યાં ગયા એટલે સંસારનાં સારભૂત સત્યો સામે આવી ઊભાં થાય છે, જીવનના કોયડાઓની ચાવીઓ હાથ આવી જાય છે, અને પ્રભુતાએ આરોહવા માટે પ્રકાશનો પંથ પ્રકટ થાય છે. શ્રેય સાધનાર પ્રભાવો આપણામાં કાર્ય કરવા મંડી પડે છે, પ્રભુનો પેમ હૃદયમાં પ્રફુલ્લતા પામતો જાય છે, અજ્ઞાનની રાત્રિનો અંત આણનાર સુપ્રભાતનો ઉદય થઇ, વિજ્ઞાનના મહાસૂર્યનાં સુવર્ણ કિરણોના સ્નાનથી આત્મા પાવન થાય છે, પ્રાણનાં પદ્મો પ્રફુલ્લ બને છે અને આનંદનાં દિવ્ય વિહંગમો આલાપવા માંડે છે.


              ભગવતી શ્રી માએ આ મહાકાવ્ય માટે ઘણું ઘણું કહ્યું છે, તેમાંનું થોડુંક પ્રસાદી રૂપે ભાવિક વાચકોને માટે અહીં આપવું ઉચિત માનું છું. મા કહે છે કે :

              "સાવિત્રી" પોતે તમને સીડીનાં ઊંચામાં ઊંચાં પગથીયે ચડાવી પાર પહોંચાડવાને માટે પૂરતી છે. સાચે જ જો કોઈ એનું ધ્યાન ધરશે તો જરૂરી બધી જ સહાય એને એમાંથી મળી રહેશે.

               જે માણસ પ્રભુને પંથે જવા માગે છે તેને માટે એક સંગીન સહારો છે, જાણે કે પ્રભુ પોતે જ તમને તમારો હાથ ઝાલીને તમારે માટે નક્કી કરાયેલે ધ્યેયે લઇ જતા ન હોય. ને વળી તમારો પ્રશ્ન ગમે તેટલો અંગત પ્રકારનો હોય, તે છતાંય તે માટેનો ઉત્તર "સાવિત્રી" માંથી મળી રહે છે, દરેક મુશ્કેલીને માટે એની ઉપર વિજય મેળવવાનો ઉપાય એમાં આલેખાયેલો છે, ખરેખર, યોગ કરવા માટે જે જે જરૂરનું છે તે તમામ એમાંથી તમને મળી જશે.

                શ્રી અરવિન્દે એક જ પુસ્તકમાં સારા બ્રહ્યાંડને ભરચક ભરી દીધું છે. "સાવિત્રી" એક અદભુત કૃતિ છે, સુભવ્ય અને અનુપમ પૂર્ણતાથી ભરેલી.

                "સાવિત્રી" લખવા માંડતાં શ્રી અરવિન્દે મને કહ્યું હતું, "હું એક નવા સાહસમાં ઝંપલાવવા માટે પ્રબળ પ્રેરાયો છું. આરંભમાં થોડોક ડગમગ થયો પણ હવે હું નિશ્ચય પર આવ્યો છું. તેમ છતાંય હું કેટલી સફળતા મેળવીશ તે જાણતો નથી. સાહસ માટે મારી પ્રાર્થના છે." અને તમે જાણો છો કે--અહીં મારે તમને સાવધાન કરવા જોઈએ--આ તો એમની કહેવાની એક રીત હતી, એ એટલા બધા નમ્રતાથી ભરેલા ને દિવ્ય વિનયવાળા હતા. એમણે કદીય પોતાની જાતને આગળ રાખી કશો દાવો કર્યો નથી. વળી એમણે જે દિવસે ખરેખાત "સાવિત્રી" નો આરંભ કર્યો તે દિવસે તેમણે મને કહ્યું હતું, "એક સુકાન વગરની નાવમાં મેં અનંતની પારાવારતામાં ઝુકાવ્યું છે." ને એક વાર શરૂ કર્યા પછી વચ્ચે અટક્યા વગર પાનાં પર પાનાં લખ્યાં છે, જાણે કે ઉપર  બધું તૈયાર જ રહેલું હોય, અને એમને તો માત્ર કાગળનાં પાનાં ઉપર એની નકલ માત્ર કરવાની હોય તેમ.

                આવી રીતે ઉપરના લોકમાંથી આવેલી "સાવિત્રી" સર્વકાળનું સર્વોત્તમ મહાકાવ્ય બને એમાં નવાય  નથી. એ આધુનિક વેદ છે, મહર્લોકના દ્રષ્તાનું પારનું આર્ષ દર્શન છે, અન્ય સર્વે દર્શન શાસ્ત્રોનો ન્યારો નિચોડ છે. સત્યસરસ્વતીએ એને અપૂર્વ સૂરો સમર્પીને અમર બનાવ્યું છે. કાળને હૃદયે ધ્વનતું અકાળનું એ ગાન છે. ચિદાનંદના લયોને સંમૂર્ત્ત કરતું ભાગવત ભવોનું ને ઋત-રસોનું શાશ્વત શિલ્પ છે.

                તેરેક વરસ ગુજરાતની સેવામાં રહેલા શ્રી અરવિન્દના આ મહાકાવ્ય ઉપર ગુજરાતની સૌથી વધારે પ્રીતિ પ્રદર્શિત થશે ને એમની "સાવિત્રી" ના ગુજરાતી અવતારને ભાવસભર આદરપૂર્વક અપનાવી લઇ ગુજરાત પોતાના ગૌરવમાં વધારો કરશે એવી આશા રાખીશું.

 

૨૧ ફેબ્રુઆરી ૧૯૭૪ 

 પૂજાલાલ